મુખ્યમંત્રીને એક સપ્તાહ સુધી હોસ્પિટલમાં રહેવું પડશે, નીતિન પટેલ

કોરોના દર્દી તરીકે મુખ્યમંત્રીની સારવાર ચાલુ કરી દેવાઇ છે

હવે કોઇ મુલાકાતીને મળવા નહીં દેવાય : નાયબ મુખ્યમંત્રી

મુખ્યમંત્રી વિજય રૂપાણીના તબીયત અંગે આજે બપોરે પત્રકારો સમક્ષ વિગતવાર હેલ્થ બુલેટીન જાહેર કરતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી રૂપાણીનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે એટલે કોરોના દર્દી તરીકે પ્રોટોકોલ મુજબ એમની સંઘન સારવાર શરૂ કરી દેવામાં આવી છે. એક સપ્તાહ સુધી મુખ્યમંત્રીને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવશે. તબીબો સાથે મસલતો કર્યા બાદ અમે આ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીને હવે કોઇ મુલાકાતી મળી શકશે નહીં. એવું જાહેર કરતા નીતિન પટેલે જણાવ્યું હતું કે, વિજયભાઇ રૂપાણીને અન્ય કોઇ બીમારી નથી એમના તમામ અન્ય મેડિકલ રીપોર્ટ નોર્મલ આવ્યા છે. એટલે ચીંતાનું કારણ નથી. એમને કહયું હતું કે, મુખ્યમંત્રીને ડાયાબીટીશ કે બીપી જેવી કોઇ બીમારી નથી. તેઓ દરરોજ સવારે યોગાસન કરે છે અને કશરત કરે છે. નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી અત્યંત વ્યસ્થ હોવાથી મુખ્યમંત્રીને થાકને કારણે ગઇકાલે ચક્કર આવી ગયા હતા. અન્ય કોઇ બીમારી નથી અમેજ નક્કી કર્યુ હતું કે, અન્ય તમામ રીપોર્ટ થઇ ગયા હોવાથી કોરોના રીપોર્ટ પણ કરાવી લેવો જોઇએ. એમનો કોરોના રીપોર્ટ આજે પોઝિટિવ આવતા એ રીતે સંઘન સારવાર શરૂ કરી દેવામાં આવી છે.