24 કલાક માટે પોલીસ પેટ્રોલિંગ, રાજ્ય સરકારનો આદેશ

આઈશા ઈફેકટ : સાબરમતી રીવર ફ્રન્ટ પર સજ્જડ સુરક્ષા પ્લાન

સ્પીડ બોટથી નદીમાં સતત પેટ્રોલિંગ, 20 નવી પોલીસ ચોકીઓ ઉભી કરાશે

ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા : 2 વર્ષમાં 31 મહિલાઓની આત્મહત્યા

મહાનગર અમદાવાદમાં રીવર ફ્રન્ટ પર પુલ પરથી કુદીને આઈશા નામની પરણીતાએ આપઘાત કર્યાની ઘટનાએ રાજ્યભરમાં સનસનાટી મચાવી દીધા બાદ રાજ્ય સરકાર પણ જાગી ઉઠી છે. સાબરમતી રીવર ફ્રન્ટ પર થ્રી લેયર સુરક્ષાનો સજડ પ્લાન અમલમાં મુકવા રાજ્ય સરકારે આદેશ આપ્યો છે. સમગ્ર 13 કિલોમીટરના રીવર ફ્રન્ટ રુટ પર અને નદીમાં સતત 24 કલાક પેટ્રોલિંગ કરવાનો રૂપાણી સરકારે આદેશ આપ્યો છે.

લોખંડી સુરક્ષા પ્લાન મુજબ સમગ્ર વિસ્તારમાં અઢીસો સીસીટીવી કેમેરા ગોઠવાશે અને 20 નવી પોલીસ ચોકીઓ ઉભી કરવામાં આવશે. 15 જેટલા સ્કુટર અને 2 ગોલ્ફ્કોર્ટમાં મહિલા પોલીસનું સતત પેટ્રોલિંગ સતત ચાલુ રાખવામાં આવશે. જયારે સાબરમતી નદીમાં સ્પીડ બોર્ડથી સતત પેટ્રોલિંગ સતત ચાલુ રાખવામાં આવશે. રીવર ફ્રન્ટ પરના અવારનવાર પુલ પરથી કુદીને મહિલાઓ આપઘાત કર્યા હોવાની ઘટનાઓ બનતી રહી છે. છેલ્લા બે વર્ષમાં જ 31 મહિલાઓએ અહીંથી નદીમાં કુદીને આપઘાત કર્યો છે.

આ રીતે રાજ્ય સરકારે હવે સફાળા જાગી ઉઠી રીવર ફ્રન્ટની થ્રી લેયર સુરક્ષા બનાવી છે. 13 કિલોમીટર ફ્રન્ટ રુટ પર સતત પોલીસ પહેરો રાખવામાં આવશે અને પેટ્રોલિંગ પણ ચાલુ રહેશે.