181 અભયમ હેલ્પલાઇનમાં ગુજરાતની પ્રથમ મહિલા પાયલોટ રાજકોટની

દરેક ક્ષેત્રમાં મહિલાઓ હિંમતભેર આગળ આવે: ભાનુબેન

રાજ્યમાં મહિલાઓની સુરક્ષા માટે સરકાર દ્વારા 181 અભયમ મહિલા હેલ્પલાઇનની શરૂઆત 8 માર્ચ 2015ના રોજ કરવામાં આવી છે. આજે મહિલા દિવસે હેલ્પલાઇનને 6 વર્ષ પૂર્ણ થયાં છે, ત્યારે અભયમ હેલ્પલાઇનની ટીમે 6 વર્ષમાં 8.25 લાખ જેટલી મહિલાઓને મદદ પૂરી પાડી છે. આ પ્રોજેકટમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે હેલ્પલાઇનમાં મહિલા પાયલોટ તરીકે નિમણૂક કરવાની શરૂઆત રાજકોટથી કરવામાં આવી છે. 181 મહિલા અભયમ હેલ્પલાઇનમાં ગુજરાતની પ્રથમ મહિલા પાયલોટ તરીકે રાજકોટનાં ભાનુબેન અઢવી કામ કરી રહ્યાં છે. તેઓ 24 કલાક અને વર્ષના 365 દિવસ ફરજ પર હાજર રહે છે.

ગુજરાતના પ્રથમ મહિલા પાયલોટ ભાનુબેન અઢવીએ જણાવ્યું હતું કે મહિલા પાયલોટ તરીકે કામ કરવું ઘણું અઘરું છે અને મને ગર્વ છે કે ગુજરાતમાં પ્રથમ મહિલા પાયલોટની જવાબદારી મને મળી છે. આ સાથે જ મહિલાઓએ કોઈ પ્રશ્નથી મૂંઝાવું ન જોઇએ, કોઈ ને કોઈ કામ પણ કરવું જોઈએ. દરેક ક્ષેત્રમાં આગળ આવવું જોઈએ. આજે સરકાર પણ મહિલાઓને પ્રોત્સાહન આપવા ઘણી યોજનાઓ લાવી રહી છે તો બહેનો હોંશભેર એનો લાભ લે અને દરેક ક્ષેત્રમાં હિંમતભેર આગળ આવે એ આજના દિવસનો મુખ્ય સંદેશો છે. મહિલા અભયમમાં પાયલોટની સાથે મહિલા કાઉન્સેલર પણ હોય છે.

જ્યારે પણ હેલ્પલાઇન પર કોલ આવે તો ગણતરીની મિનિટોમાં સમગ્ર ટીમ સ્થળ પર પહોંચી જતી હોય છે અને તેને કાઉન્સેલિંગ કરી મદદ પૂરી પાડે છે. આ સમયે ખાસ મહિલા પાયલોટની નિમણૂંક થતાં રાજકોટમાં કામ કરતાં મહિલા અભયમનાં કાઉન્સેલર આરતી પરમારે જણાવ્યું હતું કે મહિલા અભયમમાં મહિલા પાયલોટની નિમણૂક એ ખૂબ મોટી આવશ્યક હતી અને એ આજે રાજકોટમાં પૂરી થતાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે.