વેપારીને પોલીસે માર મારતા નરોડા પાટિયાથી સરદાર નગરનો પટ્ટો બંધ

અમદાવાદ શહેરમાં સરદારનગર, કુબેરનગર અને નરોડા પાટિયા વિસ્તારમાં વ્યાપક બની રહેલા ગુંડારાજ અને દારૂ-જુગારના અડ્ડાઓ ચલાવનારાઓ દ્વારા વેપારીઓની કરવામાં આવતી કનડગત સામે ફરિયાદ નોંધાવવા માટે અને ત્રણ દિવસ પૂર્વે એક વેપારીની પોલીસ દ્વારા કરવામાં આવેલી મારપીટને સામે વિરોધ નોંધાવવા આ વિસ્તારના વેપારીઓએ આજે એક દિવસનો સફળ બંધ પાડયો હતો.

વેપારીને પોલીસે નાની અમથી બાબતમાં માર મારવાને મામલે ચર્ચા કરી વેપારીઓની ફરિયાદ નિવારવા માટે જોઈન્ટ પોલીસ કમિશનર ગૌતમ પરમારે આજે વેપારીઓ સાથે બેઠક પણ કરી હતી અને વેપારીઓની તકલીફો દૃૂર કરવા માટે રોજ એક કલાક માટે દસથી પંદર દિવસ સુધી આ વિસ્તારનો રાઉન્ડ લેવાની ખાતરી પણ આપી હતી. ગુંડારાજ સામે વિરોધ કરવા માટેના આજના બંધમાં અંદાજે ૩૫૦૦થી વધુ દૃુકાનદારો જોડાયા હ તા. વેપારીઓએ પોલીસ કમિશનર સમક્ષ ફરિયાદ કરી હતી કે વેપારી પાસેનું ડિજિટલ લાઈસન્સ ન ચાલે તે બાબતે બોલાચાલી થતાં વેપારીને પોલીસે માર માર્યો હતો.

કુબરનગર રેલવે ક્રોસિંગ પાસે આ ઘટના બની હતી. પોલીસના આ વલણથી ક્રોધે ભરાયેલા વેપારીઓએ બંને પોલીસને સસ્પેન્ડ કરવાની માગણી કરી હતી. તેની સામે જોઈન્ટ પોલીસ કમિશનરે એક અઠવાડિયામાં આ અંગે તપાસ પૂરી કરીને યોગ્ય જણાય તો પોલીસ કર્માચારીઓ સામે પગલાં લેવાની ખાતરી આપી હતી. તેમની બાંયધરી મળતા વેપારીઓ ટાઢા પડયા હતા.