વૃદ્ધ દંપતી હત્યાનો ભેદ ઉકેલાયો: ફર્નિચરવાળાએ ઠંડા કલેજે આપ્યો લૂંટ-હત્યાને અંજામ

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ૫ આરોપીની ધરપકડ કરી

ઝાયડસ પાસે આવેલા બંગલોમાં રહેતાં સિનિયર સિટિઝન દંપતીની હત્યામાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ૫ આરોપીની ધરપકડ કરી છે. લેટ નાઈટ ચાલેલા ઓપરેશનમાં અમદાવાદ ક્રાઈમ બ્રાચે વહેલી સવારમાં પાંચમા આરોપીની પણ ધરપકડ કરી લીધી છે, જેમાં પોલીસને જાણવા મળ્યું કે આરોપીઓ પૈકી મુખ્ય આરોપી દંપતીના ઘરમાં સુથારીકામ કરતો હતો. ઘરમાં દાદા-દાદી એકલાં હતાં. એની જાણ તેને હતી અને તેની સાથે ઘરમાં દાગીના અને રૂપિયા પણ હોવાની જાણ તેને હતી, જે માટે તેણે લૂંટનો પ્લાન ઘડ્યો હતો.

આરોપી મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી હતો, પરંતુ લૂંટ કરતાં પહેલાં આસપાસના લોકો અલર્ટ થઈ જાય એવી આશંકા હોવાથી તેણે મધ્યપ્રદેશમાં રહેતાં પરિવારજનોને અમદાવાદમાં લૂંટ કરવા માટે સમજાવ્યાં હતાં. તેના પ્લાન પ્રમાણે આરોપીઓ બનાવના આગલા દિવસે અમદાવાદ આવ્યા હતા. અને પહેલા તેઓ શાંતિ પેલેસ બંગલોઝની બહાર ભેગા થઈને એકસાથે જ ઘરમાં જવાનું નક્કી કર્યું હતું. ઘરમાં ગયા એ દરમિયાન વુદ્ધ અશોકભાઈ અલર્ટ થઈ જતાં પહેલાં આરોપીએ તેમની હત્યા કરી, ત્યાર બાદ જ્યોત્સ્નાબેન સીડીમાં હતાં ત્યાં જ તેમને પણ રહેંસી નાખ્યાં હતાં.

આરોપીઓ પોતાની સાથે ધારદાર હથિયાર લઈને આવ્યા હતા. હાલ તમામ આરોપીઓની ઊલટતપાસ ચાલી રહી છે. આ અંગે ક્રાઈમ બ્રાંચના આસિસ્ટન્ટ કમિશનર ડી.પી. ચૂડાસમાએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે ઘરમાં કામ કરતી વ્યક્તિએ તેનાં સ્વજનોને મધ્યપ્રદેશથી બોલાવ્યાં હતાં અને પાંચ આરોપીને આજે ઝડપી લીધા છે. આજે વહેલી સવારે છેલ્લો આરોપી પણ ઝડપાયો છે. અને સુથારીકામ કરતી વ્યક્તિની ઊલટતપાસમાં આ સમગ્ર હત્યાનું કાવતરું સામે આવ્યું છે.