વાલ્વની બીમારીથી પીડાતી માતાની સારવાર માટે ૧૨ વર્ષના પુત્રને ૧૦ હજારમાં ગીરો મૂક્યો

મોડાસામાં પાપી પેટ ભરવામાં અસમર્થ પરિવાર દ્વારા બાળકનો નજીવી રકમમાં સોદો કરવાનો ૫ દિવસમાં બીજો કિસ્સો પ્રકાશમાં આવતા ગુજરાતમાં પણ ગરીબી ભરડો લઇ રહી હોવાનો પર્દફાશ થયો છે. ગિરો મૂકાનાર કિશોરની માતાને વાલ્વની બીમારી હોઇ દવાના ખર્ચ પેટે રૂપિયા ન હતા. પરિણામે નજીકના ખંભીસર ગામમાં ઘેટાં-બકરાં ચરાવવા માટે ૧૨ વર્ષના વ્હાલસોયા પુત્રને ગીરવે મૂકવો પડ્યો. જો કે ઘટનાની જાણ થતાં તંત્રે તેને રેસ્કયૂ કરાવ્યો છે. ઘટના મોડાસાના માલપુરના વાંકાનેડા ગામની છે.

અહીં સીમમાં રહેતો ૫ સભ્યોનો ગરીબ પરિવાર જીવન ટકાવી રાખવા ઝઝૂમી રહૃાો છે. એક તરફ ગરીબી અને ઉપરથી બીમારીનો માર, અપાર વેદના સાથે બાળકને ગીરો મૂકી દીધો. જેની જાણ થાં ત્રણ દિવસ અગાઉ ૧૦ હજારમાં ગીરવે મૂકેલા બાળકનું તંત્ર દ્વારા રેસ્કયુ કરાયું હતું. જિલ્લા બાળ સુરક્ષા વિભાગના કર્મચારીઓ વાંકાનેડામાં પહોંચી તપાસ કરતાં જાણવા મળ્યું કે મા-બાપ અને ત્રણ સંતાનોનો ૫ સભ્યોનો પરિવાર કહેવા પૂરતા છાપરામાં રહે છે. દેશી નળિયાના કાચા ઘરની સ્થિતિ જોઈ અધિકારીઓ પણ ભાવુક બન્યા હતા.

ઘરમાં કમાનાર કોઇ નથી. વધુ પૂછપરછ કરતાં બાળકની માતાને વાલ્વની બીમારી હોઇ દવા કરાવવા માટે પરિવાર પાસે રૂપિયા ના હોય કઠણ કાળજે પોતાના વ્હાલસોયા દીકરાને બકરા ચરાવવા માટે ૧૦,૦૦૦ રુપિયામાં ગીરવે મૂક્યો હતો. તંત્રના અધિકારીઓ જ્યારે પરિવારની મુલાકાત લીધી ત્યારે ગરીબીની ચાડી ખાતી સ્થિતિ જોઇ, તેઓ પણ ચોંકી ઊઠ્યા હતા. ગરીબ પરિવાર પાસે ગીરવે મુકવા માટે બાળક સિવાય કોઇ વિકલ્પ નહતો.