રાજકોટ મનપાની તિજોરીમાં ઠલવાયા 169 કરોડ

કાલથી એડવાન્સ મિલ્કત વેરો ચુકવવા પર વળતર યોજનાનો શુભારંભ
કાલથી એડવાન્સ મિલ્કત વેરો ચુકવવા પર વળતર યોજનાનો શુભારંભ

ગત નાણાંકીય વર્ષ 2020-21માં વેરા પેટે ઓનલાઈન સૌથી વધુ 70 કરોડથી વધુ રકમ ભરાઈ: ઝોન વાઈઝ વધુ રકમ ઉઘરાવવામાં વોર્ડ ઓફિસો મોખરે, કુલ 46 કરોડ 88 લાખ ઉઘરાવ્યા

વેરાના નિર્ધારિત લક્ષ્યાંકને પૂરો કરવામાં નવી બોડીને ધોળે દિવસે તારા દેખાશે: ગત વર્ષની સરખામણીએ વાહનવેરાની આવકમાં પણ અંદાજે 3 કરોડનું ગાબડું

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગત નાણાંકીય વર્ષમાં થયેલી આવકના જાહેર થયેલા આંકડા પરથી સ્પષ્ટ બન્યું છે કે, મનપાની અગામી નવી બોડીમાં બીરાજનારા મહાનગરના સૂત્રધારોએ વેરાનો નિશ્ચિત કરેલ ટાર્ગેટ પરીપૂર્ણ કરવા માટે ઘણી વધુ જહેમત ઉઠાવવી પડશે. ગત 1 એપ્રિલ, 2020 થી 8 માર્ચ 2021 સુધીના પૂર્વ નાણાંકીય વર્ષ દરમ્યાન મનપાને મિલકત વેરા પેટે રૂ. 169 કરોડ જેવી આવક થવા પામી હતી. માહિતગાર સુત્રો જણાવે છે કે, આવકનું જે લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું હતું તે પાર પાડી શકાયું નથી.આવી જ રીતે વાહન વેરાની આવકમાં પણ ખાસું એવું ગાબડું પડ્યું છે. ગયા વર્ષે નાણાંકીય વર્ષમાં વાહન વેરા પેટે 10 કરોડ 92 લાખ જેવી આવક થઇ હતી. જે અગાઉના વર્ષ કરતાં 3 કરોડ જેટલી ઓછી રહેવા પામી છે તેમ મનપાના સામાન્ય વહીવટી વિભાગે જાહેર કરેલા આંકડા દર્શાવે છે.

મિલકત વેરાની દ્રષ્ટિએ 2020-21ની સાલમાં ઓનલાઈન સૌથી વધુ રકમ શહેરીજનોએ ભરી હતી. લગભગ 70 કરોડ 60 લાખ જેટલો વેરો વેબસાઈટ મારફત મિલકત ધારોએ ભરપાઈ કર્યો હતો. મનપાની ઝોન અને વોર્ડ કચેરીઓમાં ભરાયેલા વેરાના આંકડા જાણવા જેવા છે. ગત નાણાંકીય વર્ષમાં અમીન માર્ગ સિવિક સેન્ટરમાં 3 કરોડ 36 લાખ થી વધુ રકમ મિલકત વેરા પેટે જમા થઇ હતી. સેન્ટર ઝોન સિવિક સેન્ટરમાં વેરા પેટે 16 કરોડ 29 લાખથી થોડી વધુ રકમ જમા થઇ હતી. ઇસ્ટ ઝોન સિવિક સેન્ટરમાં 11 કરોડ 80 લાખથી થોડી વધુ રકમ મિલકત વેરા પેટે જમા થઇ હતી. તે જ રીતે મનપાએ કરેલી વ્યવસ્થા મુજબ ઈંઈઈંઈઈં બેન્કમાં મિલકત વેરા પેટે શહેરીજનોએ 41 લાખથી વધુ રકમ ભરી હતી. કોઠારિયા રોડ સીટી સિવિક સેન્ટરમાં વેરા પેટે લોકોએ 2 કરોડ 53 લાખ 93 હજાર થી થોડી વધુ રકમ ભરી હતી. કૃષ્ણ નગર સિવિક સેન્ટરમાં મિલકત વેરા પેટે લોકોએ 1 કરોડ 97 લાખ જેવી રકમ જમા કરવી હતી. વેબસાઈટ પર લોકોએ સૌથી વધુ 70 કરોડ 60 લાખથી વધુ રકમનો વેરો જમા કરાયો હતો જયારે વેસ્ટ ઝોન સિવિક સેન્ટરમાં મિલકતવેરા પેટે લોકોએ 15 કરોડ 82 લાખ 60 હજારથી વધુ રકમ ભરી હતી. તે જ પ્રકારે મનપા વોર્ડ વાઈઝ વોર્ડ ઓફીસમાં પણ વેરા સ્વીકારે છે એટલે તમામ વોર્ડ ઓફીસમાં કુલ 46 કરોડ 81લાખથી વધુ રકમ વેરા પેટે જમા થઇ હતી. આ રીતે મનપાને મિલકત વેરા પેટે 2020-21ના પુરા થતા નાણાંકીય વર્ષમાં કુલ રૂ.1 અબજ 69 કરોડ 71 લાખથી થોડી વધુ આવક થઇ છે.
વાહનવેરાની આવકમાં મોટું ગાબડું પડી ગયાનું આંકડા દર્શાવે છે. 1 એપ્રિલ 2020 થી 8 માર્ચ 2021 સુધીમાં મનપાને વાહનવેરા પેટે કુલ 10 કરોડ 92 લાખ 53 હજાર 107 જેટલી આવક થઇ હતી. કુલ 27 હજાર 550 વાહનોનનો વેરો ઉઘરાવવામાં આવ્યો હતો. તેની સામે 2019-20ના નાણાંકીય વર્ષ દરમ્યાન મનપાને વાહનવેરા પેટે કુલ રૂ. 13 કરોડ 13 લાખ 5103 ની આવક થઇ હતી. જે દર્શાવે છે કે વાહનવેરાની આવક માં 3 કરોડ જેવું મોટું ગાબડું પડ્યું છે. મનપાની નવી બોડી રચાઈ પછી ઘર વેરા સહિતની વસુલાતને કડક બનાવવામાં આવશે તેવી ધારણા રાખવામાં આવે છે. ગયા વખતે વ્યાજમાં રાહત સહિતના પગલા લેવાય હતા એ મુજબ ગયા વર્ષે પણ મિલકત વેરાની આવક વધારવા અને તિજોરી ભરવા માટે કડક વસુલાતની સાથે સાથે પ્રોત્સાહ યોજનાઓ પણ જાહેર થવાની શહેરીજનો આશા રાખી રહ્યા છે.