રાજકોટમાં અમુલ, બાગબાન જેવી બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લીકેટ વસ્તુઓ વેચતા ૭ની ધરપકડ

રાજકોટના યુનિવર્સિટી રોડ પર અમુલ-ગોપાલનું ઘી, ડવનું શેમ્પુ, મિરાજ અને બાગબાનની ડુપ્લીકેટ તમાકુ બનાવી લોકોને ધાબડતા ૭ શખ્સની પોલીસે ધરપકડ કરી છે. યુનિવર્સિટી પોલીસે અલગ અલગ ત્રણ જગ્યાએ રેડ પાડી હતી. જેમાં અમુલ-ગોપાલ બ્રાન્ડનું ઘી, ડવ શેમ્પુ, મિરાજ-બાગબાનની તમાકુ, સર્ફ એક્સેલ પાવડર અને સાબુ સહિત બ્રાન્ડેડ કંપનીના નામે આઠ શખ્સો ડુપ્લીકેટ ચીજવસ્તુઓ બનાવી ગ્રાહકોને અસલી હોવાનું કહી ધાબડતા હતા. પોલીસે ડુપ્લીકેટ ચીજવસ્તુઓનો દોઢ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. યુનિવર્સિટી પોલીસે મુદ્દામાલ સાથે ૭ શખ્સની ધરપકડ કરી છે.

બ્રાન્ડેડ કંપનીની ચીજવસ્તુઓ સાતેય શખ્સો અમદાવાદથી અડધી કિંમતે મેળવી ગ્રાહકો પાસેથી પુરા પૈસા પડાવતા હતા. પોલીસમાંથી મળતી માહિતી મુજબ શહેરના રૈયા રોડ પર આમ્રપાલી ફાટક પાસે ચુડાસમા પ્લોટ, શેરી નં. ૪માં શ્રીરામ કૃપા મકાનમાં રહેતા અમુલ કંપનીના એરીયા મેનેજર ધવલ શૈલેષકુમાર પરીખે યુનિવર્સિટી રોડ પોલીસ સ્ટેશનમાં જઇ અમુલ સહિતની બ્રાન્ડોનો ડુપ્લીકેટ ધંધો ચાલતો હોવાની શંકા વ્યકત કરી હતી.

આથી પોલીસે યુનિવર્સિટી રોડ પરના પંચાયત ચોકમાં આવેલા રાજવી મીલ્ક, પેરેડાઇઝ હોલ સામે પદ્માવતી અમુલ પાર્લર તેમજ રૈયા ગામ સ્મશાન સામે શંકર મંદિર પાછળ આવેલા એક ગોડાઉનમાં દરોડા પાડી ગોપાલ અને અમુલ બ્રાન્ડના લેબલ તથા ટ્રેડમાર્ક વાળા ડુપ્લીકેટ ઘીના ૫૦૦ એમએલ પાઉચ નંગ-૧૧૩ અને ડવ શેમ્પુ, મિરાજ અને બાગબાન તમાકુ અને સર્ફ એકસેલ ડીટરજન્ટ અને સાબુ મળી ૭૨,૬૦૦નો મુદ્દામાલ ઝડપી લીધો હતો.