મુખ્યમંત્રી રાહત ફંડમાંથી કૌભાંડ કંપનીના કર્મચારીઓને પગાર ચૂકવાયો: સીબીઆઈ

શારદૃા ચીટફંડ કૌભાંડ:કેન્દ્રીય તપાસ એજન્સીની સુપ્રીમકોર્ટમાં અરજી

પશ્ર્ચિમ બંગાળમાં શારદા ચીટફંડ કૌભાંડ મામલે સીબીઆઈએ સુપ્રીમકોર્ટમાં અરજી દાખલ કરી છે જેનાથી મુખ્યમંત્રી મમતા બેનરજીની મુશ્કેલી વધી શકે છે. સીબીઆઈએ કોર્ટને જણાવ્યું કે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી કૌભાંડમાં ફસાયેલી તારા ટીવીના કર્મચારીઓને પગાર ચૂકવાયો હતો. તેના માટે રાહત ફંડમાંથી સતત ૨૩ મહિના સુધી પૈસા કાઢવામાં આવ્યા હતા. સીબીઆઈએ જણાવ્યું કે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી મે ૨૦૧૩થી એપ્રિલ ૨૦૧૫ સુધી દર મહિને ૨૭ લાખ કરોડ રૂપિયા અપાયા.

આ દરમિયાન તારા ટીવી એમ્પ્લોઈઝ વેલફેર એસોસિએશનને ૬.૨૧ કરોડ રૂપિયાની ચૂકવણી કરાઈ. આ મામલે તપાસ ચાલુ છે. સરકારી ફંડમાંથી કોઈ ખાનગી કંપનીના કર્મચારીઓને પગાર ચૂકવાયાનો આ પ્રથમ મામલો છે. સીબીઆઈએ એવો પણ દાવો કર્યો કે ૧૬ ઓક્ટોબર ૨૦૧૮ના રોજ રાજ્યના મુખ્ય સચિવને પત્ર લખી મુખ્યમંત્રી રાહત ફંડના બંધારણ અને કાર્યપ્રણાલીની માહિતી માગવામાં આવી હતી.

તેના પર સરકારે અડધા-અધૂરાં દસ્તાવેજો રજૂ કર્યા હતા. સીબીઆઈએ મુખ્યમંત્રી મમતા બેનરજીના નજીકના અને કોલકાતાના પૂર્વ પોલીસ કમિશનર રાજીવ કુમારની ધરપકડ કરવા કોર્ટથી મંજૂરી માગી છે. કુમારને ગત વર્ષે ઓક્ટોબરમાં કોર્ટે જામીન આપ્યા હતા. શારદા ચીટફંડ કૌભાંડની પ્રાથમિક તપાસ માટે પ.બંગાળ સરકારે જે એસઆઈટીની રચના કરી હતી, કુમાર તેમાં સામેલ હતા. ૨૦૧૪માં સુપ્રીમકોર્ટે બીજા ચીટફંડ કેસની સાથે શારદા કૌભાંડની તપાસ પણ સીબીઆઈને સોંપી દીધી હતી.