ભાજપના આગેવાનો પોતાના ધંધાના ભાગીદારોને કોર્પોરેટરો બનાવવા ઈચ્છે છે : આરએસએસ આગેવાન


સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચર્ચાનો વિષય બની છે, ત્યારે પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ દ્વારા ચૂંટણીના નિર્ણયથી રાજકોટ ભાજપના કાર્યકરોમાં ખુશીની લાગણી અનુભવાઈ છે. રાજકોટ વોર્ડ નંબર ૮ના સામાજિક આગેવાન અને આરએસએસના હોદ્દેદાર મનસુખ વરસાણીએ આ નિર્ણય અંગે પોતાનું અંગત મંતવ્ય એક વીડિયોના માધ્યમથી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ” ભાજપના આગેવાનો ધંધાના ભાગીદારોને કોર્પોરેટર બનાવવા ઈચ્છે છે, તેમને પણ ટિકિટ ન મળવી જોઈએ.

આગામી ૨૧ ફેબ્રુઆરીના રોજ યોજાનારી ૬ મહાનગરપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે સી.આર.પાટીલે ભાજપના ઉમેદવાર પસંદગીના નિયમો બદલ્યા છે, જે નિર્ણયને બિરદાવતાં મનસુખભાઈ વરસાણીએ જણાવ્યું હતું કે “સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના સ્થાનિક આગેવાનોના ભાગીદારોને ટિકિટ આપવી જ ના જોઈએ, મારા મતે આવા આગેવાનોના ભાગીદારોને મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારો બનાવવા જ ન જોઈએ.

રાજકોટ ભાજપના આવા ઘણા સ્થાનિક આગેવાનો સ્કૂલ, કોલેજ, હોસ્પિટલ, રિયલ એસ્ટેટ સહિતના ધંધામાં ભાગીદારી ધરાવે છે, તેથી જો એ લોકો રાજકારણમાં આવશે અને તેમને ટિકિટ મળશે તો રાજકોટમાં ભ્રષ્ટાચાર વધશે. મનસુખભાઈ વરસાણીએ વધુમાં જણાવ્યું હતું કે ભાઈ, ભાણિયા અને ભત્રીજા, ૬૦ વર્ષથી વધુ ઉંમરના અને ત્રણ-ત્રણ ટર્મથી ચૂંટાતા દાવેદારોને ટિકિટ ન આપવાના નિર્ણયની હું સરાહના કરું છું, કારણ કે રાજકોટના કેટલાક ભાજપ આગેવાનો પોતાના ધંધાના ભાગીદારોને કોર્પોરેટરો બનાવવા ઈચ્છે છે.