નિરાતે ચણ-ચણ બગલી કરતા નિર્દોષ પારેવડાં પર કોની કૂડી નજર ઠરી ?!!

આંસુઓના પડે પ્રતિબિંબ એવા દર્પણ ક્યાં છે, કહયા વિનાએ સઘળું સમજે એવા સગપણ ક્યાં છે ?…

સવાર-સાંજ 500 થી વધુ કબુતરની ભોજન શાળાથી કોને પેટમાં ચૂંક ઉપડી ?

મહિલા કોલેજની સામે સવાર-સાંજ પેટ ભરતા સેંકડો પક્ષીઓનું આવાસ છીનવી લેવાની હીન કોશીષ

ખુલ્લો પ્લોટ જેની કોઈ માલિકી નક્કી નથી છતાં દીવાલ ચણી દેવાની મંજુરી શા માટે ? શહેરભરમાં ચર્ચાતો સવાલ

કોઈ કારણ વિના કે જરૂરીયાત વિના બિનજરૂરી પ્લોટમાં ગાર્ડન બનાવી દેવા પાછળ વાસ્તવિક ઈરાદો જમીન પચાવી પાડવાનો જ હશે: પર્યાવરણના રક્ષક નિર્દોષ પંખીઓની પ્રજાતિઓ અલોપ થઇ રહી છે ત્યારે સેંકડો પક્ષીઓની પેટની આગ ઠારવાના ચાલતા પુણ્ય યજ્ઞમાં વિઘ્ન નાખવાનું પાપ થતું સ્થાનિક વહીવટીતંત્ર અને જવાબદારો અટકાવે

સતત દુષિત થતા જતા હવા અને પાણીને કારણે પર્યાવરણના રક્ષકજેવા નિર્દોષ પશુ-પંખીઓની પ્રજાતિઓ ધીમેધીમે લુપ્ત થઇ રહી છે અને આવી અનેક આવી દુર્લભ પ્રજાતિઓ કાં તો સાવ નાશ પામી છે અથવા તો ખત્મ થવાના આરે પહોચી ચુકિ છે. માનવ જાતે વિકાસના નામે અત્યાચારોની જે દર્દીલી કહાની આલેખી છે તેના પરિણામે માનવજાતને ઈશ્વરે આપેલી વિવિધતાભરી કુદરતી રંગભરી સૃષ્ટિનો ખો નીકળી જવા પામ્યો છે. જેના પરિણામે પૃથ્વી પર માનવીની અનેક રીતે સહાય કરતા કેટલીય જાતના પક્ષીઓ પૃથ્વી પટ પરથી ગાયબ થઇ ચુક્યા છે. માનવી રીતે આપણે જે સિમેન્ટ કોન્ક્રીટના જંગલો ખડકી દીધા છે અને ભોળા પક્ષીઓના નિવાસ સ્થાનો બેરહેમીથી છીનવી લીધા છે. જેના પ્રતિકુળ પરિણામો આપણે ભોગવી રહ્યા છીએ. હજુ આપણે કડવા અનુભવો માંથી પદાર્થ પાઠ લઇ રહ્યા નથી યા તો લેવા માંગતા નથી. તાજેતરમાં માનવીની લાલશનું તાજું ઉદાહરણ રાજકોટવસીઓને ચોંકાવી રહ્યું છે અને જીવદયા પ્રેમીઓમાં આઘાતની લાગણી જન્માવી રહ્યું છે. આવી લાગણી ઉઠી થવા પાછળનું કારણ એ છે કે, પક્ષી પ્રેમી લોકો અને જીવદયા પ્રેમીઓ રાજકોટ શહેરમાં કેટલાક સ્થળે પક્ષીઓને અને ખાસ કરીને ભોળા પારેવડાંને માટે નિયમિત ચણ નાખવાનું પુણ્ય યજ્ઞ ચલાવી રહ્યા છે. જ્યાં દરોજ સવાર -સાંજ સેંકડો કબૂતરો, ચકલા અને અન્ય ભાગ્યે દેખાતા પોપટ જેવા પક્ષીઓ પણ આકાશમાંથી ઝુંડના રૂપમાં કાવ્યમય રીતે ઉતરી આવે છે અને પોતાનું પેટ ભરતા હોય છે.

પક્ષીઓની ભીજ્ન શાળા જેવા આ સ્થાનો પર દૈનિક સેંકડો લોકો પરિવાર સાથે આવે છે, બાળકોને ગમત થાય છે અને એમના જેવા માસુમ હ્રદયના પક્ષીઓના ઝુંડ જોઈને બાળકોના હ્રદય રોમાંચથી પુલકિત થઇ ઉઠે છે. બાળકો પણ પોતાના વડેરાંની સત્ય્હે મળીને નાનકડી મુઠીઓમાં ચણ ભરીને પક્ષીઓને ખવડાવતા નજરે પડે છે ત્યારે આ દ્રશ્ય કેટલું આહલાદક બની રહે છે એ તો સ્થળ પર ઊભા રહીને જુઓ તો જ ખ્યાલ આવે. આવી આ નિર્દોષ અને માસુમ તથા કોઈને નડતરરૂપ નહી એવી પ્રવૃત્તિ ઉપર પણ લાલચુતત્વોની કુડી નજર ઠરી છે. જે અત્યંત ખેદજનક અને આઘાતજનક બીના છે.

સેંકડો પક્ષીઓ અને ખાસ કરીને શ્વેત રંગી કબૂતરો જ્યાં સવાર-સાંજ પેટની આગ ઠરે છે આવું એક મુખ્ય સ્થળ કાલાવડ રોડ પર વીરબાઈ માં મહિલા કોલેજની સામે આવેલું છે. હાઉસિંગ બોર્ડ કોલોની સામે એક મોટુ મેદાન ખાલી પડ્યું છે. જ્યાં સવારે અને સાંજે સેંકડો પક્ષીઓ ચણ માટે ઉતરી પડતા હોય છે. સમય પાલનમાં માનવી કરતા વધુ સચોટ અને નિયમિત હોવાનોમ ગુણ પક્ષીઓ ધરાવે છે. જેથી તમે ધડીયાળ મિલાવી શકો એવી નિયમિતા સાથે સવારે અને સાંજે આ મેદાન માં પક્ષીઓ ઉતરી પડે છે. તેમને ચણ આપવા માટે અંતક પરિવારો તેમના બાળકો સાથે ત્યાં ઉમટી પડતા હોય છે. ચણ વેચતી રેકડીઓ પણ ત્યાં કાયમ ઉભી રહેતી હોય છે અને આ રીતે પક્ષીઓની પેટની આગ ઠરવાનો ઉમદા યજ્ઞ અવિરત ચાલતો રહે છે. આ નિર્દોષ પક્ષીઓ ક્યાં કોઈને કરડવા દોડે છે કે ચાંચ મારે છે !! પણ માનવી જેનું નામ જમીન ભૂખ્યા તત્વોને આ 500 પારેવડાં આંખમાં કણાની જેમ ખુંચવા લાગ્યા છે અને કોઇપણ ભોગે ભલા ભોળા પક્ષીઓની જગ્યા છીનવી લેવા ઉતાવળા થઇ રહ્યા છે. કોઈ પણ ભોગે હીન કક્ષાએ ઉતરી જી આ ખુલ્લું મેદાન પચાવી પાડવા ત્યાં કમ્પાઉન્ડ વોલ બનાવી દેવા મંજુરી મેળવી લેવાય હોવાનું બહાર આવ્યું છે.અહી નિયમિત હાજરી આપનારા લોકો સ્તબ્ધ થઇ ગયા છે. જાણકાર લોકો એવું કહે છે કે, આ ખુલ્લા પ્લોટની માલિકી હજુ નક્કી નથી છતાં કોણે વોલ બનાવવા કોને મંજુરી આપી એ ઊંડી તપાસનો વિષય બને છે. ખુલ્લાસા એવા થઇ રહ્યા છે કે, આ પ્લોટ પર એક ગાર્ડન બનાવવામાં આવનાર છે. સ્થાનિક લોકો પણ કહે છે કે અહી ગાર્ડન કે ઝુલ્લા બનાવવાની કોઈ જરૂરિયાત નથી. વાસ્તવમાં ગાર્ડનના નામે કિંમતી પ્લોટ પચાવી પાડવાની આ હીન કક્ષાની કોશિશ છે નહિતર ભોળા અને માસુમ પારેવડાંને તગેડી મુકવાનો વિચાર બીજા કોને આવે એ સહુ સમજુ શકે છે.આજે મહાનગરોમાં પર્યાવરણ સતત ગંદુ અને દુષિત થઇ રહ્યું છે. રોગજન્ય જંતુઓ અને જીવાતો પેદા કરતા ઉકરડા મહાનગરોની સોનાની થાળીમાં લોઢાની મેખ જેવા બની ગયા છે ત્યારે કુદરતના સફાઈ કામદાર જેવા પક્ષીઓને ટકાવી રાખવા અને બચાવી રાખવાને બદલે એમના ઉન્મુલનની સ્વાર્થી પ્રવૃત્તિઓ કોઈ કાળે સહન કરી શકાય નહી. આજે પક્ષીઓના ભોજનાના પુણ્યશાળી હવનમાં હાડકા નાખવાની કોઈ પણ ચાલ બાઝી રોકવાની સમાજ અને વહીવટી તંત્ર બંનેની ફરજ બની રહે છે. તો આપણે કુદરતે પ્રદાન કરેલી અમુલ્ય જીવ સૃષ્ટિને બચાવવા માંગતા હોય એ તો બધાએ આ મૌન પારેવડાંનો પ્રચંડ અવાજ બનવું પડશે. નહિતર આપણી જાતને માનવી કહેવાનું બંધ કરવું પડશે.