ટ્રાફિક જવાને રોંગ સાઈડમાં આવતી કાર રોકવાનું કહેતા, ચાલકે બોનેટ પર ઢસડ્યો

શહેરના પાલડી એનઆઇડી તરફથી રવિવારે સાંજે રોંગ સાઈડમાં આવતી કાર રોકવાનો પ્રયાસ કરવા છતાં કારચાલક રોકાયો ન હતો. કાર ચાલક ટીઆરબી જવાનને કારના બોનેટ પર એક કલાક સુધી ઢસડ્યો હતો. આ બનાવ અંગે ટ્રાફિક એન ડીવીઝન પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હાલ પોલીસે કાર ચાલકને અટક કરી પૂછપરછ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ, પાલડી વિસ્તારમાં રવિવારે ટ્રાફિક પોલીસના લોકરક્ષક જવાન વિરમભાઈ મહાદેવભાઈ, ટીઆરબી મહેન્દ્રસિંહ મોતીભાઈ બામણિયા (ઉં,૩૩) સહિતના અન્ય જવાનો ટ્રાફિક નિયમનની કામગીરી કરતા હતા.

આ દરમિયાન એનઆઇડી તરફથી રોંગ સાઈડમાં આવતો કાર ચાલક વાંકીચૂકી ભયજનક રીતે કાર ચલાવતો હતો. પોલીસે રોકવા ઈશારો કરતા ચાલકે કાર ઉભી રાખવાની જગ્યાએ ભગાવી હતી. જેના પગલે કાર રોકવા ઉભેલા ટીઆરબી જવાન મહેન્દ્રસિંહ કારના બોનેટ પર ચડી ગયા હતા. કાર ચાલકે ગાડી રોકવાની જગ્યાએ એક કિલોમીટર સુધી મહેન્દ્રસિંહને બોનેટ પર ઢસડી કાર ફેરવી તેમનો જીવ જોખમમાં મુક્યો હતો.

પોલીસે કારનો પીછો કર્યો તો બીજી તરફ બુમાબુમ થતા ચાલકે કાર રોકી હતી. પોલીસ તપાસમાં કાર ચાલકનું નામ રાજ ભુપેશ કંસારા (ઉં,૧૯ રહે, જય વિષ્ણુ સોસાયટી, નવરંગપુરા) હોવાનું જાણવા મળ્યું છે.

હાલ એન ડીવીઝન ટ્રાફીક પોલીસે મહેન્દ્રસિંહ બામણિયાની ફરિયાદ આધારે ગુનો નોંધી આરોપી રાજ કંસારાને અટક કર્યો હતો.