જામનગરમાં અંબર ચોકડી પાસે દારૂડિયાએ દારૂ પીને મચાવ્યો હંગામો

જામનગર શહેરની મધ્યમાં આવેલા જૂના રેલવે સ્ટેશન વિસ્તાર દેશી દારૂના ધંધા માટે પ્રખ્યાત છે. સરાજાહેર અહીં દેશી દારૂનો વેપલો આખો દિવસ ચાલતો રહે છે. દરમિયાન ભરબપોરે દેશી દારૂ પીને એક શખસે અંબર ચોકડી રોડ પર ભારે હંગામો મચાવી રોડ પર સૂઈ જઈ ટ્રાફિકજામ કરી દીધો હતો ત્યાં હાજર હોમગાર્ડઝના જવાનોએ મહામહેનતે ટીંગાટોળી કરી તેને સાઈડમાં મૂકી ટ્રાફિક શરૂ કરાવ્યો હતો.

આ બનાવથી લોકોમાં ભારે રમૂજ ફેલાઈ ગઈ હતી. જામનગર શહેરના મધ્યમાં આવેલા જૂના રેલવે સ્ટેશન દૃેશી દારૂનું હબ બની ચૂક્યું છે. અહીં દરરોજ હજારો મજૂર વર્ગ અને ગરીબ લોકો દેશી દારૂ ઢીંચીને પડ્યા રહે છે, ઝીણી-મોટી માથાકૂટો અવારનવાર અહીં થતી હોય છે. મંગળવારે બપોરે આવું જ એક જોણું લોકોને જોવા મળ્યું જેમાં ચિક્કાર દારૂ ઢીંચેલા એક વ્યક્તિએ અંબર ચોકડી રોડને બાનમાં લઈ રસ્તા પર સૂઈ ગયો હતો અને હટવાનું નામ લેતો ન હતો.

જેના કારણે રોડ પર ભારે ટ્રાફિકજામ થઈ ગયો હતો ત્યાં હાજર હોમગાર્ડઝના જવાનોએ તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ આ શખસ ટસનો મસ ન થતાં અંતે તેને ટીંગાટોળી કરી ત્યાંથી સાઈડમાં ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર પ્રકરણ દરમિયાન લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા.