કુંભ મેળામાં ૪૦ ચોરી કરી અમદાવાદ આવેલી નાયડુ ગેંગને ઝડપાઈ

કુંભના મેળામાં ૪૦થી વધુ ચોરીના ગુનાને અંજામ આપી નાયડુ ગેંગ ગુજરાતમાં આવી હતી. નાયડુ ગેંગએ તમારી કારમાંથી ઓઇલ ટપકે છે, તમારી પર મેલું પડ્યું છે તેમ કહી રસ્તે પસાર થતી વ્યક્તિઓની નજર ચૂકવી અમદાવાદ સહિત અનેક શહેરોમાં ૪૫થી વધુ ચોરીઓના ગુનાને અંજામ આપ્યો હતો. છેલ્લા ઘણા સમયથી હાથમાં ના આવતી નાયડુ ગેંગને ક્રાઈમબ્રાન્ચે દબોચી લઈ ૧૦૦થી વધુ ચોરીના ભેદ ખોલ્યા છે. ક્રાઈમબ્રાન્ચના પીઆઈ આર.એસ.સુવેરાના સ્કોર્ડના પીએસઆઈ એસ.જે.વાઘેલા અને વાય.જી.ગુર્જરની ટીમ નાયડુ ગેગની તપાસમાં લાગી હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ ધીરજકુમાર લક્ષ્મણભાઇ અને મેહુલકુમાર જ્યંતીલાલને બાતમી મળી હતી કે,

કાલુપુર રેલ્વે સ્ટેશન સામે ગાંધીનગર જવાના બસ સ્ટેન્ડ પર નાયડુ ગેંગ આવવાની છે. બાતમી મુજબ પોલીસે નાયડુ ગેંગના શંકર મુર્ગેશ નાયડુ (ઉં,૩૦), નાગરાજ વિરાસ્વામી નાયડુ (ઉં,૪૦), સંતોષ ઉર્ફ ગોકુલ ઉર્ફ કાળીયો રાજુકુમાર નાયડુ (ઉં,૩૬) અને દિનેશ પરમશીવા નાયડુ (ઉં,૨૦)તમામ રહે,નંદુરબાર, મહારાષ્ટ્ર,ને સોમવારે ઝડપી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીનો મુદ્દામાલ રોકડ રૂ.૬૫,૭૦૦, લેપટોપ ૨, હાર્ડ ડિસ્ક ૧, પેન ડ્રાઈવ ૩, ચેક બુક, કારના કાચ અને લોક તોડવાના સાધનો, ૧૦-૧૦ના દરની નવી નક્કોર નોટો, ડિસમીસ, છરા, પારલે બિસ્કિટ પેકેટ વગેરે મળી કુલ રૂ.૧,૫૦,૦૩૦નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.

નાયડુ ગેંગ રસ્તે પસાર થતી કાર પર ઓઇલ નાંખી રોડ પર ૧૦-૧૦ના દરની નોટ ગોઠવી દેતી હતી. તે પછી કાર ચાલકને તમારી કારમાંથી ઓઇલ ટપકે છે તેમ કહી નજર ચૂકવી ચોરી કરતી હતી. આ ઉપરાંત પારલે બિસ્કીટ ચાવીને તેનો ભુક્કો રસ્તે પસાર થતી વ્યક્તિના કપડાં પર નાયડુ ગેંગ નાંખતી હતી. બાદમાં તે વ્યક્તિને રોકી તમારી પર મેલુ પડ્યું તેંમ કહી વાતોમાં રાખી નજર ચૂકવી ચોરી કરતી હતી.