કરજણના ભાજપના ઉમેદવારને હરાવવા પક્ષના જ નેતાઓ સક્રિય થયાનો ઓડિયો વાયરલ

ગુજરાત રાજ્યના કરજણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં મતદાનની તારીખ નજીક આવતા રાજકીય ગરમાવો વધતો જ જાય છે. આ વચ્ચે ભાજપના એક આગેવાનના કહેવાતા એક સમર્થક દ્વારા પાર્ટીના અન્ય કાર્યકર્તાને અક્ષય પટેલને વોટ નહીં આપવા તથા આ વખતે આપણે કરવાનું ઊંધું જ છે અને એને ઘરે જ હુંવાડી દેવાનો છે તેવી વાતચીતનો ઓડિયો લીક થયો છે. ચાલતી ચર્ચા મુજબ આ ઓડિયો આઈબીએ ટ્રેક કરી લીધો છે. કરજણ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના સ્કાયલેબ ઉમેદવાર અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલ માટે આગામી દિવસો કપરા લાગી રહૃાા છે. પાર્ટીના અમુક કાર્યકર્તા છૂપી રીતે તેના વિરુદ્ધ પ્રચારમાં જોતરાયા હોવાનું ચર્ચાઈ રહૃાું છે. જે પાછળ કરજણના પૂર્વ ધારાસભ્ય સતીશ પટેલની નારાજગી હોવાનું નકારી શકાય તેમ નથી. ઉલ્લેખનીય છે કે આ વચ્ચે સતીશ પટેલના કહેવાતા ચુસ્ત સમર્થક કમલેશ અને ભાજપના એક કાર્યકર્તાનો ઓડિયો વાયરલ થયો છે.

જેમાં થઈ રહેલી વાતચીત ચોંકાવનારી છે. જે મુજબ સતીશ પટેલનો સમર્થક ભાજપના કાર્યકર્તાને સાથે વાત કરતો સાંભળી રહૃાો છે. જેમાં એવું જણાવાયું છે કે હાલ ગામમાં પ્રચાર માટે કેટલાક લોકો આવ્યા હતા. જેમાં ૮થી ૧૦ કાર્યકર્તા હતા. તેઓ ભલે પ્રચારમાં આવે પરંતુ હિન્દુઓ આકળાયેલા છે. જે બાબતને સમર્થન આપતાં સામેની વ્યક્તિ કહે છે કે, કણભામાં ગઈકાલે જ મગજમારી થઈ હતી. પ્રત્યુત્તરમાં અન્ય વ્યક્તિ જણાવે છે કે, હજુ ઉપરથી ઘણા લોકો આવશે પણ આપણે કરવાનું ઊંધું જ. એને ઘરે જ હુવાડી દેવાનો. જે બાબતને સમર્થન આપતા સામેની વ્યક્તિ ચોક્કસ ચોક્કસ એમ કહી આ બાબતનો સ્વીકાર કરે છે. એટલું જ નહીં, આપણે બધા શશીકાંતને પણ કહી દઇશું તેવો ઉલ્લેખ અહીં કરવામાં આવ્યો છે.

આ વચ્ચે એવું કહેવામાં આવી રહૃાું છે કે, એમ પણ અઘરું જ છે તે રૂપિયા લઈને આવ્યો છે એવી જ બધા લોકો વાતો કરે છે. ૩૪ લાખ ૩૫ લાખ લીધા એવું ગામના લોકો કહે છે. જે બાદ સામેની વ્યક્તિ કહે છે ના વાત તો ૨૫ કરોડની છે અને ટિકિટ લઈને પણ આવીશ એવું તે કહેતો હતો. આમ પણ બધી બાજુથી એને તકલીફ છે. માત્ર કેટલાક દરબારો લઈને ફરે છે એમાં પણ વ્યવસ્થિત માણસો નથી. ત્રણ વર્ષમાં આપણને કશું જ નથી આપ્યું બધું જ મિયાંઓને આપ્યું છે પરંતુ મિયાઓ પણ હવે તો એને વોટ નહીં આપે. ઓડિયો ક્લિપ વાયરલ થતાં ભાજપની આંતરિક જૂથબંધી પાર્ટીના ઉમેદવાર અક્ષય પટેલને હરાવવા માટે તમામ રીતે એક થઈ હોય એવું સ્પષ્ટ મનાઇ રહૃાું છે.