સુરત લેબ ટેક્નિશિયન મહિલાએ આપઘાત કરી લેતાં ચકચાર મચી

પોલીસને સુસાઇડ નોટ મળી આવી, વધુ તપાસ હાથ ધરી

સુરત નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલા કોવિડ ૧૯ હોસ્પિટલની બાજુના સ્ટાફ ક્વાર્ટસમાં રહેતી મહિલાએ આપઘાત કરી લીધો છે. પેથોલોજી લેબમાં પાંચેક વર્ષ કરતાં વધુ સમયથી કોન્ટ્રાક્ટ કરારથી ટેક્નિશિયનની નોકરી કરતાં ૪૫ વર્ષિય રમિક્ષાબેને બપોરના સમયે સાસુ હોલમાં હતા એ દરમિયાન ફાંસો ખાઈ લેતા સ્ટાફ ક્વાટર્સમાં ચકચાર મચી ગઈ હતી. આ કેસમાં એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. પોલીસે હાલ આ મામલામાં તપાસ હાથ ધરી છે.
મૂળ મહેસાણાના વતની રમિક્ષાબેન નિતેશ પટેલ (ઉં.વ.૪૫) સિવિલ કેમ્પસમાં આવેલા સ્ટાફ કવાર્ટસમાં રહેતા હતા, અને સિવિલ હોસ્પિટલના પેથોલોજી વિભાગમાં લેબ ટેકનિશીયન તરીકે ફરજ બજાવતા હતા. તેમના પતિ નિતેશ પટેલ હાર્ડવેરના વ્યવસાય સાથે સંકળાયેલા છે.

દરમિયાન બુધવારે ઘરે જમવા આવેલા રમિક્ષાબેને ફાંસો ખાઈ લીધો હતો. સિવિલ કેમ્પસમાં આપઘાતની ઘટના બની હોવાની જાણ થતાં ખટોદરા પોલીસ મથકના પીએસઆઈ બી. પી. પટેલ સ્ટાફ સાથે સ્થળ પર દોડી ગયા હતા. જેમા તેમને એક સુસાઇડ નોટ મળી આવી હતી.

મળેલી સુસાઇડ નોટમાં લખેલુ હતુ કે, ‘મારી જાતે મોત સ્વીકારું છું, મને જીવવામાં રસ નથી. કોઈનું પ્રેશર નથી. કોઈનો હાથ નથી. મારાથી ભૂલ થઈ હોય તો માફ કરજો આપઘાતની ખબર વહેતી થતા સ્ટાફમાં અને પરિવારમાં કોઇની સાથે માથાકૂટ બાદ રમિક્ષાબેને આ પગલુ ભર્યું છે તે વાતે જોર પકડ્યુ હતુ. પાંચ વર્ષ સુધીના ફિક્સ પગારમાં જોડાયેલા લેબ આસિસ્ટન્ટ અને ટેક્નિશિયનને કાયમી નહીં કરાતા સોમવારે ગાંધીનગર ખાતે દેખાવા કરાયો હતો.

જેમાં રમીક્ષાબેન સહિતના સુરતના ૪૦થી વધુ લેબ આસિસ્ટન્ટ અને ટેક્નિશિયન જોડાયા હતા. આ મુદ્દે પણ અહીંના એક ઉચ્ચ તબીબી અધિકારીએ રમીક્ષાબેનને ઠપકો આપ્યો હોવાની વાતો પણ ચર્ચામાં છે. આ ચર્ચાઓ સાચી છે કે નહીં તે તો પોલીસ તપાસમાં જ બહાર આવશે.