લોકગાયિકા કાજલ મહેરિયાની મુશ્કેલીઓ વધી, નોંધાઈ વધુ એક ફરિયાદ

ગુજરાતી સિંગર કાજલ મહેરિયાના હાલના દિવસો ભારે લાગી રહૃાા છે. લોકગાયિકા કાજલ મહેરિયા સામે વધુ એક ફરિયાદ દાખલ થઈ છે. બનાસકાંઠાના થરાદમાં લગ્નપ્રસંગે ભીડ એકઠી કરી હતી, જે સંદર્ભે પોલીસ ફરિયાદ થઈ છે. બનાસકાંઠાના થરાદમાં કેસર ગામમાં લગ્નપ્રસંગમાં રાસગરબાનું આયોજન થયું હતું. તેમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થઈને ગરબા રમ્યા હતા. જેના કારણે કોરોના મહામારીમાં બનાવેલા નિયમોના સરેઆમ ધજાગરા ઉડ્યા હતા. જેથી થરાદ પોલીસે વરરાજા, કાજલ સહિત ૩ સામે ગુનો નોંધ્યો છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, બનાસકાંઠાના થરાદ તાલુકામાં કેસર ગામ આવેલું છે, જ્યાં એક લગ્ન પ્રસંગે ભીડ એકઠી કરનાર લોકગાયિકા કાજલ મહેરિયા સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. કેસર ગામે નાગજીભાઈ નાઈએ પોતાના પુત્રને લગ્નમાં કાજલ મહેરિયાને બોલાવી રાસગરબાનું આયોજન કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભીડ ભેગી થઈ હતી. ત્યારે થરાદ પોલીસે વરરાજા અને ગાયિકા કાજલ મહેરિયા સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

છેલ્લા બે-ત્રણ દિવસમાં કાજલ મહેરિયા સામે નોંધાયેલો આ બીજો ગુનો છે. બે દિવસ પહેલા કાજલ મહેરિયા સામે વીસનગર તાલુકામાં ફરિયાદ નોંધાઈ હતી. એટલું જ નહીં, બે દિવસ પહેલા કોરોના મહામારીમાં તાજેતરમાં જ મહેસાણાના વિસનગરમાં વાલમ ગામે યોજાયેલા લગ્ન પ્રસંગમાં લોક ગાયિકા કાજલ મહેરિયાના ગીતોના તાલે નાચતા જાનૈયાઓ માટે આફત આવી હતી. વરઘોડામાં ૧૦૦થી વઘુ લોકોનું ટોળું એકઠું થતા પોલીસ ફરિયાદ થઈ હતી.