કાંકરિયામાં જે ડિસ્કવરી રાઇડે બે લોકોનો ભોગ લીધો તેને જ અપાયો કોન્ટ્રાક્ટ

કાંકરિયા એમ્યૂઝમેન્ટ પાર્કમાં ડિસ્કવરી રાઇડ ગત તા.૧૪-૭-૨૦૧૯ના રોજ તૂટી પડવાથી બે જણાંનાં મોત અને ૨૯ લોકોને ઈજા પહોંચાડવાની ઘટના તમામ અમદાવાદીઓને યાદ હશે. હવે અમદાવાદમાં મ્યુનિસિપલ તંત્ર મહેરબાન હોય તો કઈં પણ થઈ શકે છે. ૨૦૧૯માં કાંકરિયા તળાવ ગાર્ડનમાં કાર્યરત રાઈડ તુટી પડી હતી, આ ઘટનાને હજુ એક વર્ષ પુરુ થયુ છે ત્યારે આ હલકી ગુણવત્તાવાળી રાઈડના સંચાલક સુપર સ્ટાર એમ્યુઝમેન્ટને ફરીથી કોન્ટ્રાક્ટ અપાયો છે.
સુપર સ્ટાર એમ્યુઝમેન્ટને પીપીપી ધોરણે વસ્ત્રાપુર તળાવમાં પણ ૪ મોટી અને ૧૨ નાની રાઇડની મંજૂરી માટેનું કામ સ્ટેન્ડિંગમાં રજૂ કરાયું છે,

વસ્ત્રાપુર ખાતે હાલની ૩ મોટી રાઇડસને બદલીને ૪ રાઇડસ મુકવા તથા નવી ૧૨ નાની રાઇડસ લગાવવા માટે મંજૂરી મંગાઈ હતી. જેને સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરાઈ છે. વસ્ત્રાપુરમાં સ્વિંગ ચેર, કેટર પીલર, ઓક્ટોપસ અને બમ્પર કાર જેવી મોટી રાઇડ મુકવાની રજૂઆત થઇ છે. જ્યારે નાના બાળકો માટેની ૧૨ રાઇડમાં સ્મોલ ડ્રોપ ટાવર, મીની એન્જિન, મીની વોટર સહિતની ગેમનો સમાવેશ થાય છે.

મહત્વનુ છે કે વસ્ત્રાપુર લેક ગાર્ડનમાં સુપર સ્ટાર એમ્યુઝમેન્ટને જ ૨૦૧૨થી કોન્ટ્રાક્ટ અપાયેલો છે આ કંપનીનો કોન્ટ્રાક્ટ કાંકકિયા એમ્યુઝમેન્ટ પાર્કમાં પણ હતો. ૧૪મી જુલાઇ ૨૦૧૯ના રોજ એસેમ્બલ કરાયેલી ડિસ્કવરી રાઇડ તૂટી પડતાં ૨ વ્યક્તિના મોત થયા હતા જ્યારે ૨૯ વ્યક્તિને ઇજા થઇ હતી. જોકે તે બાદ તપાસ કરતાં ૨૩ પૈકી ૧૧ રાઇડસ ખામી વાળી હોવાના અગાઉના રિપોર્ટ પહેલા જ અપાયા હતા.