કોઈ ધડો લેતું નથી !

રાજકોટમાં અનેક સરકારી શાળાઓ-સરકારી ઈમારતોમાં અગ્નિ સુરક્ષાનો સદંત્તર અભાવ: લાલિયાવાડી યથાવત રહ્યાનો મનપાની તપાસમાં ગંભીર પર્દાફાશ: ક્યાંક સાધનો નથી, જ્યાં છે ત્યાં આઉટડેટેડ છે ! બેદરકારી બેફામ

રાજકોટમાં કામ ચલાવ ધોરણે કોવીડ કેર સેન્ટર બનાવી દેવાયેલી એક ખાનગી હોસ્પિટલમાં અગ્નિકાંડમાં 6 માનવ જિંદગી કાયમ માટે મોતને આગોશમાં પોઢી ગયા છતાં મહાનગર રાજકોટમાં કોઈ પદાર્થ પાઠ લેવાય રહ્યો નથી એવી ચોકાવનારી હકકીતો સામે આવી છે. આજે એકાએક ઊંઘમાંથી ઉઠેલા મનપાના ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝ વિભાગની ટુકડીઓમાં શહેરની કેટલીક શાળાઓ અને સરકારી ઈમારતોમાં અગ્નિ સુરક્ષા અંગે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસમાં ફાયર સેફટી મામલે વહી પુરાની રફતારની જેમ ઘોર ગંભીર બેદરકારીના દ્રશ્યો મનપાની ટુકડીઓને જોવા મળ્યા હતા અને અધિકારીઓ તથા સ્ટાફ આ લાલીયાવાડી જોઈને રીતસર ચોંકી ઉઠ્યા હતા.

અનેક શાળાઓની ઇમારતોમાં અગ્નિ સુરક્ષાના સાધનો મુદ્દલ જોવા મળ્યા ન હતા. ફાયર સેફટીના અન્ય નીતિનિયમોનું પણ પાલન થતું દેખાતું ન હતું. જ્યાં ફાયર એક્સટીંગવિશર સહીતના સાધનો જોવા મળ્યા હતા તે પણ નકામા અને ખોખલા જોવા મળ્યા હતા. આગ બુજાવાના સીલીન્ડરો અને સાધનોની તારીખો વીતી ગયાના અનેક મહિના છતાં આ સાધનો શોભાના ગાઠીયાની જેમ રાખી મુકવામાં આવ્યા હતા. જેનો કોઈ ચોક્કસ ખુલ્લાસો શાળા સંચાલકો કરી શક્યા ન હતા. આ તમામ શાળાઓને નોટીસો ફટકારમાં આવશે તેમ જાણવા મળ્યું છે.

આજે દિવસ દરમ્યાન બાઈ સાહેબબા ગર્લ્સ હાઈસ્કુલ બાલાજી મંદિર પાસે, જીટીહાઈસ્કુલ ફોર ગર્લ્સ અને કરણસિંહજી ઉચ્ચતર માધ્યમિક શાળા(ઙ.ઠ.ઉ.હસ્તક)શાળા વગેરે સ્થળે સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ શાળાઓમાં કાં તો અગ્નિ સુરક્ષાના સાધનો જ ન હતા અથવા તો જ્યાં હતા ત્યાં એક્સપાયરી ડેટના જોવા મળ્યા હતા. અગ્નિ સુરક્ષાના અભાવ બદલ આવી તમામ શાળાઓને હવે નોટીસો ફટકારવામાં આવનાર છે. કેટલીક સરકારી ઈમારતોમાં પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું. ત્રિકોણબાગ પાસે આવેલા જીલ્લા શિક્ષણ તાલીમ ભવન તેમજ બહુમાળી ભવનો માં બેસતી સરકારી કચેરીઓમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. અહી પણ ઘોર બેદરકારી સામે આવી હતી. આગ બુઝાવાના સાધનો હતા ખરા પણ બધાની ઉપયોગની તારીખ પુરી થઇ ગઈ હતી અને માત્ર દેખાડો કરવા પૂરતા રાખી મુકવામાં આવ્યા હતા. આ તમામને પણ નોટીસો અપાશે.