ચણાની ટેકાના ભાવે 50 મણ ખરીદી સામે કિસાન સંઘ નારાજ

મોંઘવારીને ધ્યાને રાખી સરકારે ખેડૂતો પાસેથી 200 મણ ખરીદી કરવી જોઈએ

સરકાર દ્વારા આ વર્ષે ચણાની ટેકાના ભાવે 50 મણ જ ખરીદી કરવાની જાહેરાત કરી છે. જો કે, સરકારના આ નિર્ણયથી ભારતીય કિસાન સંઘ નારાજ થયું છે. કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખીયાએ જણાવ્યું હતું કે, ગત વર્ષે સરકારે 125 મણ ખરીદી કરી હતી. જ્યારે આ વર્ષે સરકારે 50 મણ ખરીદી કરવાનો પરિપત્ર સરકારે જાહેર કર્યો છે. આથી અમે નારાજ છીએ. મોઘવારીને ધ્યાને રાખી સરકારે ખેડૂતો પાસેથી 200 મણ ખરીદી કરવી જોઇએ. ખેડૂતોને ખેતી ખર્ચ વધે છે તેની સામે જણસનો ભાવ વધતો નથી. સરકાર ખેડૂતો માટે નિર્ણય લઇ વધુમાં વધુ ચણાની ટેકાના ભાવે ખરીદી કરવા તૈયારી દર્શાવે તેવી અમારી માંગ છે. રાજકોટ જિલ્લામાં આ વર્ષે 1 લાખ હેક્ટરના વિશાળ વિસ્તારમાં ચણાનું વાવેતર થયું છે. તેથી ઉત્પાદન પણ બમણું થવાનું છે. જો કે ઉત્પાદન વધારે હોય ત્યારે ટેકાનો ભાવ જરૂરી બની જાય છે પણ આ વર્ષે ટેકાના ભાવે ખરીદી અડધાથી પણ ઓછા પ્રમાણમાં થશે. ગત વર્ષે રાજકોટમાં 40 હજાર હેક્ટરમાં ચણાનું વાવેતર થયું હતું અને ત્યારે પ્રતિ ખેડૂત 125 મણની મર્યાદામાં ખરીદી કરાઈ હતી. રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયા સુધી ફોડ પાડ્યો નહીં

ચાલુ વર્ષે વાવેતર બમણું હોવાથી આ જ મર્યાદામાં ખરીદી થશે તેવી શક્યતા હતી પણ રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયા સુધી ફોડ પાડ્યો જ ન હતો. આખરે ખેતી નિયામકે ખરીદીના બે દિવસ પહેલા પરિપત્ર કરીને જાહેર કર્યું કે ખેડૂત દીઠ 50 મણ એટલે કે 1000 કિલોની મર્યાદામાં જ ખરીદી થશે અને તેમાં પણ ખેડૂત પાસે અડધા હેક્ટર કે તેથી ઓછી જમીન હશે તો 800 કિલો જ લેવામાં આવશે. આ નિર્ણયને કારણે ખેડૂતોમાં ભારે કચવાટ ઊભો થયો છે. ટેકાના ભાવ માટે અત્યાર સુધીમાં 68000 ખેડૂતે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. માત્ર ટેકાના ભાવ માટે જ ચણા યાર્ડ સુધી લવાય તો ભાડું પણ માથે પડે તેથી ભાવ હોય કે ન હોય બધો જ માલ યાર્ડ સુધી લાવવો પડશે તેથી ખેડૂતોમાં ઘણો રોષ છે અને ખેડૂત સંગઠનો અને ભારતીય કિસાન સંઘ સહિતનાએ આ નિર્ણયને વખોડી કાઢ્યો છે.