રાજકોટ-હૈદરાબાદ ફ્લાઇટનું રાજકોટ એરપોર્ટ પર વોટર કેનનથી સ્વાગત, મુસાફરોના મોઢા મીઠા કરાવાયા

રાજકોટ-હૈદરાબાદ ફ્લાઇટ શરૂ થવાથી સૌરાષ્ટ્રભરના મુસાફરોને ફાયદો

રાજકોટ એરપોર્ટ પર આજે રાજકોટ-હૈદરાબાદ ફ્લાઇટનું આગમન થયું હતું. આ સમયે એરપોર્ટ પર પ્રથમ વખત આવતી રાજકોટ-હૈદરાબાદ ફ્લાઇટનું ફાયર વિભાગ દ્વારા વોટર કેનન મદદથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે પ્રથમ ફ્લાઇટમાં આવેલા મુસાફરોને એરપોર્ટ ઓથોરિટી દ્વારા મીઠાઇ ખવડાવી મોઢું મીઠું કરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજકોટ-હૈદરાબાદ ફ્લાઇટ શરૂ થવાથી રાજકોટ અને સૌરાષ્ટ્રભરના મુસાફરો તેમજ રાજકોટ, મોરબી, જામનગર, પોરબંદર સહિતના વિસ્તારના વેપારીઓ માટે પણ ફાયદો થવાનું માનવામાં આવી રહ્યું છે. રાજકોટ એરપોર્ટ ઉપર આગામી એપ્રિલ માસથી વિમાનોનો ટ્રાફિક ફુલ થઈ જનાર છે. દિવસ દરમિયાન કુલ 11 જેટલી ફ્લાઈટની આવજ-જાવનના કારણે આખો દિવસ એરપોર્ટ સતત ધમધમતુ રહેશે. રાજકોટ એરપોર્ટ ઉપર આગામી એપ્રિલ માસથી 11 ફલાઈટનું સમયપત્રક જાહેર કરી દેવાયું છે. જેમાં દરરોજ મુંબઈની 5 ફ્લાઈટ, દિલ્હીની 3 ફ્લાઈટ, બેંગ્લોરની 2 અને હૈદરાબાદની 2 ફ્લાઈટનો સમાવેશ થાય છે.