વડોદરા સોની પરિવાર આત્મહત્યાકાંડમાં અનેક સનસની ખુલાસા કરનારા ભાવિનનું જ મોત

વડોદરામાં સોની પરિવારના ચકચારી સામૂહિક આત્મહત્યા કેસમાં વધુ એક પરિજનનું મૃત્યુ નિપજ્યું છે. આ સાથે મૃતાંક વધીને ૫ પર પહોંચી ગયો છે. ગઈ કાલે મૃતક નરેન્દ્ર સોનીના પત્ની દીપ્તિ સોનીનું બે દિવસની સારવાર બાદ આજે મોત નિપજ્યું હતું. હવે આ કેસમાં અનેક સનસનાટીપૂર્ણ ખુલાસા કરનારા નરેન્દ્ર ભાઈ સોનીના પુત્ર ભાવિનનું જ મોત નિપજ્યું છે. હવે સોની પરિવારના ૬ માંથી એક જ સભ્ય જીવિત બચ્યો છે. ભાવિન સોનીએ જ પોલીસ સમક્ષ ખુલાસો કર્યો હતો કે, સ્વાતી સોસાયટીમાં આવેલું મકાન રૂપિયા ૪૦ લાખમાં વેચવા માટે અને એક સાથે દેવું ચૂકવવા માટે પિતા નરેન્દ્રભાઇ જ્યોતિષીના ચક્કરમાં આવી ગયા હતા.

જેમાં વડોદરા, અમદાવાદ અને રાજસ્થાન પુષ્કરના જ્યોતિષી સહિત ૯ જ્યોતિષીઓએ વિધી, વાસ્તુદોષ, ઘરમાં ખાડો ખોદીને દાટેલું ધન કાઢવા માટે રૂપિયા ૩૨.૨૫ લાખ પડાવ્યા હતા. જ્યોતિષીઓના ભરોસે રહેલા પિતાએ મકાન બાનાખત પેટે અશોકભાઇ મિસ્ત્રી પાસેથી લીધેલા રૂપિયા ૨૩.૫૦ લાખ વાયદા મુજબ પરત આપી શકે તેમ ન હોવાથી પિતાના કહેવાથી પરિવારે ઝેરી દવા ગટગટાવી લઇ આપઘાત કરી લેવાનું નક્કી કર્યું હતું. વડોદરાના ગોત્રી કેનાલ પાસે રહેતા જ્યોતિષી હેમંત જોષી મકાન વેચવાની આપેલી જાહેરાત વાંચીને પિતાનો સંપર્ક કર્યો હતો, ત્યાર બાદ તે ઘરે આવ્યો હતો.

ઘરે આવેલા જ્યોતિષી હેમંત જોષીએ ઘરમાં તપાસ કરીને જણાવ્યું કે, તમને વાસ્તુદોષ નડે છે અને તમારા ઘરમાં ગુપ્ત ધન દાટેલું છે. જે ખાડો ખોદીને કાઢવું પડશે. તે માટેની વિધિ માટે ૩૫ હજાર રૂપિયા લીધા હતા. ભાવિને આ ખુલાસા કર્યા બાદ ભારે ચકચાર મચી જવા પામી હતી. જોકે આખરે ૩ દિવસથી મોત સામે ઝીંક ઝીલી રહૃાો હતો. આખરે આજે રવિવારે ભાવિન જીંદગી સામેનો આ જંગ હારી ગયો હતો. આજે સવારે સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું છે. આમ વડોદરાના સોની પરિવારે ઝેરી દવા પી ને કરેલા સામુહિક આત્મકત્યા કાંડમાં ૬ માંથી કુલ ૫ લોકોના મોત નિપજ્યા છે.