આઇશા આપઘાત કેસ: દહેજ સામે જાગૃકતા ફેલાવવા મુસ્લિમ પર્સનલ લો બોર્ડની અપીલ

મુસ્લિમ યુવતી આયેશાએ અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પરથી નદીમાં કુદીને આત્મહત્યા કર્યા પછી ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના એક વરિષ્ઠ સભ્યે દેશમાં બધા જ ઈમામોને દહેજ વિરુદ્ધ જાગૃતિ અભિયાન ચલાવવા અપીલ કરી છે.

ખાલિદ રશિદ ફરંગી મહાલિએ જણાવ્યું હતું કે, દહેજના કારણે આયેશા આરિફ ખાનનું મોત સમગ્ર મુસ્લિમ સમાજ માટે ચિંતાજનક છે. અમે બધી જ મસ્જિદોના ઈમામોને શુક્રવારની નમાજ પહેલાં ઈસ્લામિક હુકમનામું તેમજ પત્ની અને પતિના અધિકારો અને ફરજો અંગે લોકોમાં જાગૃતિ લાવવા અપીલ કરીએ છીએ. આ બાબતોને સરળ ભાષામાં લોકોને સમજાવવી જોઈએ, જેથી આયેશાની આત્મહત્યા જેવી કમનસીબ ઘટનાઓને ટાળી શકાય. તેમણે ઉમેર્યું કે, દહેજની માગણી ‘હરામ અને ઈસ્લામિક કાયદા વિરુદ્ધ છે. પરંતુ લોકો હજી પણ બિન ઈસ્લામિક અને અમાનવીય પદ્ધતિનો અમલ કરી રહૃાા છે.

અમદાવાદમાં ૨૩ વર્ષીય આયેશાએ તેના મોબાઈલ ફોન પર એક વીડિયો રેકોર્ડ કર્યા પછી ૨૫મી ફેબુ્રઆરીએ રીવરફ્રન્ટ પરથી સાબરમતી નદીમાં ઝંપ લાવીને આત્મહત્યા કરી લીધી હતી. આયેશાના પિતાએ બીજા દિવસે પોલીસમાં કરેલી ફરિયાદ મુજબ આયેશાનો પતિ આરિફ બાબુખાખન ૨૦૧૮માં લગ્ન કર્યા ત્યારથી દહેજ માટે તેને માનસિક રીતે પરેશાન કરતો હતો. પાછળથી રાજસ્થાનમાં રહેતા આયેશાના પતિની ધરપકડ કરાઈ હતી.