પ્રથમ કેબિનેટ બેઠકમાં ત્રણ કરોડ મકાન બનાવવાની યોજનાને મંજૂરી અપાઈ

પ્રથમ કેબિનેટ બેઠકમાં ત્રણ કરોડ મકાન બનાવવાની યોજનાને મંજૂરી અપાઈ
પ્રથમ કેબિનેટ બેઠકમાં ત્રણ કરોડ મકાન બનાવવાની યોજનાને મંજૂરી અપાઈ

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનનારા આ નવા મકાનો ટોયલેટ, વીજળી, પાણી અને ગેસ કનેકશન જેવી સુવિધાઓથી સજજ હશે.

વડાપ્રધાન પદનો કાર્યભાર હાથમાં લીધા બાદ સોમવારે નરેન્દ્ર મોદીએ સૌ પહેલુ કામ કિસાન સન્માન નિધિની ફાઈલ પર હસ્તાક્ષર કરવાનું કર્યુ હતું. આ ઉપરાંત વડાપ્રધાનનાં નિવાસસ્થાને યોજાયેલી નવી સરકારની પ્રથમ કેબીનેટ બેઠકમાં ગરીબો માટે નવા ત્રણ કરોડ મકાનો બનાવવાની યોજનાને મંજુરી અપાઈ છે.

કેન્દ્રીય કિસાન કલ્યાણ યોજના અંતર્ગત દેશનાં 9.3 કરોડ ખેડૂતોને દર વર્ષે રૂા.6 હજારની આર્થિક સહાય પુરી પાડવામાં આવે છે. વડાપ્રધાન મોદીએ સોમવારે આ યોજનાના 17 માં હપ્તાને મંજુરી આપી હતી.પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મોદી સરકારના અત્યાર સુધીનાં છેલ્લા 10 વર્ષનાં શાસનમાં 4.21 કરોડ ઘર બનાવાયા છે. આ યોજના માટે કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા આર્થિક સહાય ઉપલબ્ધ બનાવાય છે.

સોમવારે વડાપ્રધાન કાર્યાલય પહોંચેલા પીએમ મોદીનું પીએમઓનાં કર્મચારીઓએ જોશભેર સ્વાગત કર્યુ હતું.સરકાર વધુ બહેતર ઝડપી અને વ્યાપક સ્તરે કામ કેવી રીતે કરી શકે તે અંગે વડાપ્રધાન મોદીએ કર્મચારીઓનો અભિપ્રાય પણ માંગ્યો હતો તેમણે કર્મચારીઓની કામગીરીની પ્રસંસા કરતા જણાવ્યું હતું કે તમે એક સંકલ્પ માટે સંપુર્ણ સમર્પણ ભાવનાથી કામ કર્યું છે.

ચૂંટણીમાં મળેલો વિજય એ મોદીનાં ભાષણો પરની મ્હોર નથી પરંતુ દરેક સરકારી કર્મચારીની 10 વર્ષની મહેનત પર જનતાએ મારેલી મ્હોર છે. વાસ્તવમાં ભારત સરકારનો દરેક કર્મચારી આ જીતનો અધિકારી છે.આપણે સૌને સાથે રાખીને આગળ વધવાનું છે.બીજી તરફ કોંગ્રેસે કિસાન સન્માન નિધિનો હપ્તો જારી કરવા મુદ્દે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે કિસાન નિધિનો હપ્તો એક મહિનાના વિલંબ બાદ જારી કરાયો છે.વડાપ્રધાન જો ખરેખર ખેડુતો પ્રત્યે લાગણી ધરાવતા હોય તો તેમણે એમએસપીને કાયદેસર બનાવવી જોઈએ.