રાજકોટના વેપારી સાથે ખાંડનો સોદો કરી રૂા. 60.93 કરોડની છેતરપિંડી

રાજકોટના વેપારી સાથે ખાંડનો સોદો કરી રૂા. 60.93 કરોડની છેતરપિંડી
રાજકોટના વેપારી સાથે ખાંડનો સોદો કરી રૂા. 60.93 કરોડની છેતરપિંડી
ગોંડલ રોડ પરના કાંગશીયાળીમાં સ્થાપત્ય ગ્રીન સિટીમાં રહેતાં અને મવડીમાં આર. કે. એમ્પાયર બિલ્ડીંગમાં  બાલાજી એન્ટરપ્રાઈઝ નામની  પેઢી ધરાવતા પ્રશાંત અશોકભાઈ ગોહેલ (ઉ.વ. 28)એ આપેલો ખાંડનો ઓર્ડર પૂરો નહીં કરી રૂા. 60.93 કરોડ ઓળવી ગયાની હરિયાણાના ગુરૂગ્રામમાં ન્યુટ્રી એગ્રો ઓવરસીઝ નામની પેઢી ધરાવતાં  પ્રેરણા અને તેના પતિ અવિનાશ બંસલ વિરૂધ્ધ ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

જેના આધારે ક્રાઈમ બ્રાંચે તપાસ આગળ ધપાવી બંને આરોપીઓની ધરપકડ કરવા તજવીજ શરૂ કરી છે. આ અગાઉ પણ રાજકોટના અનેક વેપારીઓ અને ઉદ્યોગકારોના નાણાઓ પરપ્રાંતના વેપારીઓ અને ચીટરો ઓળવી ગયાની ઘટનાઓ બની ચુકી છે. જે અંગે છાશવારે ફરિયાદો પણ નોંધાય છે. પરંતુ આજે જે ફરિયાદ નોંધાય છે તેમાં ઠગાઈની રકમનો આંકડો ખૂબ જ મોટો છે. ફરિયાદમાં પ્રશાંતભાઈએ જણાવ્યું છે કે તે મુખ્યત્વે ખાંડ અને કોમોડિટીની પ્રોડકટના ટ્રેડીંગનું કામ કરે છે. વેપારીઓના ગુ્રપમાંથી તેને જાણવા મળ્યું હતું કે ગુરૂગ્રામની ન્યુટ્રી એગ્રો ઓવરસીઝ નામની પેઢી મોટા પ્રમાણમાં ખાંડ સપ્લાય કરે છે. તેને પણ મોટા પ્રમાણમાં ખાંડની ખરીદી કરવી હોવાથી ઓનલાઈન સર્ચ કરી પેઢીના ડિરેકટર અવિનાશ બંસલનો મોબાઈલ પર સંપર્ક કર્યો હતો. તે વખતે તેને 200 ટન ખાંડનો ઓર્ડર આપ્યો હતો. જેનો ભાવ કિલોના ટેકસ સહિત રૂા. 26.50 નકકી થયો હતો. જેના ભાગરૂપે તેણે તેની પેઢીના બેન્ક ખાતામાંથી અવિનાશ બંસલને રૂા.પર લાખ આરટીજીએસથી મોકલી આપ્યા હતા. તે વખતે તેને ખાંડની ડિલેવરી સમયસર મળી ગઈ હતી. આ જ કારણથી વિશ્વાસ બેસી ગયો હતો.

થોડા દિવસ બાદ વધુ ખાંડ લેવાની જરૂરિયાત ઉભી થતાં. ગત મે માસમાં તેણે ફરિથી અવિનાશ બંસલનો સંપર્ક કરી 30 થી 40 મેટ્રીક ટન ખાંડની જરૂરીયાત હોવાનું કહ્યું હતું. જેની સામે અવિનાશ બંસલે કહ્યું કે તે 16-16 હજાર મેટ્રીક ટન ખાંડ બે તબકકે પૂરી પાડશે. એક કિલોના ભાવ ટેકસ સહિત રૂા. 26.50 રહેશે. જેથી તેણે સોદો કર્યો હતો. જેના ભાગરૂપે તેને 32,000 મેટ્રીક ટન ખાંડના રૂા. 82 કરોડ ચુકવવાના હતા. ગત મે માસથી જુલાઈ માસ દરમિયાન તેણે કટકે-કટકે રૂા.69.12  કરોડ એડવાન્સ ચુકવી આપ્યા હતા. જેના બદલામાં તેને રૂા. 8.19 કરોડની કિંમતની અંદાજે 4250 ટન ખાંડની ડિલેવરી મળી ગઈ હતી. 

Read National News : Click Here

જેના અઠવાડીયા બાદ તેણે અવિનાશ બંસલને કોલ કરી બાકીનો માલ મોકલવાનું કહેતાં 15 દિવસનો સમય માંગ્યો હતો. પરંતુ સવા મહિનો થઈ જવા છતાં માલ નહીં મોકલતા તેણે કોલ કર્યો હતો. જેના જવાબમાં અવિનાશ બંસલે કહ્યું કે હાલ તેની પાસે માલ નથી. જેથી કટકે કટકે બાકી નીકળતા રૂપિયા પરત આપી દેશે. પરંતુ આમ છતાં કોઈ રકમ પરત આપી ન હતી. આખરે તે એકાઉન્ટ લેજર સ્ટેટમેન્ટ લઈ અવિનાશ બંસલને ગુરૂગ્રામના સેકટર- 54માં સેન્ટ્રમ પ્લાઝામાં આવેલી  તેની ઓફિસે રૂબરૂ મળવા ગયો હતો. તે વખતે અવિનાશ બંસલ અને તેની પત્ની પ્રેરણા રૂબરૂ મળ્યા હતા. બંનેએ કહ્યું કે હવે તમારા આશરે રૂા. 2 કરોડ જમા છે, બાકીનો માલ અમે મોકલી દીધો છે. જેના બીલ પણ જીએસટી પોર્ટલ પર અપલોડ કરી દીધા છે. 

આ વાત સાંભળી તે ચોંકી ગયો હતો. તેણે કહ્યું કે આપણે જે 32,000 ટન ખાંડનો સોદો થયો હતો તેમાંથી ફકત 4250 ટન ખાંડ જ તેને મળી છે. આ સિવાય કોઈ માલ મળ્યો નથી. જેની સાબીતી રૂપે પેઢીના એકાઉન્ટ લેઝર સ્ટેટમેન્ટ પણ બતાવ્યા હતા. તેની સામે બંનેએ કહ્યું કે અમે તમને જેટલો માલ મોકલ્યો છે તેના અમારી પાસે બીલ પણ છે. બાદમાં રૂા. 46.18 અને રૂા. 11.33 કરોડનું એમ બે બીલ બતાવ્યા હતા. જે જોઈ તેણે કહ્યું કે આ માલ તેને મળ્યો નથી. કોઈ ઈ-વે બીલ પણ મળ્યા નથી. જે વાત બંનેએ નહીં માની સ્પષ્ટ કહી દીધું કે હવે તમારા માત્ર રૂા. 2 કરોડ જ જમા છે. જે રકમની વ્યવસ્થા થશે ત્યારે પરત આપી દેશું. આખરે તે રાજકોટ પરત આવી ગયો હતો.  ત્યારબાદ 6 થી 7 વખત બંનેને રૂબરૂ મળ્યો હતો. પરંતુ બંને માલ મોકલી દીધાનું રટણ કરતા રહ્યા હતા. તેણે બીલની કોપીઓ માંગતા તે પણ આપી ન હતી. એટલું જ નહીં જે પણ કાયદેસર કાર્યવાહી કરવી હોય તે કરી લેવાનું કહ્યું હતું. 

આખરે તેણે જીએસટી પોર્ટલમાં તેની પેઢીના નંબર પર તપાસ કરતાં રૂા. 11.33 અને રૂા. 46,18 કરોડના બે બીલ અપલોડ કરેલા જોવા મળ્યા હતા. આ બંને બીલ ખોટી રીતે અપલોડ કરાયાનું તેના ધ્યાનમાં આવ્યું હતું. બંને આરોપીઓએ આ રીતે ખોટા બીલ બનાવી તેની સાથે છેતરપિંડી કર્યાનું સ્પષ્ટ થતાં આજે ફરિયાદ નોંધાવી હતી. ક્રાઈમ બ્રાંચે બંને આરોપીઓ સાથે વિશ્વાસઘાત, છેતરપિંડી, બોગસ દસ્તાવેજો બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરવા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here