વડોદરાના ટ્રાવેલ્સ સંચાલક પાસે ઓડિયો ક્લિપ મોકલી ૨૫ લાખની ખંડણીની માંગ

મૈને તેરેકો ૧૦ ટકા વ્યાજ સે ૨૫ લાખ દિયા થા…કબ વાપસ કર રહા હૈ….તેવી વડોદરાના ટ્રાવેલ્સ સંચાલકને સોશિયલ મીડિયા પર ઓડિયો ક્લિપ મોકલી રૂપિયા ૨૫ લાખની ખંડણી માંગવામાં આવી હતી. રકમ પહોંચતી નહીં થાય તો ટ્રાવેલસ સંચાલક તથા તેની પત્ની અને તેના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી મળતા ચકચાર મચી ગઇ છે. વડોદૃરા શહેરના બાજવાળા વિસ્તારમાં રહેતા બ્રિજેશભાઈ સોની ટુરીઝમ તથા ટ્રાવેલ્સ વ્યવસાય સાથે સંકળાયેલા છે.

ગત રાત્રે તેમના મોબાઈલ ફોન ઉપર ટ્રુ કોલરમાં દિલીપ સોની નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો. જે તેમણે રિસિવ કર્યો ન હતો. દરમિયાન અજાણી દિલીપ સોની નામના વ્યક્તિએ સોશિયલ મીડિયા પર ઓડિયો ક્લિપ તેમજ મેસેજ મોકલ્યા હતા. ’મેને તેરે કો ૨૫ લાખ રૂપિયા ૧૦ ટકા વ્યાજ પર દિયે હૈ વો દે દે’ તેમ જણાવી ટ્રાવેલ્સ સંચાલક તેમજ તેમની પત્ની અને તેમના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

ઓડિયો ક્લિપ દ્વારા ખંડણી માંગી ધમકી મળતા પરિવારમાં ફફડાટ ફેલાય ગયો હતો. જોકે, ટ્રાવેલ્સ સંચાલકે કોઈની પાસેથી રૂપિયા લીધા નથી. તેમ છતાં ધમકી મળતા ટ્રાવેલ સંચાલકે સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે સિટી પોલીસે ખંડણી અને ધાક ધમકીની કલમો હેઠળ ગુનો નોંધી મોબાઇલ નંબરના આધારે ખંડણીખોરની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.