રાજ્યના પૂર્વ મંત્રી બાબરભાઇ તડવીનું કોરોનાની સારવાર દરમિયાન નિધન

છોટા ઉદેપુર જિલ્લાના સંખેડાના પૂર્વ ધરાસભ્ય અને રાજ્યના પૂર્વ મંત્રી બાબરભાઇ તડવીનું કોરોનાની સારવાર દરમિયાન ૮૦ વર્ષની વયે આજે વહેલી સવારે નિધન થયું છે. જેને પગલે તેમના પરિવાર અને કોંગ્રેસમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. રાજ્યના પૂર્વ મંત્રી બાબરભાઇ તડવીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને વડોદરાની હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી.

કોરોનાની સારવાર દરમિયાન આજે વહેલી સવારે વડોદરા ખાતે તેમનું નિધન થયું હતું. જેને પગલે તેમના નિવાસ્થાને મોટી સંખ્યામાં કોંગ્રેસી અગ્રણીઓ અને કાર્યકરો પહોંચી ગયા હતા અને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. મૂળ કોંગ્રેસી એવા બાબરભાઇ તડવી ૧૯૯૦માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જનતા દૃળમાંથી પહેલીવાર સંખેડા બેઠક પર જીત્યા હતા. ત્યાર બાદ ૧૯૯૫ અને ૧૯૯૮માં કોંગ્રેસમાંથી ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા હતા. આમ તેઓ સતત ૩ ટર્મ સુધી ધારાસભ્ય પદે રહૃાા હતા.
તેઓ નશા અને આબકારી વિભાગ અને આદિજાતિ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી પણ રહૃાા હતા.જોકે ૨૦૦૨ અને ૨૦૦૭ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના અભિસિંહ તડવી સામે તેઓ હારી ગયા હતા. એક વખત ભાજપમાં જોડાઈને ફરી કોંગ્રેસમાં આવી ગયા હતા. એક વખત ભાજપમાં પણ જોડાયા હતા, પરંતુ, બાદમાં તેઓ ફરીથી કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા અને વર્ષોથી તેઓ કોંગ્રેસમાં સક્રિય હતા.