સુરતના વર્લ્ડ ટ્રેડ સેન્ટરના વેપારી સાથે ૨૭ લાખથી વધુની છેતરપીંડી

સુરતના રીંગરોડ ખાતે આવેલા વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં એબી ટ્રેઋડીંગ કંપનીના નામે ધંધો કરતા યાર્નના વેપારી પાસેથી અમદાવાદના પાટીદાર એમ્બ્રોઈડરી યાર્નના પ્રોપાયટર પટેલ પિતા-પુત્રએ રૂપિયા ૨૭.૯૯ લાખનો માલ ખરીદી ઠગાઈ કરી હતી. ત્યારબાદ પેમેન્ટ નહીં આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે. વેસુ વીઆઈપી રોડ પર આવેલી ધ એવોલ્યુશનમાં રહેતા અંકિત હરબંસલાલ બુટાની (ઉ.વ.૩૫) રીંગરોડ વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં એબી ટ્રેડીંગ કંપનીના નામે વેપાર ધંધો કરે છે.

અંકિત પાસેથી શરુઆતમાં અમદાવાદમાં પાટીદાર એમ્બ્રોઈડરી યાર્નના પ્રોપાયર અતુલ પરસોત્તમ પટેલ અને ધ્રુવ અતુલ પટેલ (રહે,થર્મીટેજવિલા અમ્રુતબાગ પાર્ટી પ્લોટ પાસે, બોપલ-આંબલી રોડ, અમદાવાદ)એ વેપાર ધંધો કરી સમયસર પેમેન્ટ ચૂકવી વિશ્ર્વાસ કેળવ્યો હતો. ગત તા ૧ એપ્રિલ ૨૦૧૯થી ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૯ના સમયગાળામાં રૂપિયા ૨૭૯૯૨૦૦નો માલ અલગ અલગ બીલ ચલણથી ખરીદ્યો હતો.

જેનું પેમેન્ટ નહી ચુકવતા અંકિત બુટાનીએ ઉઘરાણી કરતા પટેલ પિતા-પુત્ર પેમેન્ટ માટે અહી ઘરે આવ્યો છે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી પેમેન્ટ ન ચૂકવી ઠગાઈ કરી હતી. પોલીસે અંકિતની ફરિયાદ લઈ અતુલ પટેલ અને ધ્રુવ પટેલ સામે છેતરપીંડીનો ગુનો નોંધી તપાસ શરુ કરી છે.