રાજકોટ સિવિલમાં સરકારી એમ્બ્યુલન્સ સેવા અને ગરીબો વચ્ચે મુખ્ય વિલન સિક્યુરીટી ગાર્ડ!?

રાજકોટ સિવિલમાં સરકારી એમ્બ્યુલન્સ સેવા અને ગરીબો વચ્ચે મુખ્ય વિલન સિક્યુરીટી ગાર્ડ!?
રાજકોટ સિવિલમાં સરકારી એમ્બ્યુલન્સ સેવા અને ગરીબો વચ્ચે મુખ્ય વિલન સિક્યુરીટી ગાર્ડ!?

ખાનગી એમ્બ્યુલન્સ ચાલકો સાથે ગાર્ડની સાંઠગાંઠને કારણે નબળા પરિવારોને સેવાથી વંચિત રહેવાની પીડા પણ તેનો ઈલાજ કરવામાં તંત્ર નાકામ
શું સિક્યુરીટી એજન્સી ગાર્ડનો પગાર કરતી હોવા છતાં સિક્યુરીટી ગાર્ડ ખાનગી એમ્બ્યુલન્સ ધારકો પાસેથી તગડું કમિશન શું કામ મેળવે છે? ચારેતરફ ચર્ચા
સિવિલ હોસ્પિટલમાં ચાલી રહેલી બેફામ ગેરરીતિઓ, ગોટાળા, ગરીબ દર્દીઓ સાથે છલકપટ સહિતની પ્રવૃત્તિઓ અટકાવવા આરોગ્ય ખાતું લાલઆંખ કરે: જે પરિસરમાં દરીંદા ફરતા હોય ત્યાં દરિદ્રનારાયણનું ગજું શું?સરકારી એમ્બ્યુલન્સો ધૂળ ખાય છે છતાં જરૂરિયાતમંદ દર્દીનાં પરિવારોને ભૂખ્યા વરૂ જેવા ખાનગી એમ્બ્યુલન્સ ચાલકો પાસે શું કામ ધકેલી દેવાય છે?
અવારનવાર બેદરકારી અને ગેરરીતિનાં આક્ષેપો થતા હોવા છતાં એકને એક જ સિક્યુરીટી એજન્સીને કોન્ટ્રાકટ અપાવવા પાછળ કોની કારીગરી?
સિક્યુરીટી એજન્સીની ભૂલોને ઢાંકવાના પ્રયાસો સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ શું કામ કરે છે? અધિકારીને એમાં શું લાભ દેખાઈ છે?
સિવિલ હોસ્પિટલમાં રેઢી રેકડીઓ જેવી સ્ટ્રેચરની હાલત…!!

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગરીબ અને આર્થિક રીતે નબળા મધ્યમ વર્ગનાં દર્દીઓ અને એમના પરિવારો માટે રાજ્ય સરકારે મુકેલી સસ્તા ભાડાની સરકારી એમ્બ્યુલન્સ સેવા વાસ્તવમાં ગરીબ પરિવારો માટે સ્વપ્ન સમાન અને ગાજરની પીપુડી જેવી બની ગઈ છે. ગરીબોને સસ્તી સરકારી એમ્બ્યુલન્સ સેવાથી વંચિત રાખવાના વ્યાપકપણે ચાલી રહેલા કાવાદાવા અને ગોરખધંધાનાં મુખ્ય કેન્દ્રમાં સિવિલનાં સિક્યુરીટી ગાર્ડ મુખ્ય વિલન બનીને ઉભરી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

કહેવાય છે કે અને લોકો પાસેથી સાંભળવા મળ્યું છે કે, ખાનગી એમ્બ્યુલન્સવાળા ઓને કોઈપણ ભોગે ખટાવવા માટેની અનૈતિક જવાબદારીનો બોજો લઈને ફરી રહેલા સિક્યુરીટી ગાર્ડનાં કારસાઓને કારણે ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને સિવિલમાં સરકારી એમ્બ્યુલન્સ સેવાથી વંચિત રહેવું પડે છે અને બેફામ ભાડા ખર્ચી ધોળે દિવસે ખિસ્સા ખાલી કરીને ખાનગી એમ્બ્યુલન્સમાં જવાની મજબૂરીની પીડા સહન કરવી પડે છે. કહેવાય છે કે આવા પરિવારોને ધરાર ખાનગી એમ્બ્યુલન્સ ચાલકો તરફ ધકેલવામાં આવે છે. સરકારી એમ્બ્યુલન્સ અને એવા દર્દીઓ માટેનાં વાહનો સિવિલ પરિસરમાં ધૂળ ખાઈ રહ્યા છે. પણ ખાનગી એમ્બ્યુલન્સ સંચાલકોને બારે મહીને બખા થઇ પડ્યા છે.

દર્દીઓનાં પરિવારો પૈકીનાં તમામની એકસૂરે એવી ગંભીર ફરિયાદ રહી છે કે, સિવિલ હોસ્પિટલમાં સિક્યુરીટી ગાર્ડ અને ખાનગી એમ્બ્યુલન્સ ચાલકો વચ્ચે અપવિત્ર સાંઠગાંઠની એવી ધરી રચાઈ ગઈ છે કે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે સરકારી એમ્બ્યુલન્સ સેવા શોભાનાં ગાંઠીયા જેવી બનીને રહી ગઈ છે. છતાં સિવિલ સુપ્રીન્ટેનડન્ટ સહિતનાં જવાબદાર અધિકારીઓ જાણીબુઝીને આંખ આડા કાન કરી રહ્યા હોય એવી સેંકડો ફરિયાદો લોકોમાંથી ઉઠી રહી છે. સિવિલ તંત્રની લાપરવાહીનાં પાપે સેંકડો પરિવારો અસીમ પીડા, યાતના, હેરાનગતિની સાથે-સાથે આર્થિક નુકશાની પણ સહન કરી રહ્યા છે.

પણ તંત્રમાં અને ખાસ કરીને સિવિલનાં જવાબદાર ઉચ્ચ અધિકારીઓને ચહેરા પર બેદરકારીનાં કાળા ચશ્માં હોવાથી એમને જનતા જનાર્દનની હાડમારીઓની અનુભૂતિ થતી નથી. પરિણામે બેદરકાર સિક્યુરીટી એજન્સીનાં પગારદાર સિક્યુરીટી ગાર્ડ કમિશનની લાલચમાં ખાનગી એમ્બ્યુલન્સ ચાલકો સાથે ખુલ્લે આમ સંપર્ક રાખીને અને અપવિત્ર સેતુ રચીને હજારો દર્દીઓ અને પરિવારોને હાડમારીની ખાઈમાં ધકેલી રહ્યા છે. ખુલ્લે આમ આ વેપલો ચાલી રહ્યો છે, પણ સિક્યુરીટી એજન્સી અને સિક્યુરીટી ગાર્ડને ઉની આંચ આવતી નથી.

સિક્યુરીટી ગાર્ડ નોકરી તો કરી રહ્યા છે, સિક્યુરીટી એજન્સીની પણ પોતાની ફરજ ભૂલીને લાભ ઉઘરાવી રહ્યા છે ખાનગી એમ્બ્યુલન્સ ધારકોને..!! આ વિષચક્ર લાંબા સમયથી ચાલી રહ્યું છે, પણ તેનો અંત લાવવાની કોઈની મગદુર નથી એવું અત્યારે તો દેખાઈ છે. પગાર એક જગ્યાએથી અને સેવા બીજાની એવો તાલ સર્જાયો છે. પણ સિવિલમાં કોઈને ગરીબોની ચિંતા હોતી નથી.

અધિકારીઓને ગરીબો માટે સમય ફાળવવાની કે નિર્ણય લેવાની ફુરસદ મળતી નથી. આવું તો સિવિલમાં જ બને. જયારે-જયારે ગરીબ અને ખાસ કરીને પરપ્રાંતિય દર્દીઓનાં પરિવારો એમના વતન કે ઘરે પહોંચવા સરકારી એમ્બ્યુલન્સની સેવા લેવા માટે આવે ત્યારે ખાઈ બદેલા સિક્યુરીટી ગાર્ડ આવા પરિવારોની મજબૂરીનો ભયંકર રીતે ગેરલાભ ઉઠાવી લે છે અને બિચારા લાચાર, આર્થિક રીતે કમજોર અને દુ:ખી સામાન્ય પરિવારોને નિર્દય રીતે સિક્યુરીટી ગાર્ડ ભૂખ્યા વરૂ સમાન ખાનગી એમ્બ્યુલન્સ ધારકોનાં પગમાં ધકેલી દે છે.

તેના બદલામાં આ સેવાભાવીઓ ને તગડું કમિશન મળે છે. એ સિવિલમાં હરતા, ફરતા અને કામ કરતા એકેએક કર્મચારીને ખબર છે પણ સિવિલનાં તંત્રને ખબર નથી પડતી. માનવામાં ન આવે એવી વાત છે. આવા ખાનગી એમ્બ્યુલન્સ ધારક અને સિક્યુરીટી એજન્સી કદાચ

ભૂલેચુકે કોઈ વાંકમાં આવી જાય તો તંત્ર પગલા લેવાને બદલે એમનો બચાવ કરવાના ધમપછાડા શરૂ કરી દે છે. એ કારણે જ એક જ એજન્સીનું સિવિલમાં સ્થાપિત હિત ઉભું થઇ ગયું છે. કેમકે તેના ગોરખધંધાઓને માફ કરી દેવામાં આવે છે. તેની ભૂલોને ભૂલી જવામાં આવે છે. તેની બેદરકારીઓ પર તંત્રનાં ચોક્કસ અધિકારીઓ તાલપત્રી ઢાંકી દે છે. આવા સંજોગોમાં બિચારા ગરીબ પરિવારોનું કોણ સાંભળે? આવા દરીંદાઓ જ્યાં ફરતા હોય ત્યાં દરિદ્રનારાયણનું ગજું શું?

સિક્યુરીટી એજન્સીની કામગીરી સામે એક નહીં હજારો ફરિયાદોનો ગંજ ખડકાયેલો છે. પણ આ એજન્સીને જ દરેક વખતે ભેદી રીતે કોન્ટ્રાકટ મળી જતો હોય છે. કેમકે એજન્સીએ તંત્રનાં વગદાર અધિકારીઓનાં આશિર્વાદ પ્રાપ્ત કરેલા છે. સિવિલનાં કહેવાતા વડા અને અધિકારીઓનાં એજન્સી પર ચારેય હાથ છે.
એટલે એજન્સીનો કોઈ વાળ વાંકો કરી શકતું નથી. અધિકારીઓની વૃતિ માટે અહીં એક કહેવત ટાંકવી જરૂરી થઇ પડી છે, વર મરો, ક્ધયા મરો પણ ગોરનું તરભાણું ભરો..!!

જાણકાર સુત્રો પાસેથી થોડા દિવસ પહેલાની એક ઘટનાની વિગતો મળી છે. જે સિવિલમાં એજન્સી, સિક્યુરીટી ગાર્ડ, ખાનગી એમ્બ્યુલન્સ ચાલકોનાં ગોરખધંધાનો પર્દાફાશ કરે છે અને એમને મળી રહેલા ઉચ્ચકક્ષાનાં રક્ષણની કાળી ટીલી સમાન વિગતો પણ ખુલ્લી કરે છે. થોડા દિવસ પહેલા સિવિલનાં ઈમરજન્સી વિભાગમાં એક એમ્બ્યુલન્સ ડ્રાઈવરને કમિશનનાં મુદ્દા પર માથાકૂટ થઇ હતી. ત્યારે ચોક્કસ અધિકારી એ (મહેતા સર) મીડિયા સમક્ષ એવો ગેરમાર્ગે દોરતો ખુલ્લાસો આપ્યો હતો કે, દર્દીનાં સ્ટ્રેચરને લઈને માથાકૂટ થઇ છે. આ રીતે જો સિવિલ સુપ્રીન્ટેનડન્ટ એજન્સીનાં બચાવમાં આવે ત્યારે અનેક સવાલો ઉભા થાઇ છે. શું કોઈ પ્રકારની સાંઠગાંઠ છે? લોકો આ તમામ સવાલોનાં જવાબ માંગી રહ્યા છે.રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોઈપણ એવી વસ્તુ બનતી નથી જેના આપણે વખાણ કરી શકીએ. બલ્કે હોસ્પિટલનાં પરિસરમાં જો રાઉન્ડ લગાવવામાં આવે તો ખૂણે ખાચરે બેદરકારી, ગેરરીતિઓ અને લાપરવાહીનાં દ્રશ્યોની વણઝાર સર્જાતી જોવા મળે છે

Read About Weather here

અને અનાયાશે જોનારની જીભ પરથી ઓહ અને આહનાં ઉદ્દગારો નીકળી પડતા હોય છે. અમારા તસ્વીરકારે પણ આજે સિવિલમાં એક એવા દ્રશ્યને આબાદ ઝીલી લીધું છે. જે તસ્વીર જોઈને મોં માંથી હાયકારો નીકળી પડશે. ઉપરની તસ્વીર ધ્યાનથી જુઓ. પહેલી નજરે એવું દેખાઈ કે શાક-બકાલા વાળાઓ ધંધાને વિસામો આપીને રસ્તા પર રેકડીઓ બાંધીને ફૂટપાથ પર મૂકી વિસામો કરવા ચાલ્યા ગયા છે. પણ ના એવું નથી. આ તસ્વીરો કોઈ શાકબજાર કે રસ્તા પરની નથી બલ્કે સિવિલ હોસ્પિટલની અંદરની એક લોબીની છે. જ્યાં દર્દીઓ માટેની સ્ટ્રેચરોને એકમેક સાથે સાંકળ બાંધીને દિવાલ પાસે મૂકી દેવામાં આવી છે. સિવિલમાં સ્ટ્રેચરની પળે-પળે જરૂર પડતી હોય છે. પણ બેદરકાર સ્ટાફ તેનો ઉપયોગ કરવાને બદલે સાંકળ સાથે બાંધીને તેને રજા પર શું કામ ઉતારી દે છે. એ રહસ્ય શોધવા માટે દર્દીઓ અને પરિવારો માથા ખંજવાળી રહ્યા છે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here