રાજકોટ સિવિલનાં તંત્રની લીલા ન્યારી

રાજકોટ સિવિલનાં તંત્રની લીલા ન્યારી
રાજકોટ સિવિલનાં તંત્રની લીલા ન્યારી

સરકારી એમ્બ્યુલન્સોને કાયમી આરામ: ખાનગી એમ્બ્યુલન્સ ચાલકોને લીલાલ્હેર!

સિવિલ હોસ્પિટલનાં અધિક્ષક કે અધિકારીઓનાં બહેરા કાન સુધી લોકોનાં પોકાર કેમ પહોંચતા નથી? રાજ્યનાં આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક ઊંડી તપાસની જરૂર: હોસ્પિટલ પરિસરમાં કાયમ ધામા નાખતા ખાનગી એમ્બ્યુલન્સ ચાલકોને કેમ તગેડી મુકતા નથી? લોકોમાં પુછાઈ રહેલા સવાલો

દર્દીઓ અને દર્દીઓનાં પરિજનોને ભારે હાડમારી: ખાનગી એમ્બ્યુલન્સનાં ઉંચા દામ પડાવી દર્દીઓ સાથે સરા જાહેર લૂંટ મચાવનારા સામે સિવિલ તંત્રનું રહસ્યમય મૌન
દર્દીઓની હેરફેર માટે યા ઘરે પહોંચવા સરકારી એમ્બ્યુલન્સ લેવા જાય તો કાયમ એક જ રોકડો જવાબ, ડ્રાઈવર હાજર નથી

શું સરકારી એમ્બ્યુલન્સનાં ડ્રાઈવર કાયમ રજા પર હોય છે? કોણ જવાબ આપશે?: સરકારી એમ્બ્યુલન્સનું ભાડું પ્રતિ કિ.મી. રૂ. 3 થી 3.50 હોય છે

ખાનગી એમ્બ્યુલન્સવાળા પ્રતિ કિ.મી. રૂ. 9 થી 10 નું ભાડું પડાવી લાચાર દર્દીઓનાં પરિજનોનાં ખિસ્સા ખંખેરતા હોવાની ગંભીર ફરિયાદો

રાજકોટ સિવિલ હોસ્પિટલનાં તંત્ર અને વિવાદને ઘણો જુનો અને ગાઢ નાતો રહ્યો છે. એટલે જ અવારનવાર સિવિલ હોસ્પિટલનું સંચાલન તંત્ર એક યા બીજા કારણોસર અવારનવાર વિવાદોમાં ઘેરાતું રહે છે. પરંતુ તંત્ર કામગીરીમાં રતિભાર સુધારો દેખાતો નથી કે વિવાદોનું સર્જન નહીં કરવાની કોઈ વૃતિ આ તંત્રમાં નજરે પડતી નથી. લોકો હેરાન થતા હોય કે ખુલ્લે આમ લુંટાતા હોય તો પણ સિવિલ હોસ્પિટલનું વહીવટીતંત્ર મગરની ચામડી ધરાવતું હોવાથી લોક વેદનાની કોઈ અસર તેના પર થતી નથી અને કમભાગીએ સિવિલમાં જેને આવવું પડે છે એ દર્દીઓ અને એમના પરિવારજનોની સમસ્યાઓનો રોજે-રોજ ગુણાકાર થતો રહે છે. દવાઓનાં લીસ્ટની જેમ આમ જનતાની વેદનાઓની યાદીમાં રોજ એક નવી પીડાનો ઉમેરો થાય છે અને યાતનાઓની રેસીપીનું આ લીસ્ટ લાંબુને લાંબુ થતું જાય છે.

તંત્ર બેખબર છે યા તો જાણીજોઇને અજાણ બને છે. સરકાર અને આરોગ્યતંત્રને કોઈ પરવાહ નથી. રાજકોટ સિવિલ હોસ્પિટલનો એક વધુ બખડજંતર મામલો બહાર આવ્યો છે અને લોકો જે રીતે અસહ્ય તકલીફો ભોગવી રહ્યા છે. તેની દર્દીલી દાસ્તાન લોકોનાં મોઢે સાંભળવા મળી છે. મામલો સરકારે દર્દીઓ અને પરિજનો માટે આપેલી એમ્બ્યુલન્સની વ્યવસ્થાને લગતો છે. આ સેવા લોકોની તકલીફનો અંત લાવવા માટે અને એમને હોસ્પિટલથી એમના ઘર સુધી આસાનીથી પહોંચવામાં મદદ મળે એ રીતે શરૂ કરી છે. પણ હોસ્પિટલ તંત્રનાં પાપે સરકારી એમ્બ્યુલન્સની સેવા લોકોનું શિરદર્દ બનીને રહી ગઈ છે.

ખૂબ જ ચોંકાવી દેનારું કૌભાંડ ચાલી રહ્યું હોય એવું દર્દીઓ અને એમના પરિવારોની મુલાકાત પરથી બહાર આવ્યું છે. એવી ચોંકાવનારી હકીકતો ખૂલવા પામી છે કે, લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ સરકાર આપે છે અને સિવિલમાં દર્દીઓની સુવિધા માટે એમ્બ્યુલન્સો મુકવામાં આવી છે. પરંતુ સ્થાનિક તંત્રની ઘોર ગંભીર બેદરકારી તથા ઉપેક્ષા વૃતિને કારણે દર્દીઓ માટેની સેવા શોભાનાં ગાઠીયા સમાન બની ગઈ છે. તેના બદલે અહીં ગેરકાયદેસર રીતે સિવિલનાં પરિસરમાં કાયમી ધામા નાખીને પડ્યા રહેતા ખાનગી એમ્બ્યુલન્સ વાળાઓને લીલાલહેર થઇ પડી છે. કારણ કે સરકારી એમ્બ્યુલન્સ કાયમ આરામમાં હોય છે.

Visit Saurashtra Kranti Homepage here

દર્દીઓને જરૂર પડે ત્યારે કદાપી સરકારી એમ્બ્યુલન્સની સેવા મળતી નથી અને માંગવા આવનારને ઉધ્ધત જવાબો આપી ખોટા બહાના આગળ ધરીને દર્દી અને એમના પરિજનોને પાછા તગેડી મુકવામાં આવે છે. ફરિયાદ કરી કરીને લોકો થાકી ગયા છે પણ કોઈ ઉકેલ આવતો નથી. સિવિલ હોસ્પિટલમાં સમાજ સેવા કરતા એક જાણીતા સમાજ સેવકે પણ અગાઉ આ મુદ્દા ઉઠાવ્યા હતા અને તંત્રનું ધ્યાન ખેંચવાની ખૂબ જ કોશિશો કરી હતી પણ આ સમસ્યા યથાવત રહેવા પામી છે. કેમકે ખાનગી એમ્બ્યુલન્સ વાળાઓ સાથે કોઈ પ્રકારની અનૈતિક સાંઠગાંઠ સ્થાનિક તંત્રની રચાઈ ગઈ હોય એવું લાગે છે.

જેના પગલે દર્દીઓ આને પરિવારજનોને જરૂરીયાતનાં સમયે સરકારી એમ્બ્યુલન્સની સેવાઓ મળી શકતી નથી અને ઉંચા દામ વસુલતા ખાનગી એમ્બ્યુલન્સ ચાલકોનાં હાથે ખુલ્લે આમ લુંટાતા રહેવું પડે છે. લોકોને સ્પર્શતી આ ગંભીર સમસ્યાનો એક ઝાટકે અંત લાવી શકાય છે પણ સ્થાનિક સિવિલ તંત્ર લાજ કાઢી રહ્યું છે અને પગલા લેવાની વાત આવે ત્યારે મોઢે તાળા મારીને બેસી જતું દેખાઈ છે. સિવિલ તંત્રનું મૌન અનેક રહસ્યમય સવાલો ઉભા કરી રહ્યું છે.

લોકો જાહેરમાં લુંટાઈ રહ્યા છે. ત્યારે પગલા લેતા સિવિલનાં તંત્રને કોણ અટકાવે છે? સિવિલનાં પરિસરમાંથી ખાનગી એમ્બ્યુલન્સ ચાલકોને કેમ તગેડી મુકતા નથી? સરકારી એમ્બ્યુલન્સની સેવા લોકોને ન મળે એવા સતત પ્રયાસો કરતા રહેતા સિવિલનાં નઘરોળ સ્ટાફ સામે કેમ કડક પગલા લેવાતા નથી.? આ તમામ સવાલોનાં જવાબ વહીવટીતંત્રએ લોકોને આપવા પડશે. દર્દીઓનાં પરિવારજનોની મુલાકાત લેતા એવું જાણવા મળ્યું છે કે, સરકારી એમ્બ્યુલન્સો સિવિલનાં કમ્પાઉન્ડમાં પડેલી દેખાઈ જ છે તો લોકોને કેમ સેવા મળતી નથી? ત્યારે અનેક દર્દીઓનાં પરિવારજનોએ અમારા પ્રતિનિધિને એવું કહ્યું હતું કે, અમે જયારે એમ્બ્યુલન્સની સેવા માટે જઈએ ત્યારે બધા દર્દીનાં પરિજનોને સ્ટાફ તરફથી એક જ રોકડો જવાબ મળે છે કે ડ્રાઈવર હાજર નથી.

અહીં સવાલ એ ઉભો થાય છે કે શું સરકારી એમ્બ્યુલન્સનાં ડ્રાઈવરો કાયમ રજા પર જ હોય છે કે સિવિલનાં ચોક્કસ ખંડોમાં આરામ કરતા હોય છે? લોકોની મજબૂરી સમજવાને બદલે ગરીબ અને મધ્યમ વર્ગનાં પરિવારોની હેરાનગતિમાં વધારો કરનારા સ્ટાફ સામે સિવિલનાં ઉચ્ચ અધિકારીઓએ ધ્યાન આપવાની જરૂર છે અને દાખલા રૂપ પગલા લેવાની જરૂર છે. પણ અહીં તો એવું લાગે છે કે સિવિલ હોસ્પિટલ અધિક્ષક સહિતનાં ઉચ્ચ અધિકારીઓનાં કાન લોકોની ફરિયાદને લાગે વળગે છે ત્યાં સુધી બહેરા થઇ ગયા છે. એમના કાન સુધી લોકોનાં પોકાર અને આર્તનાદનાં અવાજો પહોંચતા નથી.

Read About Weather here

જાણવા મળ્યા મુજબ સિવિલ હોસ્પિટલમાં કોઈ પેશન્ટ દાખલ હોય અને સારવાર લીધી હોય તો એમના માટે સરકારી એમ્બ્યુલન્સનું ભાડું પ્રતિ કિ.મી. રૂ.2.50 જેવું હોય છે. પણ દાખલ થયા ન હોય અને નગરપાલિકા કે સિવિલની એમ્બ્યુલન્સ ભાડે લીધી હોય તો પ્રતિ કિ.મી. રૂ. 5 જેવું ભાડું લેવામાં આવતું હોય છે. જો કે આ બધું કાગળ પર છે. લોકોને જયારે ખરેખર જરૂર પડે ત્યારે ડ્રાઈવર નથી એવા જવાબ જ સાંભળવા મળે છે, સેવા મળતી નથી.

બીજીતરફ સિવિલ વહીવટીતંત્રની પુરેપુરી મહેરબાનીને કારણે ફાટીને ધુમાડે ગયેલા ખાનગી એમ્બ્યુલન્સ સંચાલકો દર્દીઓની જરૂરિયાતનો ભયંકર ગેરલાભ ઉઠાવી બેફામ ભાડા પડાવી રહ્યા છે. તેવી એક-બે નહીં સેંકડો ફરિયાદો સાંભળવા મળી છે. ખાનગી વાહનનું ભાડું પ્રતિ કિ.મી. રૂ. 9 થી 10 જેવું ભારે ઊંચું છે. રાજ્યનાં આરોગ્ય વિભાગે તાત્કાલિક દરમ્યાનગીરી કરીને ઊંડી તપાસ શરૂ કરવાની જરૂર છે. નહીંતર લોકો આમ જ લુંટાતા રહેશે અને સરકાર જે નાણાં ખર્ચે છે તે પણ વેડફાતા રહેશે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here