જયારે પોલીસ વહીવટદારની પ્રણય લીલાનાં પાપે અડ્ડાવાળાની પીઠ પર પડ્યા પોલીસનાં ધોકા!

જયારે પોલીસ વહીવટદારની પ્રણય લીલાનાં પાપે અડ્ડાવાળાની પીઠ પર પડ્યા પોલીસનાં ધોકા!
જયારે પોલીસ વહીવટદારની પ્રણય લીલાનાં પાપે અડ્ડાવાળાની પીઠ પર પડ્યા પોલીસનાં ધોકા!

અજીબો ગરીબ ઘટનાઓ જ્યાં બનતી રહે છે એવા સામાકાંઠાનાં વધુ એક વિચિત્ર કિસ્સાની ચારેતરફ ચર્ચા
દેશી અડ્ડાઓનાં પોલીસ વહીવટદારને અડ્ડાવાળાની પત્ની સાથે પ્રેમ થયો અને ભોગ બની ગયો પતિદેવ!
ખાસ બ્રાન્ચનો દરોડો પડતા પ્રેમીને કારણે ફાંકો રાખતી પત્નીએ પોલીસ સામે જીભાજોડી કરી અને પરિણામે દેશી અડ્ડાવાળાની પીઠ અને પૂઠા ભાંગી ગયા!!
પોલીસ વહીવટદાર અને દેશીઅડ્ડાનાં માલિકની પત્ની વચ્ચેનું ગરમાગરમ ઇલુ ઇલુ પ્રકરણ સમગ્ર સામાકાંઠે રમુજ ભરી ચર્ચાનો વિષય બન્યુ

રાજકોટ શહેરનાં સામાકાંઠા વિસ્તારમાં દારૂ-જુગારના અડ્ડાનાં સંચાલકો, નાના-મોટા ટપોરીઓ સહિતનાં અસામાજિક તત્વોને પોલીસનાં ચોક્કસ વર્ગ સાથે અને વિભાગ સાથે ગાઢ ભાઈબંધી અને દોસ્તીનાં અનેક પ્રકરણો છાશવારે પ્રગટ થતા રહે છે અને લોકોને ચર્ચાનો વિષય પૂરો પાડતા રહે છે.

Visit Saurashtra Kranti Homepage here

સામાકાંઠે જોવા મળતી દેશી અને કાયદાનાં પાલકો વચ્ચેની અતુટ ભાઇબંધીની ગાથાઓ સામાકાંઠાની શેરી-ગલ્લીમાં અને ચોકે-ચોકે નરી આંખે જોઈ શકાય છે. આવી પાકી ભાઈબંધીનાં માહોલમાં પણ અવનવા ફણગા ફૂટતા રહે છે.

પણ તાજેતરમાં બનેલા એક કિસ્સાએ તો હાસ્ય અને રમુજ મિશ્રિત ચર્ચાની એવી આંધી જગાવી દીધી છે કે, સામાકાંઠાનાં ઘરેઘરમાં આ પ્રકરણ ચોરે અને ચૌટે ચર્ચાતું સંભળાઈ રહ્યું છે. આખો કિસ્સો અજીબ છે તો સાથે-સાથે ખૂબ રસપ્રદ છે.

સામાકાંઠાની પોલીસ અને ગુન્હાખોરીમાં આગળ વધેલા તત્વો તથા વચેટિયાઓ વચ્ચેનાં સંબંધોને નવું આયામ પૂરું પાડતી આ ઘટના અમે વાંચકો ખાતર માહિતગાર સુત્રો પાસેથી જાણીને અખબારનાં પાને મૂકી છે.

તાજેતરમાં સામાકાંઠે એક દેશી દારૂનાં મોટા અડ્ડા પર સામાકાંઠાની ખાસ બ્રાન્ચ દ્વારા રેડ કરવામાં આવી હતી. તેના પગલે અણધારી રીતે એક અનોખું પ્રકરણ બહાર આવી ગયું હતું અને સામાકાંઠાનાં વર્ષો જુના પોલીસ વહીવટદાર દ્વારા છાનાખૂણે ખેલવામાં આવેલા પ્રણયફાગનો ભાંડો ફૂટી ગયો હતો

અને સામાકાંઠામાં હાસ્યનાં ફુવારા ઉડવા લાગ્યા હતા. જો કે વહીવટદારને શરમ જેવું કઈ છે નહીં એટલે તેને કોઈ ફરક પડ્યો નથી. પોલીસ વહીવટદાર હજી વીર થઇ ફરે છે. પણ પોલીસ વહીવટદારનાં ઇલુ ઇલુનાં પાપે દેશીનો અડ્ડો ચલાવનારાને ખાસ બ્રાન્ચનાં ભારેખમ ધોકાનો સ્વાદ ચાખવો પડ્યો છે

અને દેશીનાં અડ્ડાવાળો અત્યારે તો ન કહેવાય કે ન સહેવાઈ એવી અનુભૂતિ કરવા લાગ્યો છે.સામાકાંઠેથી જાણકાર લોકો પાસેથી મળતી હકીકત સામાકાંઠાની પરિસ્થિતિનો ચિતાર આપે છે અને રમુજ પણ સર્જે છે.

તાજેતરમાં એક દેશી દારૂનાં હાટડાવાળાને ત્યાં ખાસ બ્રાન્ચની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી. ત્યારે માલિકની પત્ની ધુંધવાઈ ઉઠી હતી. સ્થાનિક પોલીસનાં પોલીસ વહીવટદારની હવા લઈને ફરતી આ મહિલાએ ખાસ બ્રાન્ચના પોલીસની સામે થઇ જીબાજોડી ચાલુ કરી દીધી હતી.

પોલીસ સાથે લાંબા સમયથી પ્રેમનાં પાઠ શીખી રહેલી અને પ્રણયફાગ ખેલતી આ મહિલાનાં તથા પોલીસનાં ઇલુ ઇલુ થી બેખબર ખાસ બ્રાન્ચની પોલીસે દેશી અડ્ડાવાળાની ભારે જોરદાર સરભરા કરી દીધી હતી

અને પત્નીની ખીજ પતિ પર ઉતારીને ખાસ બ્રાન્ચે આ મહિલાનાં પતિ દેશી અડ્ડાવાળાને સખ્ત રીતે ધમારી નાખ્યો હતો. ને જણાવાયું પણ હતુ કે આ તારી પત્નીના પાપે ધોકા પડયા છે.

સ્થાનિક પોલીસ સ્ટેશનનાં પોલીસ વહીવટદાર અને દેશી દારૂનાં અડ્ડાવાળાની પત્ની વચ્ચેનું ઇલુ ઇલુ અડ્ડાવાળાને ભારે પડી ગયું. રેડ કરનાર પોલીસને પણ પાછળથી જાણ થઇ હોય તેમ પોલીસ બેડામાં અને બજારમાં ભારે રમુજ પ્રસરી વળી હતી અને સામાકાંઠામાં આ પ્રકરણ ઓટલા ચર્ચાનો વિષય બની ગયું હતું.

જાણવા મળ્યા મુજબ સામાકાંઠે પોલીસ વહીવટદાર તરીકે વર્ષોથી ફુલતો-ફાલતો જતો અને મોટી હવા લઈને ફરતો દેશીનો આ મોટો ડામચ્યો પોલીસ વહીવટ માટે કુખ્યાત છે. વર્ષોથી આ શખ્સ સામાકાંઠે અડ્ડો જમાવીને બેઠો છે

અને તેના કરતૂતોની કહાણી વધુને વધુ લાંબી થતી જાય છે. દેશી દારૂનાં અડ્ડાવાળા હોય કે અન્ય કોઈ અપરાધી હોય બધાનો વર્ષોથી અગત્યનો વહીવટ પલકવારમાં કરી આપતો હોવાની સમગ્ર સામાકાંઠે જોરશોરથી ચર્ચા થતી સંભળાય છે.

આવા તત્વોને કારણે જ સામાકાંઠે ગુન્હાખોરીનાં ધામ ફૂલતા-ફાલતા રહ્યા છે અને દારૂ-જુગારનાં દુષણનો કોઈ અંત આવતો નથી. કેમકે વહીવટદાર પોલીસમેન હોવાથી પોલીસનાં ચોક્કસ વર્ગનાં પણ મીઠા આશિર્વાદ તેને સતત પ્રાપ્ત થતા રહે છે.

એટલે આ શખ્સનાં મનમાં ફાંકો અને પીઠબળનો નશો કોઈ હિસાબે નીચે ઉતરતા નથી. આ તો નાણાંનાં વહીવટ કરવા સાથે દેશી અડ્ડાવાળાની પત્ની સાથે પ્રેમની લીલા કરવા જતા કેવું પરિણામ આવ્યું તેની ચર્ચા ખૂબ જ રમુજ સાથે થઇ રહી છે

અને આ પ્રણયલીલાનો ભોગ બની ગયો એ મહિલાનો પતિ!! આ ઘટનાએ ઉચ્ચ પોલીસ અધિકારીઓનું પણ ધ્યાન ખેંચ્યું હોય એવું અંદરનાં સુત્રો કહી રહ્યા છે. પણ પોલીસ વહીવટદાર તો એવું માનીને સરાહ જાહેર એવું કહેતો ફરતો હોય છે

કે, મારો કોઈ વાળ વાંકો કરી શકે તેમ નથી. આવા પોલીસ વહીવટદારો ખાઈ બદેલા અને હરામનાં નાણાંથી ફૂલતા-ફાલતા તત્વો પોલીસની સારી કામગીરીને પણ નકારાત્મક દ્રષ્ટિએ જોવાની લોકોમાં ટેવ પાડતા હોય છે અને લોકોનો વિશ્વાસ પોલીસમાંથી ઉઠતો જાય છે.

આવા તત્વોને કાયદાનું ભાન કરાવી તમામ પ્રકારનો ફાંકો ઉતારી નાખવો જોઈએ અને પોલીસની પ્રતિષ્ઠાનું ધોવાણ થતું બચાવવું જોઈએ એવી સામાકાંઠાનાં લોકોની તીવ્ર લાગણી છે. જો આવા તત્વોને સાફ કરી નાખવામાં આવે તો જ સામાકાંઠાની અસામાજિક ગંદકીને દૂર કરી શકાશે.

Read About Weather here

એ દિશામાં ઉચ્ચ અધિકારીઓએ ધ્યાન આપીને સત્વરે પગલા લેવાની જરૂર છે. જો લાલ આંખ થશે તો જ પોલીસ અને અપરાધીઓ વચ્ચેની આવી સાંઠગાંઠને નેસ્તનાબુદ કરી શકાશે. નહીતર સામાકાંઠો આજી નદીના કાંઠાની ગંદકીની જેમ હંમેશા અપરાધીઓ અને અપરાધી દલાલોની ગંદકીથી ગંધાતો રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here