સૌરાષ્ટ્રની વિદ્યાર્થી આલમને ડ્રગ્સથી નિર્માલ્ય બનાવવાનો ભયાનક કારસો

સૌરાષ્ટ્રની વિદ્યાર્થી આલમને ડ્રગ્સથી નિર્માલ્ય બનાવવાનો ભયાનક કારસો
સૌરાષ્ટ્રની વિદ્યાર્થી આલમને ડ્રગ્સથી નિર્માલ્ય બનાવવાનો ભયાનક કારસો
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અને ગુજરાતના મહાનગરોથી માંડીને મધ્યમ અને નાના કદના નગરો સુધી ડ્રગ્સની હેરફેર કરતા અને વેપલો કરતા અપરાધી તત્વોની જાળ કેટલા વ્યાપક પ્રમાણમાં ચારેતરફ વિસ્તરી ગઈ છે અને ડ્રગ્સ માફીયાઓ તથા પેડલરોની જાળમાં કઈ રીતે કોલેજીયન યુવા- યુવતીઓ ફસાઈ જઈ બરબાદ થઇ રહ્યા છે. તેની રૂવાળા ખડા કરતી ભયાનક હકીકતોનો પર્દાફાશ થયો છે. સૌરાષ્ટ્ર સહિત રાજ્યનાં ખૂણે- ખૂણે બેફામ રીતે ડ્રગ્સનો વેપલો કરતી એક ત્રિપુટી પોલીસના શિકંજામાં આવી ગયા બાદ ડ્રગ્સના અતિશય ભયાનક ષડ્યંત્રનો આખો ચિત્તાર આ ત્રિપુટીએ પોપટની જેમ બોલીને પોલીસ સમક્ષ રજુ કરતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સ્તબ્ધ બની ગયા છે. રાજુલામાંથી ઝડપાયેલા એક ડ્રગ્સ પેડલર સહિતના ત્રણ ડ્રગ્સ કારોબારીઓની ગુનાખોર ટોળકીઓએ ઈ-કોમર્સની આડમાં ડ્રગ્સનું વેચાણ કરીને ગુજરાતના ખૂણે- ખૂણે તો ઠીક ટોચના મહાનુભાવોના સુરક્ષિત વિસ્તારોમાં આવેલા નિવાસી સ્થાનો સુધી પહોંચી એમના સંતાનોને પણ ડ્રગ્સ પહોંચાડ્યું હોવાનો ચોંકાવી દેનારો ધડાકો થયો છે.

Visit Saurashtra Kranti Homepage here

આ ત્રિપુટીના કારનામાંનો શિકાર બનેલા ગુજરાતનાં યુવાનો અને યુવતીઓ ભયંકર હદે શારીરિક અને આર્થિક રીતે ચુસાઈ રહ્યા છે. એટલે પોલીસે હવે ડ્રગ્સ પેડલરો અને માફીયાઓના ચોતરફ વિકસી ગયેલા અને ઊંડા મુળિયા નાખી ગયેલા સમગ્ર ડ્રગ્સ નેટવર્ક પર જનોઈ વઢ ઘા કરી તેને ખેદાન-મેદાન કરવાનો સમય પાકી ગયો છે.પોલીસમાં આ ડ્રગ્સ પેડલર ત્રિપુટીએ જાહેર કરેલી ચોંકાવનારી હકીકતો એક શૈતાની ષડ્યંત્રનો સંકેત આપે છે. આ ટોળકીએ ડ્રગ્સ કોને- કોને પહોંચાડ્યું તેની વિગતો જાહેર કરતા આ ટોળકીના 300 જેટલા ખરીદદાર ગ્રાહકોની યાદી પોલીસ પાસે આવી ગઈ છે. જેમાં દર્શાવેલા નામો જોઇને પોલીસ અધિકારીઓની આંખો પણ ચાર થઇ ગઈ છે. આ ટોળકીએ જે સૌથી મોટો અને આંચકારૂપ ખુલાસો કર્યો છે એ અનુસાર ગુજરાતનાં કેટલાક ટોચનાં આઈપીએસ અને આઈએએસ અધિકારીઓનાં સંતાનોએ પણ મોંઘા ડ્રગ્સની ખરીદી કરી હોવાનો ધડાકો થયો છે. એટલે મોટા ઘરના સંતાનોના નામ બહાર ન આવે એ માટે લીપાપોતીની કવાયત અત્યારથી શરૂ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસ તપાસમાં બહાર આવ્યા મુજબ ગાંજાના વેચાણથી કાળી કારકિર્દી શરૂ કરી ડ્રગ્સના વેપલામાં પડી ગયેલા રાજુલાના આકાશ, કરણ અને ત્રીજા સાગ્રીત સહિતની ટોળકીએ અત્યાર સુધીમાં 50 થી વધુ રેવ પાર્ટીઓ યોજીને કરોડો રૂપિયાનો વેપલો કર્યો હોવાનું કહેવાય છે. ઈ-કોમર્સ વેબસાઈટ પરથી ડ્રગ્સનું ઓનલાઈન વેચાણ કરીને આ ટોળકીએ અસંખ્ય યુવાનો અને યુવતીઓને નશાનાં બંધાણી બનાવી દીધા છે. અનેક મોટા ઘરનાં સંતાનો ડ્રગ ટોળકીનાં શિકંજામાં સપડાઈને આર્થિક અને શારીરિક રીતે નિર્માલ્ય બની રહ્યા છે. આ ટોળકીઓનો વેપલો ગુજરાતભરમાં ચાલી રહ્યો છે. અમદાવાદનાં વસ્ત્રાપુરમાં આવેલા સંચારીય એપાર્ટમેન્ટમાંથી આખું ડ્રગ્સ નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું હતું. મુખ્ય આરોપી અને સુત્રધાર આકાશ વીંજાવા તથા સાહિલ શ્રીમાન અને બસીર સમા હાલ એટીએસની રિમાન્ડમાં છે.

અન્ય સાગ્રીત અને આકાશનાં ભાગીદાર કરણને શોધવા માટે રાજ્યભરમાં પોલીસ ટીમો મોકલવામાં આવી છે. આ ટોળકીની પહોંચ બહુ લાંબે સુધી પહોંચી ચુકી છે એવું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત સહિતનાં મહાનગરોની કોલેજો, હોસ્ટેલો, કાફે અને રેસ્ટોરાં જેવા સ્થળો પર આ ટોળકીનાં સાગ્રીતો અને ડ્રગ્સ પેડલરો સતત યુવાનો અને યુવતીઓનાં રૂપમાં શિકાર શોધતા રહે છે. એવું પણ બહાર આવ્યું છે કે, અમદાવાદનાં એસજી હાઈ-વે જેવા કોષ વિસ્તારોમાં આવેલા કાફેમાં અને રાજકોટની કેટલીક કોલેજ અને યુનિવર્સિટીની બહારનાં કાફેમાં ભમરાતા ડ્રગ્સ માફિયાનાં સાગ્રીતો શરૂઆતમાં યુવાનો અને યુવતીઓને મફત ડ્રગ્સ આપે છે. બાદમાં લત લાગી જાય એટલે યુવાનો પાસેથી નાણા ખંખેરી એમને ગમે તેમ કરીને ડ્રગ ખરીદવા મજબુર કરવામાં આવે છે. ડ્રગ્સનાં આ સમગ્ર નેટવર્કનું સૌથી ભયાનક પાસું એ રહ્યું છે કે, યુવતીઓને બંધાણી બનાવી દઈ એમનું દરેક રીતે શોષણ કરવામાં આવે છે. એકવાર લત લાગી જાય એટલે યુવતીઓ કોઈપણ પ્રકારની બાંધછોડ કરીને કોઈપણ રીતે ડ્રગ્સ મેળવવા તડપતી હોય છે. એકવાર શિકંજામાં આવી જાય બાદમાં જે યુવતીઓ ડ્રગ્સનાં નાણા ન ચુકવે એ તમામને સેક્સ રેકેટમાં ધકેલી દેવામાં આવે છે અને એમનું શારીરિક શોષણનું ચક્ર શરૂ થઇ જાય છે. હોટેલનાં રૂમો અને ફાર્મહાઉસમાં ડ્રગ્સ અને દારૂની બેફામ રેલમછેલ થતી રહે છે.

એવી ચોંકાવનારી વાત પણ બહાર આવી છે કે, ડ્રગ્સ ટોળકીઓ પાસેથી ડ્રગ્સ ખરીદનારાઓની યાદીમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ તથા આઈએએસ અધિકારીઓનાં કેટલાક સંતાનોનાં પણ નામ છે. સૌરાષ્ટ્રમાં ફરજ બજાવતા એક મહિલા મામલતદાર પણ ડ્રગ્સની ખરીદી કરતા હોવાનું બહાર આવ્યું છે. ઓનલાઈન ડ્રગ્સનાં વેચાણથી અત્યાર સુધીમાં 200 થી વધુ ગ્રાહકો નિયમિત ખરીદી કરતા હોવાનું આ ટોળકીએ કબુલ કર્યું છે. ઉચ્ચ અધિકારીઓનાં સંતાનોનાં નામ દબાવી દેવા માટે એટીએસનાં અધિકારીઓ જ ધંધે લાગી ગયા હોવાનું કહેવાય છે. પણ આ મામલો કોઈ સામાન્ય ગુનાખોરીનો નથી. દેશની ઉભરતી યુવા પેઢીને ઉગારવાનો મામલો છે. ગુજરાતમાં ઝડપથી ખૂણે-ખૂણે ડ્રગ્સ ટોળકીઓનું નેટવર્ક વિસ્તરી રહ્યું છે.

Read About Weather here

ડ્રગ્સનો વેપલો બેફામપણે ફૂલીફાલી રહ્યો છે અને દેશની બહુમૂલ્ય યુવા પેઢી તેનું સર્વસ્વ ગુમાવી રહી છે. આ માત્ર સામાન્ય ગુનાખોરીનો મુદ્દો નથી. આ ગુનાખોરીનાં નેટવર્કને ખૂબ જ ગંભીરતાથી લેવાની જરૂર છે અને ગુજરાતની યુવા પેઢીને શારીરિક અને આર્થિક રીતે ખોખલી કરી રહેલા ડ્રગ્સનાં સમગ્ર નેટવર્ક પર જનોઈ વઢ ઘા કરીને આખેઆખો નેટવર્ક નેસ્તનાબૂદ કરવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ યુધ્ધનાં ધોરણે બહુ મોટું ઓપરેશન હાથ ધરવું પડશે. માત્ર મોટા ઘરનાં સંતાનોને બચાવી લઈને સંતોષનો ઓડકાર ખાઇ લેવાથી મધ્યમ વર્ગનાં પરિવારો સાથે અન્યાય કરવા જેવું થશે. આખા નેટવર્કનો સફાયો કરીને ડ્રગ્સ લીલાનો શિકાર બની રહેલી ગુજરાતની ઉભરતી પેઢીને બચાવવા પોલીસ તેની તમામ તાકાત કામે લગાડે એ ઉચ્ચ અધિકારીઓએ સુનિશ્ચિત કરવું પડશે અને ડ્રગ્સનાં પુરેપુરા નેટવર્કને ખેદાન-મેદાન કરવું પડશે. શાળા અને કોલેજોની આસપાસ શિક્ષણ કાર્યનાં સમય દરમ્યાન સાદા વેશમાં પોલીસે બાતમીદારો ગોઠવવાનો સમય આવી ગયો છે. કારણ કે ડ્રગ્સ પેડલરોની શિકાર શોધવાની આ સૌથી ફેવરીટ જગ્યાઓ છે. જાગ્યા ત્યાંથી સવાર કરીને ઉચ્ચ પોલીસ અધિકારીઓનાં માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યની પોલીસ ડ્રગ્સ નેટવર્ક પર તૂટી પડે તેવી પ્રચંડ લોકલાગણી ઉભી થઇ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here