સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ: કેટલીક નદીઓમાં પુર

સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ: કેટલીક નદીઓમાં પુર
સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ: કેટલીક નદીઓમાં પુર
સૌરાષ્ટ્રમાં રાજકોટ શહેર અને જિલ્લાને બાદ કરતા અન્ય વિસ્તારોમાં ધીમેધીમે ચોમાસું જામી રહ્યું છે. આજે અમરેલી જિલ્લા, ગીર સોમનાથ, ભાવનગર, કચ્છ વગેરે જિલ્લાઓના સંખ્યાબંધ વિસ્તારોમાં દોઢથી બે ઇંચ જોરદાર વરસાદ પડ્યાનાં વાવડ છે. ભુજમાં દોઢ ઇંચ વરસાદ થયો છે. સાવરકુંડલા, બગસરા, ખાંભા અને ગ્રામ્ય પંથક જૂનાગઢ, ગીરનાર પર્વત પર ભારે વરસાદ થતા એકથી બે ઇંચ પાણી પડી ગયાનું નોંધાયું છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ચાલુ રહ્યો છે. આણંદમાં સૌથી વધુ પોણા ચાર ઇંચ પાણી પડ્યું હતું. સાવરકુંડલાની નાવલી નદી સહિત ગીર પંથકમાં સ્થાનિક નદીઓમાં પુર આવ્યા છે. રાજકોટમાં ખાલી મેઘાડંબર જોવા મળે છે. માત્ર ઝાપટું વરસ્યું છે. ગોંડલમાં પણ ઝરમર વરસાદ પડ્યો છે એ સિવાય હજુ રાજકોટ જિલ્લામાં મેઘરાજાની પૂરી કૃપા વરસી નથી.

Visit Saurashtra Kranti Homepage here

આજે સવારથી સાવરકુંડલા, ખાંભા અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. સાવરકુંડલામાં 1 કલાકમાં ધોધમાર બે ઇંચ પડી જતા નાવલી નદીમાં ભારે પુર આવ્યું છે. અમરેલી જિલ્લામાં અલગ- અલગ વિસ્તારોમાં સતત વરસાદ ચાલુ રહ્યો છે. આજે બગસરા, બાબરા, લાઠી, લીલીયામાં જોરદાર ઝાપટાં પડ્યા હતા. અમરેલીમાં વહેલી સવારથી વાતાવરણ બદલાયું હતું અને 15 મિનિટ જોરદાર વરસાદ થતા શહેરનાં માર્ગો જળબંબાકાર થઇ ગયા છે. ખાંભા પંથકમાં પોણા બે ઇંચ, સાવરકુંડલામાં પોણા બે ઇંચ વરસાદ 24 કલાકમાં થયો છે. ભાવનગર જિલ્લાનાં ગારીયાધાર અને જેસરમાં પણ એક ઇંચ વરસાદનાં વાવડ છે. ભાવનગર શહેર અને ઘોઘામાં હળવા ઝાપટાં પડ્યા હતા. ગોહિલવાડમાં ચોમાસું બેસી ગયું છે પણ સાર્વત્રિક વરસાદ હજુ થયો નથી. 24 કલાકમાં ગારીયાધારમાં એક ઇંચ, જેસરમાં એક ઇંચ વરસાદ થયો છે. ગીરગઢડા વિસ્તારમાં આજે બપોર બાદ વરસાદ તૂટી પડ્યો હતો અને એક ઇંચ પાણી પડતા રસ્તા પર પાણી ફરી વળ્યા હતા.

ગીરગઢડાનાં ગ્રામ્ય વિસ્તારો જરગલી, કેસરીયા, સીમાસી, આંબવડ, ભેભા, રાવણશી સહિતનાં અનેક ગામોમાં એકથી દોઢ ઇંચ પાણી પડી જતા ખેડૂતો ખુશખુશાલ થઇ ઉઠ્યા છે. ખાંભા પંથકમાં પણ નોંધપાત્ર વરસાદ થયો છે. જૂનાગઢ અને ગીરનાર પર્વત ઉપર પણ જોરદાર વરસાદ થયો છે.રાજકોટની આસપાસનાં ગોંડલ અને જસદણમાં ઝાપટાં વરસ્યા છે. ધોરાજીમાં પણ ઝાપટાં પડ્યા છે. રાજકોટમાં આજે સવારથી એકાએક મેઘાડંબર છવાયો હતો પણ વરસાદ જામ્યો નથી. અમૂક વિસ્તારોમાં ઝાપટાં પડ્યા હતા. આટકોટમાં આજે સવારથી વીજળીનાં કડાકા-ભડાકા સાથે જોરદાર વરસાદ થયો હતો. હજુ વધુ વરસાદ થવાની શક્યતા છે. ભાવનગર હાઈ-વે પર ભાદર નદીનાં પુલ પર વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે તકલીફ થઇ હતી. કચ્છનાં ભુજ શહેરમાં દોઢ ઇંચ વરસાદ થયો છે.

Read About Weather here

જસદણમાં એક ઇંચ, વિંછીયામાં અડધો ઇંચ અને ઝાલાવાડનાં મૂડી તથા સાયલામાં અડધો- અડધો ઇંચ વરસાદ થયો છે. ડાંગ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામી ગયો છે. સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં જોરદાર મેઘસવારી આજે પણ યથાવત રહી હતી. આણંદમાં પોણા ચાર ઇંચ પાણી પડી ગયું હતું. પરિણામે રાજમાર્ગો પર નદીઓની જેમ પાણી વહેવા લાગ્યું હતું. એનડીઆરએફની ટીમો સજ્જ કરવામાં આવી છે. મહીસાગર જિલ્લામાં ઝંઝાવાતી પવન સાથે જોરદાર વરસાદ તૂટી પડ્યો છે. ભારે પવનથી 25 વીજ થાંભલા અને વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતા. આ રીતે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ જમાવટ કરી છે પણ સૌરાષ્ટ્ર અને ઉતર ગુજરાતમાં છુટાછવાયા વરસાદ સિવાય મેહુલ્યો મન મુકીને વરસતો ન હોવાથી લોકોમાં અને ખાસ કરીને ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રસરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here