શહેર ભાજપ સંગઠનમાં ફેરફાર કે પછી…??

શહેર ભાજપ સંગઠનમાં ફેરફાર કે પછી…??
શહેર ભાજપ સંગઠનમાં ફેરફાર કે પછી…??

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલ કાલે રાજકોટમાં
પાટીલ સાથે શહેર ભાજપના અપેક્ષિત કાર્યકર્તાઓની બેઠક
વિધાનસભાની ચૂંટણીઓ નજીક હોવાથી હાલ સંગઠનમાં કામચલાઉ યુધ્ધ વિરામ કરાવવાની વ્યૂહરચના અમલમાં મુકાય તેવી શક્યતા, પરિણામો બાદ નેતાગીરી: શહેર સંગઠનમાં ભૂકંપ આવે તેવા મોટા ફેરફારો કરે તેવી શક્યતા જોતા જાણકારો


ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાનારી છે. ત્યારે ચૂંટણીઓ પહેલા સૌથી વધુ શિસ્તબધ્ધ કહેવાતા ભાજપનાં રાજકોટ યુનિટને અસંતોષ, જુથવાદ, આંતરિક ટાંટિયાખેંચ જેવી રાજકીય મહામારીએ કબ્જે લઇ લેતા ભાજપની પ્રદેશ નેતાગીરી દોડતી થઇ ગઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ સંગઠનમાં લાગેલી આગને બુઝાવી દેવા માટે ખૂદ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ મામલો હાથમાં લઇ રહ્યા છે. એ સ્પષ્ટ બન્યું છે. તેઓ આવતી કાલે રાજકોટ આવી રહ્યા છે અને કેટલીક મહત્વની બેઠકોમાં તેમજ પક્ષનાં કાર્યકરોનાં ઘરે યોજાયેલા કેટલાક શુભ પ્રસંગોમાં પણ હાજરી આપશે.

એવું ભાજપનાં સ્થાનિક વર્તુળોએ જણાવ્યું છે. એમની મુલાકાત દરમ્યાન રાજકોટ ભાજપનાં વેરવિખેર થતા જતા માળખાનાં રીપેરીંગ માટે પ્રદેશ પ્રમુખ હાલ તુરંત સમજાવટથી કામ લે તેવું માનવામાં આવે છે.

તેઓ અગાઉ પણ એવો સ્પષ્ટ સંકેત આપી ચૂક્યા છે કે અત્યારે ભાજપનાં તમામ એકમોએ આવનારી ચૂંટણીઓ પર ધ્યાન આપવાનું છે. આંતરિક મતભેદો ભૂલીને ચૂંટણીઓ માટે સજ્જ થઇ તમામ સ્તરનાં નેતાઓ અને કાર્યકરોએ કામે ચડી જવાનું છે.

પાટીલે સલાહ આપી દીધી છે કે બધું ભૂલીને પક્ષનાં હિતમાં આપણે આગળ વધવાનું વિચારવું જોઈએ.પાટીલનાં સૂચક વિધાનો પરથી રાજકીય નિરીક્ષકો એવો અભિપ્રાય માંગી રહ્યા છે

કે રાજકોટ ભાજપ હોય કે અન્ય કોઈ યુનિટ આંતરિક બખેડો શાંત કરવા માટે પક્ષ પ્રમુખ હાલ તુરંત કોઈ સટાસટી નહી કરે પણ સમજાવટથી કામ લેશે. હાલ કોઈ ફેરફારો કે હોદ્દાઓની ઉથલપાથલની શક્યતાઓ નજરે ચડતી નથી.

અત્યારે પ્રદેશ નેતાગીરીનું તમામ ધ્યાન વિધાનસભાની ચૂંટણીઓમાં ફરી એક વખત ભવ્ય વિજય પ્રાપ્ત કરવા પર લાગ્યું છે. એ દ્રષ્ટિએ હાલ કડક પગલાની લોખંડી હાથે સાવરણી ફેરવી દેવાને બદલે પ્રદેશ પ્રમુખ લડતા ઝગડતા જૂથોને સાનમાં સમજી જવાની તાકીદ કરે એવું રાજકીય સુત્રો કહી રહ્યા છે.

જો કે ચૂંટણીઓનાં પરિણામો આવી જાય એ પછી ફરીથી પક્ષનું પ્રદેશ મવડી મંડળ પરિણામો કેવા રહ્યા, કઈ બેઠક ગુમાવી કઈ મેળવી, જ્યાં પરાજય થયો ત્યાં સંગઠનમાંથી કોઈ જવાબદાર છે કે કેમ, કોઈ પક્ષ વિરોધી પ્રવૃત્તિ અંદરખાને થઇ છે કે કેમ એવા તમામ મુદ્દાઓનું પોસ્ટમોટર્મ કરશે.

પરિણામોની સઘન સમીક્ષા કર્યા બાદ આકરા પગલાનો દૌર આવી જાય એવું માનવામાં આવી રહ્યું છે. સમીક્ષા અને પરિણામોનાં પોસ્ટમોટર્મનાં આધારે પક્ષનાં મોવડીઓ જે દોષિત લાગે તેને હોદ્દા પરથી પાણીચું આપી શકે છે.

એટલે જ અત્યારે મોટા ફેરફારો કરીને સંગઠનને ઉપરતળે કરવાનો કોઈ સંકેત પક્ષનાં મોવડી મંડળે આપ્યો નથી.પરિસ્થિતિનું આ મૂલ્યાંકન કરતા એવું લાગે છે કે રાજકોટમાં ભાજપનાં અપેક્ષિત કાર્યકરો સાથે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જે બેઠક કરી છે એ રાજકીય રીતે સૂચક અને મહત્વની માનવામાં આવે છે.

આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ તડ અને ફડ કરવાને બદલે સમજી જવાની છેલ્લી તક આપી શકે છે. પ્રદેશ પ્રમુખ આડકતરી રીતે પણ મનમાં સમજી જવાય એવો સ્પષ્ટ સંકેત આપશે કે માર્ગ બદલી નાખવો નહીતર તમારો માર્ગ બદલાય જશે.

આ વ્યૂહરચના જોતા હાલ તુરંત રાજકોટ સંગઠનમાં પણ તાત્કાલિક કોઈ ફેરફારો થશે નહીં. તમામ જૂથોને હાલ તુરંત હથિયાર હેઠા મૂકી દેવાનું કહેવાશે. પરંતુ ચૂંટણીઓ પછી ચોક્કસપણે રાજકોટ ભાજપમાં અનેક માથાને વધેરી દેવામાં આવે અને નવા નેતૃત્વને કમાન સોંપવામાં આવે તે નક્કી માનવામાં આવે છે.

આવતીકાલે ભાજપનાં પ્રદેશ વડાની બેઠકો બાદ નેતાગીરીનાં મનમાં શું રમે છે તેનો સંકેત મળી જશે. પરિવર્તન જરૂર થશે પણ યોગ્ય સમયે અને મોકો જોઇને કરવામાં આવે એવું ચિત્ર ઉપસી રહ્યું છે.

આગામી દિવસો ભાજપનાં સ્થાનિક રાજકારણને લાગે વળગે છે ત્યાં સુધી ખૂબ જ રસપ્રદ અને રોમાંચક બની રહેશે એ નક્કી છે. ત્યાં સુધી સ્થાનિક સંગઠન પદાધિકારીઓ કામચલાઉ રાહતનો શ્વાસ લઇ શકે છે.

આવતીકાલે તા.20ને શનિવારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સાથે શહેર ભાજપના અપેક્ષીત શ્રેણીના કાર્યકર્તાઓની બેઠક શહેરના હેમુ ગઢવી હોલ, મીની થીયેટર ખાતે બપોરે 3 કલાકે રાખવામાં આવેલ છે.

આ બેઠકમાં સી.આર.પાટીલ પાર્ટીના આગામી કાર્યક્રમો તેમજ પાર્ટીના સંગઠનને વધુ મજબુત બનાવવા વિશે ઉપસ્થિત કાર્યકર્તાઓને વિશેષ માર્ગદર્શન પુરૂ પાડશે.

Read About Weather here

આ બેઠકમાં અપેક્ષીત શ્રેણીના કાર્યકર્તાઓને સમયસર ઉપસ્થિત રહેવા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરે અનુરોધ કર્યો છે.(1.7)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here