રાધનપુર-સામખીયાળી હાઈ-વે શું ટોલ ઉઘરાવવાને લાયક ખરો?

રાધનપુર-સામખીયાળી હાઈ-વે શું ટોલ ઉઘરાવવાને લાયક ખરો?
રાધનપુર-સામખીયાળી હાઈ-વે શું ટોલ ઉઘરાવવાને લાયક ખરો?

આખા રાષ્ટ્રીય ધોરી માર્ગ પર ઠેર-ઠેર મસમોટા ખાડા, મેઈન્ટેનન્સ કાર્ય ઝીરો
દરરોજ ઢગલા મોઢે અકસ્માતો, વાહનોની બગડી જતી દશા છતાં નીંભર તંત્રનું ભેદી મૌન
ખરાબ, ભંગાર અને તંત્રનાં માથે કાળી ટીલી જેવા રસ્તાની મહેરબાનીથી એક નહીં બલ્કે ત્રણ-ત્રણ ગેરેજ સંચાલકોને મળી રહ્યો છે ધમધોકાર ધંધો…!!
આખા હાઈ-વે પર ઢગલાબંધ સ્પીડ બ્રેકર પર કલર જ કરાયો નથી!
ડિવાઈડર પર ધૂળનું સામ્રાજ્ય, વાહન ચાલકો માટે રાત્રે જરૂરી રેડીયમ લાઈટ પણ અલોપ…!!
હાઈ-વે ઓથોરીટી અને જવાબદાર તંત્રને રસ્તો સમારવાને બદલે નાણાં ઉઘરાવવામાં જ રસ!
કચ્છ, ગુજરાત અને છેક દિલ્હીને જોડતા મહત્વનાં હાઈ-વે ની ગંભીર દુર્દશા છતાં તંત્રનાં પેટનું પાણી હલતું નથી

ગુજરાતને કચ્છ સાથે જોડતા અને છેક દિલ્હી સુધીનો વાહન વ્યવહારનો સેતુ બનેલા રાજ્યનાં એક અતિ મહત્વપૂર્ણ વ્યુહાત્મક રાષ્ટ્રીય હાઈ-વે રાધનપુર- સામખીયાળી રોડ પરથી પસાર થવું એટલે નર્કમાંથી પસાર થવું.

Visit Saurashtra Kranti Homepage here

એવો કપરો અને કડવો અનુભવ દરરોજ હજારો વાહન ચાલકોને થઇ રહ્યો છે. આ રાષ્ટ્રીય હાઈ-વે હોવા છતાં તેની એટલી બધી ખરાબ દશા થઇ ગઈ છે કે, રોડની હાલતનો અંદાજ મેળવવા ત્યાંથી વાહન લઈને પસાર થવું પડે નહિતર શબ્દોમાં તેની અવદશાનું ચિત્રણ કરવું મુશ્કેલ છે.

મોટા-મોટા ખાડાઓ, ચારેતરફ ધૂળ અને કાંકરીનું સામ્રાજ્ય, ડિવાઈડર પર ધૂળનાં થર અને સુકાઈને ખરી પડેલા વૃક્ષો, ધોળે દિવસે પણ ન જોઈ શકાય એવા આડેધડ બનાવેલા સ્પીડબ્રેકર અને રાત્રે રેડીયમ લાઈટનાં અભાવથી આવો મહત્વનો હાઈ-વે વાહન ચાલકો માટે એક ગંભીર સમસ્યા બનીને રહી ગયો છે.

કેમકે હરપળે જીવલેણ અકસ્માતનો ખતરો મમાથા પર ઝળુંબતો રહે છે. પસાર થતા વાહનોનાં ક્યાં સ્પેર પાર્ટ ક્યારે છુટા પડી જાય એ જ નક્કી હોતું નથી. રસ્તાની ભયાનક અવદશાનો અંદાજો એ હકીકત પરથી આવી જાય છે કે આ એક રોડ પર વાહન રીપેરીંગનાં એક નહીં બલ્કે ત્રણ-ત્રણ ઓટો ગેરેજ ધમધમી રહ્યા છે.

અહીંથી પસાર થતા વાહન ચાલકોને દરરોજ અતિશય હાડમારી અને હેરાનગતિનાં અનુભવ થાય છે. તેનું કારણ એ છે કે, માર્ગનાં નિભાવની અને જાળવણીની જવાબદારી ધરાવનારા હાઈ-વે સતામંડળ અને લાગતા વળગતા સરકારી તંત્રને ભંગાર, બિસ્માર અને જીર્ણસીર્ણ થયેલા હાઈ-વે નાં સમારકામની કોઈ પડી નથી.

એમને તો માત્ર ટોલનાકે નાણા ઉઘરાવવામાં જ રસ છે. એમને રસ્તાની કોઈ પરવાહ નથી. તંત્ર કહે છે કે, અમારા ખિસ્સા તો છલકાઈ જાય છે. લોકો જાય જહન્નમમાં!અહીંથી પસાર થતા વાહન ચાલકો તરફથી રસ્તાની ગંભીર દુર્દશા અને તંત્રની ગુનાહિત બેદરકારીની સિલસિલા બંધ વિગતો મળી છે.

જે સાંભળીને આપણને ચક્કર આવી જાય. જાણવા મળ્યું છે કે, આખા હાઈ-વે પર મહાકાય ખાડાઓએ કબ્જો જમાવી લીધો છે. જેમાંથી પસાર થવામાં વાહન ચાલકોને નાકે દમ આવી જાય છે. ઠેકઠેકાણે બેફામપણે અને કોઈ ગણતરી વિના સ્પીડબ્રેકર ઉભા કરી દેવાયા છે

પણ એકય સ્પીડબ્રેકર પર કલરનાં પટ્ટા કરવામાં આવ્યા નથી. જેના કારણે રાત્રે તો ઠીક દિવસે પણ સ્પીડબ્રેકર નજરે ચડતા નથી અને તંત્રનાં પાપે એ કારણે પણ અકસ્માતો સર્જાય જતા હોય છે. ડિવાઈડરમાં ધૂળ અને કચરો જ ભરેલા હોય છે.

તેની પણ સાફસુફી કરવામાં આવતી નથી. રાષ્ટ્રીય હોય કે રાજકીય ધોરીમાર્ગ તેમાં વચ્ચે ડિવાઈડર પર લીલાછમ વૃક્ષો ઉગાડવાનું ફરજીયાત હોય છે. આ નિયમનાં પણ અહીં ધજાગરા ઉડાવી દેવામાં આવ્યા છે. કેમકે અહીં ડિવાઈડર પર વાવવામાં આવેલા વૃક્ષો સારસંભાળને અભાવે મુરજાઇ ગયા છે.

નિયમિત પાણી પાવવામાં ન હોવાથી અહીં વાવવામાં આવેલા જાતજાતનાં વૃક્ષો અને પુષ્પોની કલમો અકાળે મૃત્યુને ભેટ્યા છે. કચરો, સુકાયેલા પાંદડા, ધૂળની કાંકરીઓ પવનથી ઉડી-ઉડીને ખરાબ રસ્તાને વધુ કદરૂપો બનાવી રહ્યા છે.

છતાં કોઈપણ જાતની સાફસફાઈ, મરામત કે મેઈન્ટેનન્સ કરવામાં આવતા નથી. આખા હાઈ-વે પર એક નહીં ત્રણ-ત્રણ ટોલનાકા ખડકી દેવામાં આવ્યા છે. કેમકે આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ હોવાથી ગુજરાત, કચ્છનાં લોકોની છેક દિલ્હી અને ઉતરભારત સુધી અવરજવર રહે છે.

રોજ હજારો વાહનો કોમર્શીયલ અને પ્રાઇવેટ અહિયાંથી પસાર થાય છે. એટલે ટોલનાકાઓની તિજોરીઓ સતત છલકાતી રહે છે અને ફાટ-ફાટ થતી રહે છે. પણ આમાંથી એકપણ રૂપિયો રસ્તાની સુધારણા માટે વાપરવામાં આવતો નથી. એવી લોકોની ગંભીર ફરિયાદ છે.

બિસ્માર રસ્તાને કારણે અકસ્માતો થવા એ સામાન્ય છે. ફોર વ્હીલર વાહન એ ગમે તેટલું ઉચ્ચ ગુણવત્તાનું કે સારી કંપનીનું હોય તો પણ આ રસ્તા પર તેની હવા નીકળી જાય છે. કેમકે મહાકાય ખાડાઓને કારણે એવું બનતું હોય છે કે, ઘણી વખત વાહનોમાં ભાંગતૂટ થઇ જાય છે.

રેડીયેટર તૂટી પડતા હોય છે. ટાયરમાં પંચર થઇ જવા તો સામાન્ય છે. એ કારણે અહીં ગેરેજવાળાઓનો ધંધો એટલો પુરબહાર ચાલે છે કે, એક નહીં ત્રણ-ત્રણ ગેરેજ અહિયાં ઉભા થઇ ગયા છે અને એમનો ધંધો રાત-દિવસ ધમધોકાર ચાલે છે.

ખરાબ સ્પીડબ્રેકર અને ખાડાને કારણે ઘણીવખત કારની ચેમ્બર પણ તૂટી પડે છે અને ભારે નુકશાન સહન કરવું પડે છે. અમે ગેરેજવાળાઓને મળ્યા તો મુછમાં મલકાઈને કહેતા સંભળાયા હતા કે, આ હાઈ-વે અત્યંત ખરાબ દશામાં છે એટલે જ અમારા ધંધા પુરપાટ દોડી રહ્યા છે.

અમારા સરકારને પુરા આશિર્વાદ મળશે. કેમકે વાહનોની ગતિ થંભી ગઈ છે પણ અમારા ગેરેજનો ધંધો પુરબહારમાં આગળ દોડી રહ્યો છે. ગેરેજવાળાનાં વિધાનો પરથી પણ સમજી શકાય છે કે, રાજ્યનાં આ મહત્વનાં હાઈ-વે ને ચિંથરેહાલ બનાવી દેવાયા છે.

પણ હાઈ-વે ઓથોરીટીને નાણા ઉઘરાવવા સિવાય બીજી કોઈ વાતમાં રસ પડતો નથી. ટોલનાકાઓ પર જનસુવિધાનાં નામે મીંડું જોવા મળ્યું છે. કેમકે આ તો લાંબો અને મહત્વનો હાઈ-વે હોય તો ટોલનાકા પર જનસુવિધાઓ પણ રાખવી પડે છે.

જેનો અહીં ત્રણેય ત્રણ ટોલનાકા પર સ્પષ્ટ અભાવ જોવા મળ્યો છે. ઘણીવખત કાર કે અન્ય ભારેખમ મોટા વાહનો લઈને પરિવાર સાથે નીકળતા લોકોને અસહ્ય પરેશાનીમાં મુકાઇ જવાતું હોય છે. પીવાના પાણીની પણ વ્યવસ્થા હોતી નથી.

નિષ્ઠુર અને બેદરકાર તંત્ર પાસેથી આપણે બીજી કઈ અપેક્ષા રાખી શકીએ. સરવાળે રાધનપુર- સામખીયાળી હાઈ-વે પરથી એકવાર પસાર થનાર વ્યક્તિ એટલો બધો પરેશાન અને પીડિત થઇ જાય છે કે, ફરી આ હાઈ-વે પરથી કદી નહીં પસાર થવાના સોગંધ ખાઈ લે છે.

હાઈ-વે ઓથોરીટીનાં ઉચ્ચ સતાવાડાઓ અને જવાબદાર તંત્ર વાહકો એકવાર વાહન લઈને આ રોડ પરથી નીકળે તો એમની આંખે પણ અંધારા આવી જશે અને જો મનમાં અને હૃદયમાં રામ વસે તો કદાચ હાઈ-વે ની વિકૃત થઇ ગયેલી આકૃતિ સુધારવા અને સમારવાની કામગીરી શરૂ થઇ જશે.

કહેવાય છે કે, આશા અમર છે અને ભારતની ભોળી જનતા આશાનો પાલવ કદી છોડતી નથી.લાગે છે કે, કોઈ નિર્દોષોની જાનહાની થાય એ પછી જ તંત્રને સમારકામ કરવાની બુધ્ધિ આવશે.

Read About Weather here

લોકોમાં માંગણી થઇ રહી છે કે, જીવલેણ અકસ્માત સર્જાય તે પહેલા ટોલનાકાની તિજોરીમાંથી માથું ઉચું કરીને તંત્રવાહકો રસ્તા પર નજર દોડાવે અને હાઈ-વે ને ચકચકીત કરવાની ફરજ બજાવવા તરફ ધ્યાન આપે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here