રાજકોટ સહિત 4 સમૃધ્ધ સંપન્ન જિલ્લાઓમાં 101 શાળાઓમાં શિક્ષક માત્ર 1…!!

રાજકોટ સહિત 4 સમૃધ્ધ સંપન્ન જિલ્લાઓમાં 101 શાળાઓમાં શિક્ષક માત્ર 1…!!
રાજકોટ સહિત 4 સમૃધ્ધ સંપન્ન જિલ્લાઓમાં 101 શાળાઓમાં શિક્ષક માત્ર 1…!!

આમાં કઈ રીતે ભણે ગુજરાત?!!
સુરત જિલ્લામાં 43, વડોદરા જી.માં 38 અને રાજકોટ જિલ્લાઓમાં 16 શાળાઓમાં તમામ વર્ગો માટે માત્ર એક જ શિક્ષક!
વિધાનસભામાં રાજ્ય સરકારે રજૂ કરેલી માહિતીનાં ચોકાવનારા આંકડા
સૌથી વધુ કચ્છ જિલ્લામાં 100 શાળાઓમાં એક જ શિક્ષક
રાજ્યની 700 જેટલી પ્રાથમિક શાળાઓમાં એક જ શિક્ષકથી ગાડું ગબડાવાય છે

ગુજરાતમાં શિક્ષણ અભિયાન વેગ પકડી રહ્યું છે અને ભણે ગુજરાતનાં નારા લગાવવામાં આવી રહ્યા છે. ત્યારે સરકાર સંચાલિત પ્રાથમિક શિક્ષણની દશા કેવી છે? તે દર્શાવતા ચોંકાવી દેનારા આંકડા વિધાનસભામાં ખૂદ રાજ્ય સરકારે જાહેર કર્યા છે. ગઈકાલે પ્રશ્નોતરી કલાક દરમિયાન સરકારે ગૃહમાં મુકેલા ડેટા મુજબ ગુજરાતમાં 700 જેટલી સરકારી પ્રાથમિક શાળાઓમાં માત્ર એક જ શિક્ષક ઉપલબ્ધ છે. સમૃધ્ધ અને વિકસિત ગણાતા રાજકોટ સહિતનાં કેટલાક જિલ્લાઓમાં પણ એક જ શિક્ષક હોય એવી શાળાઓની યાદી સરકારી જાહેર કરતા સરકાર સંચાલિત શિક્ષણની અધોગતિનો ખ્યાલ આવી જાય છે. માત્ર એક શિક્ષકથી ચાલતી સૌથી વધુ શાળામાં કચ્છ જિલ્લામાં છે.
રાજ્ય સરકારે આપેલા આંકડા મુજબ સરકાર સંચાલિત આવી 700 શાળાઓમાં ધો- 1 થી 8 નાં વર્ગોમાં બેસતા વિદ્યાર્થીઓને માત્ર એક શિક્ષક શિક્ષણ આપે છે એ કઈ રીતે શક્ય બનતું હશે? સિંગલ ટીચર શાળાઓની યાદીમાં સૌથી આગળ કચ્છ જિલ્લો છે. જ્યાં આવી 100 શાળાઓ છે. એ પછી આદિવાસી પટ્ટાનાં મહીસાગર જિલ્લામાં 74 અને તાપી જિલ્લામાં 59 શાળાઓમાં એક જ શિક્ષક 8 વર્ગોમાં ભણાવે છે.

Visit Saurashtra Kranti Homepage here

આશ્ચર્યની બાબત એ છે કે, સૌથી વધુ શહેરી વસ્તી ધરાવતા અને ખૂબ જ વિકસિત ગણાતા રાજકોટ સહિતનાં 4 જિલ્લાઓમાં પણ આવી શાળાનું અસ્તિત્વ છે. સૌથી વધુ સુરત જિલ્લામાં 43, વડોદરા જિલ્લામાં 38, રાજકોટ જિલ્લામાં 16 અને અમદાવાદ જિલ્લામાં 4 શાળાઓ એવી છે જ્યાં એક જ શિક્ષકથી ગાડું ગબડાવવામાં આવી રહ્યું છે. અપયશ ભરી આ યાદીમાં માત્ર ખેડા અને ભાવનગર જિલ્લાઓનાં નામ નથી. અહીં એક શિક્ષક હોય એવી એકપણ શાળા નથી.

વિપક્ષી કોંગ્રેસ પક્ષનાં સભ્યોએ સરકારી પ્રાથમિક શાળાઓની અવદશા અંગે સરકાર પર માછલા ધોતા એવો તીખો સવાલ કર્યો હતો કે, ધો- 1 થી 8 સુધીનાં વર્ગો હોય ત્યાં અનેક વિષયનો અભ્યાસ પણ કરાવવાનો હોય, સેંકડો વિદ્યાર્થીઓ હોય ત્યારે માત્ર એક શિક્ષક કઈ રીતે તમામ વર્ગોમાં તમામ વિષય ભણાવી શકે?વિપક્ષી સવાલોનાં જવાબમાં રાજ્ય સરકાર તરફથી જવાબ આપતા શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, નિવૃત્તિ, મૃત્યુ અને બદલીઓને કારણે કેટલાક જિલ્લાઓમાં આવી પરિસ્થિતિ સર્જાઈ છે. શક્ય તેટલી જલ્દી તે તમામ શાળાઓમાં નવા શિક્ષકોની ભરતી કરવામાં આવશે.

કોંગ્રેસનાં લલિત કગથરાએ ગૃહમાં એવો દાવો કર્યો હતો કે, ભાજપનાં પ્રદેશ ઉપપ્રમુખ જયંતી કવાડિયાનાં વતનનાં ગામ હળવદ તાલુકાનાં ઘનશ્યામ ગઢમાં તો એકપણ શિક્ષક ન હોવાથી પ્રાથમિક શાળાને તાળા મારી દેવાયા છે. એ જ રીતે રાજકોટ પાસેનાં થોરાળા ગામમાં આવેલી શાળામાં પણ એકય શિક્ષક નથી. આ ગામ પણ રાજ્યનાં શ્રમમંત્રી બ્રિજેશ મેરજાનું વતન છે. શિક્ષણમંત્રી વાઘાણીએ એવો ખુલાસો કર્યો હતો કે, સરકારને આવી કોઈ માહિતી મળી નથી. શાળા બંધ થઇ ગયાની વાત સાચી લાગતી નથી.

Read About Weather here

સરકારે ગૃહમાં એવી પણ માહિતી આપી હતી કે, રાજ્યમાં સરકાર સંચાલિત 86 પ્રાથમિક શાળાઓ બંધ થઇ ગઈ છે અન્ય 491 શાળાઓનું મર્જર કરવામાં આવ્યું છે. એટલે કે એક શાળાને બીજી શાળા સાથે જોડી દેવામાં આવી છે. રાજ્યમાં અત્યારે કેળવણી નિરીક્ષકની 563 જગ્યાઓ ખાલી છે. માત્ર 30 જગ્યાઓ ભરાયેલી છે. 17 જિલ્લાઓમાં એકપણ કેળવણી નિરીક્ષક નથી. તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની પણ 93 જગ્યાઓ ખાલી છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here