રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ વિરૂધ્ધ બળજબરીની વધુ એક ગંભીર ફરિયાદ

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ વિરૂધ્ધ બળજબરીની વધુ એક ગંભીર ફરિયાદ
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ વિરૂધ્ધ બળજબરીની વધુ એક ગંભીર ફરિયાદ

જામનગર રહેતા અરજદાર દ્વારા જિલ્લા પોલીસવડા અને મુખ્યમંત્રી સુધી લેખિત રજૂઆત
આરોપી સામે કાર્યવાહી કરવાને બદલે ફરિયાદીને જામનગરથી ઉઠાવી લાવી કોરા કાગળ પર અને ચોપડામાં સહીઓ કરાવી લીધાનો અરજદારનો ગંભીર આક્ષેપ
જમીન ખરીદવા જનાર ફરિયાદીએ પોલીસનું ધ્યાન દોરવા જતા સર્વસ્વ ગુમાવી દીધાનો વધુ એક ચોંકાવનારો કિસ્સો: મુખ્યમંત્રી પાસે ન્યાય મેળવવા ધા નાખતો

છેલ્લા કેટલાક સમયથી પોલીસ કમિશનર તોડકાંડને પગલે ભારે વિવાદોમાં ઘેરાયેલી રાજકોટ શહેર પોલીસની ક્રાઈમ બ્રાન્ચ વિરધ્ધ જામનગરનાં એક અરજદારે ગંભીર ગેરરીતિ અને બળજબરી આચરી પોતે ફરિયાદી હોવા છતાં આરોપી જેવું વર્તન કર્યાની લેખિત રજૂઆત કરી આક્ષેપો કરતા ભારે ખળભળાટ મચી ગયો છે. રાજકોટ જિલ્લા પોલીસ અધિક્ષકથી માંડીને છેક મુખ્યમંત્રી સુધી લેખિત રજૂઆત કરીને જામનગર રહેતા અરજદારે એવી ગંભીર ફરિયાદ કરી છે કે, પોતે ખરીદેલી લોધિકા તાલુકામાં આવેલી જમીનનો દસ્તાવેજ કરાવી આપવાને બદલે સામાવાળાની તરફેણ કરીને ક્રાઈમ બ્રાન્ચની ટીમ પોતાને બળજબરીથી જામનગરથી ઉઠાવી લાવી હતી અને કોરા કાગળો તથા ચોપડામાં સહીઓ કરાવી લીધી હતી. જામનગરનાં આ અરજદારે જરૂરી કાર્યવાહી કરી પોતાને ન્યાય અપાવવા મુખ્યમંત્રીનાં દરબારમાં ધા નાખી છે. આ રીતે શહેર ક્રાઈમ બ્રાન્ચ સામે આવી એક વધુ ફરિયાદ થતા પોલીસ બેડામાં સન્નાટો પ્રસરી ગયો છે.

Visit Saurashtra Kranti Homepage here

આ સમગ્ર પ્રકરણની વિગત એવી છે કે, અરજદાર કુમારભાઈ પ્રવિણભાઈ કુંભરવડીયા જામનગરમાં રવિ પાર્ક સોસાયટી ગુલાબનગર પાસે રહે છે. અરજદારે જિલ્લા પોલીસ અધિક્ષક અને મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી આક્ષેપો કર્યા છે કે, અમો જામનગર પરિવાર સાથે રહીએ છીએ. ગત 2013 નાં વર્ષમાં અમે રાજકોટ જિલ્લાનાં લોધિકા તાલુકાનાં સર્વે નં.137 ની બીડ તરીકે ઓળખાતી જમીન જેના નવા સર્વે નં.412 છે. તે ખરીદ કરવા અમે જમીન માલિકને ટુકડે-ટુકડે રૂ.21,51,151 જેટલી રકમ ગત તા.8/2/2013નાં રોજ ચૂકવી દીધી હતી. બાકી રહેતી રકમ ચુકવવા અમો લેખિત કરાર મુજબ તૈયાર હતા. પરંતુ વેચનાર મલિકે પારિવારિક પ્રશ્ર્નોનાં બહાના બતાવી થોડા દિવસ બાદ દસ્તાવેજ કરી આપવાનું કહ્યું હતું. એ સતત બહાના કાઢીને દસ્તાવેજ કરતા ન હતા.

અરજદારે અરજીમાં દર્શાવ્યું છે કે, જમીન માલિકનાં ગલ્લા-તલ્લાથી કંટાળીને છેવટે અમે રાજકોટ રૂરલ પોલીસવડાની કચેરીમાં ગત તા.17/12/2016 નાં રોજ ફરિયાદ કરી હતી. એ ફરિયાદ હજુ શાપર પોલીસ સ્ટેશનમાં પેન્ડીંગ છે. દરમ્યાન ગત 2018 માં જમીનનાં માલિક ભીખાભાઈ પાંચાભાઈ પુંજાણીએ એ જમીન ત્રાહિત વ્યક્તિને વેચી નાખવા પેરવી શરૂ કરી હતી. આ બાબતે 12/1/2018 નાં રોજ અખબારમાં જાહેર નોટીસ પ્રસિધ્ધ કરાવી હતી. આથી અમે શાપર પોલીસ સ્ટેશન અને સબ રજીસ્ટ્રાર કચેરી લોધિકાને પણ લેખિત જાણ કરી દીધી હતી. ત્યારબાદ અમે માલિકને પણ મળ્યા હતા અને દસ્તાવેજ કરાવી દેવા વિનંતી કરી હતી પણ મલિકે તમને જમીન વેચવી નથી અને દસ્તાવેજ નહીં કરી આપીએ એવો ઉડાઉ જવાબ આપ્યો હતો. અરજદારે કુમારભાઈએ દર્શાવ્યું હતું કે, એ જમીનનો ભાવ 2021 માં ખૂબ વધી ગયો હતો. આથી સામાવાળા ભીખાભાઈ અન્યને ઉંચા ભાવે જમીન વેચી દેવા પેરવી કરી રહ્યા હતા.

કેટલાય લોકોએ અમારા સગા-વ્હાલા દ્વારા જમીન ખરીદવા અમારો સંપર્ક કર્યો હતો. અમારા પર દબાણ થઇ રહ્યું હતું. પણ અમે તાબે થયા ન હતા. અરજદારે અરજીમાં સાફ જણાવ્યું હતું કે, ગત 23 સપ્ટેમ્બર 2021 નાં રોજ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચનાં અધિકારીઓ જામનગર અમારા નિવાસી સ્થાને આવ્યા હતા અને રાત્રે 8 વાગ્યાનાં સુમારે ઘરેથી બળજબરી પૂર્વક કાળા રંગની સ્કોર્પિયો કારમાં બેસાડી ઉઠાવી ગયા હતા. અમારા ઘરે લાગેલા કેમેરાનાં ડીવીઆરને પણ ઉઠાવી ગયા હતા. અમોને રાજકોટ પોલીસ કમિશનર કચેરી લાવ્યા હતા અને જમીનનો સાટાખત રદ કરવા દબાણ કરવા લાગ્યા હતા. અમે ના પાડતા અમોને અપશબ્દો બોલી ખોટા ગુનામાં ફીટ કરી દઈ જેલ ભેગા કરવાની ધમકી આપવા લાગ્યા હતા. મોડી રાત્રીનાં સમયે અમોને ત્યાં આવેલ એક લોકઅપમાં બંધ કરી દીધા હતા. અરજદારે સિલસિલાબંધ ફરિયાદ કરતા જણાવ્યું હતું કે, બીજા દિવસે બપોરે અમોને પોલીસ કમિશનર કચેરી ઓફીસમાં લઇ ગયા હતા.

જ્યાં પોલીસ કમિશનરે અમોને કહ્યું હતું કે, તને જમીન ખરીદનાર પૈસા આપતી હતી તો લઇ લેવામાં શું તકલીફ થતી હતી. આવું કહી અપશબ્દો બોલીને ધમકાવતા મને કહ્યું કે તને પૈસા પણ નથી આપવાના અને જમીન પણ નહીં મળે. આ લોકો જયારે તને લઇ જાય ત્યારે તું તેમની સાથે જઈ તે કહે તેમ બધું પૂરું કરી નાખજે. જો તને તેમાં કોઈ તકલીફ હોય તો અત્યારે કહી દે જે તો પહેલા સર્વિસ કરી લઈએ. જો તારે ફરિયાદ કરવી હોય તો ફરિયાદ મારી પાસે જ આવશે એ તને ખબર છે ને. તું ફરિયાદ કરવી હોય તો કરજે અને યાદ રાખજે તારી જેમ તારા ભાઈને અને તારા પપ્પાને ફીટ કરી દેશું. આખા ઘરને જેલમાં નાખી દેતા મને આવડે છે એ સમજી લેજે. અરજદારે અરજીમાં આગળ દર્શાવ્યું કે એ સાંજે 4 થી 5 વાગ્યે લોકઅપમાંથી બહાર કાઢી મને કાળા કાચવાળી સ્વીફ્ટ કારમાં બેસાડી દેવાયો હતો. એ સમયે અન્ય ત્રણ ફોર વ્હીલ કાર પણ સાથે આવી હતી. એ સમયે અગાઉ જે લોકો જમીન લેવા અમારી પાસે આવ્યા હતા એ પણ સાથેની કારમાં હતા. કારમાં ક્રાઈમ બ્રાન્ચવાળા મને 150 ફૂટ રીંગરોડ પર આવેલ બાલાજી હોલ પાસે આવેલ વકીલ જયેશ બોઘરાની ઓફીસ પર લઇ ગયા હતા.

ત્યાં 3 કોરા કાગળ અને એક લખાણ લખેલા કાગળ પર મારી સહીઓ લીધી હતી. લખાણ પણ મને વાંચવા દેવામાં આવ્યું નહીં અને એક મોટા ચોપડામાં મારી સહી કરાવી હતી. અમોએ કાગળ વાંચવાનું કહેતા જયેશ બોઘરાએ માથા પર બુક મારી કહ્યું કે તું છાનોમાનો સહી કર. તારો બાપ તને ઉપાડી લાવ્યો છે તેણે શું કહ્યું હતું. તું સહી કરી દેશ કે હું તારા બાપને ફોન લગાડું. આ સમયે ત્યાં સિવિલ ડ્રેસમાં પોલીસ સહિત અન્ય 15-20 લોકો હતા. એમના એક પોલીસે મને કહ્યું કે, આ 15 લોકો તને ઉઠાવી ગયા છે અને તારી લાશ પણ નહીં મળે એવું સમજી લે. અમારે ખાલી કાગળ કરવાના છે કે તું ગાયબ થઇ ગયો છે. સહીઓ કરાવી લીધા બાદ જયેશ બોઘરાએ કહ્યું હતું કે, આ જમીન તરફ નજર કરી છે તો મારીને દાટી દઈશ. ખબર પણ નહીં પડે. તને ઉપાડતા કેટલીવાર લાગે એ તો સમજી ગયો ને. આ જમીનનો મેં જ સોદો કર્યો છે.

Read About Weather here

અરજીમાં અરજદારે આગળ જણાવ્યું હતું કે, બાદમાં મને પોલીસવાળાઓએ એવું કહીને છૂટો કરી દીધો કે તારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી દેજે. તારાથી કંઈ થશે નહીં. અમને સીધા ઉપરથી આદેશ છે, તું તારે થાય ત્યાં ફરિયાદ કરી દેજે. એ વખતે નીચે મારી પાસેથી લઇ લીધેલો ફોન પરત માંગતા એક પોલીસવાળાએ અમોને ફોન સાથે રૂ.200 આપ્યા હતા. આ હકીકત અને ઘટના રાજકોટનાં કોઈ પત્રકારે છાપી દીધી હતી. ત્યારે પણ પોલીસે મને ધમકાવીને કહ્યું કે છાપાવાળાને કોણે કહ્યું છે. પ્રેસની કાઈ બીક અમને નથી લાગતી. તું એ પ્રેસને પણ કહીં દેજે. આ વાત વખતે જ છાપાવાળાનો ફોન આવતા વધુ ગુસ્સે થઇને મને ગાળો આપી હતી. અરજદારે અરજીમાં વિનંતી કરી છે કે અમારા પરિવારને કંઈ ન થાય તેના ભયને કારણે બોલ્યો નથી. પણ હવે આવી ઘટનાનાં પીડિતો બહાર આવી રહ્યા છે તેથી મેં પણ ન્યાય મળશે એવી આશા સાથે આપને પત્ર લખ્યો છે. જરૂરી કાર્યવાહી થશે એવી આશા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here