નીતિન ઢાંકેચા જૂથનો હુંકાર: રાદડિયા જૂથ સામે અમારો નૈતિક વિજય

નીતિન ઢાંકેચા જૂથનો હુંકાર: રાદડિયા જૂથ સામે અમારો નૈતિક વિજય
નીતિન ઢાંકેચા જૂથનો હુંકાર: રાદડિયા જૂથ સામે અમારો નૈતિક વિજય

રાજકોટ જિલ્લા બેંકમાં ભરતી સહિતનાં મામલે વ્યાપક ભ્રષ્ટાચાર ચાલી રહ્યાનાં આક્ષેપો દોહરાવતા નીતિન ઢાંકેચા, હરદેવસિંહ જાડેજા, પરસોતમ સાવલીયા અને વિજય સખીયા
જિલ્લા બેંકને સત્તા હોવા છતાં પાર્ટી પાસેથી મેન્ડેટ લાવવો પડ્યો: અમારી સામે લલકાર કરનારાને પીછેહઠ કરવી પડી: ઢાંકેચા જૂથ
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને બેંકની કામગીરી વિરુધ્ધ વિગતવાર આવેદનપત્ર પાઠવાયું : જો બેંક વિરૂધ્ધ સરકાર 15 દિવસમાં તપાસ ન આપે તો હાઈકોર્ટમાં જવાની ઘોષણા

રાજકોટ લોધિકા સહકારી સંઘની આજે મળેલી સામાન્યસભામાં રાજકોટ જિલ્લા બેંકનાં પ્રતિનિધિ તરીકે પક્ષનાં મેન્ડેટનાં સહારે મહેશ આસોદરિયાની નિયુક્તિ કરવામાં આવી હતી અને હરીફ જૂથનાં વિજય સખીયાને બેંકનાં પ્રતિનિધિ પદેથી દૂર કરવામાં આવ્યા હતા. લોધિકા સંઘની સામાન્યસભામાં લેવાયેલા નિર્ણય બાદ પૂર્વમંત્રી જયેશ રાદડિયાનો દેખીતી રીતે દબદબો જળવાયો હોવા છતાં રાદડિયા જૂથ સામે બાંયો ચડાવનાર હરીફ જૂથે એવો સ્પષ્ટ હુંકાર કર્યો હતો કે, જિલ્લા બેંકને સતા હોવા છતાં લોધિકા સંઘમાં પોતાનું પ્રતિનિધિ મુકવા માટે ઉપરથી મેન્ડેટ એટલે કે પક્ષની નેતાગીરી પાસેથી વ્હીપ લાવવો પડ્યો એ જ દર્શાવે છે કે, રાદડિયા જૂથને પોતાના પ્રતિનિધિ નિયુક્ત થયા છતાં પીછેહઠ કરવી પડી છે. હરીફ જૂથ નીતિન ઢાંકેચા ગ્રુપે એવા દાવાનો પુનરુચ્ચાર કર્યો હતો કે, વાસ્તવમાં રાદડિયા જૂથ સામે અમારો વિજય થયો છે.

Visit Saurashtra Kranti Homepage here

સૌરાષ્ટ્ર ક્રાંતી કાર્યાલયની મુલાકાતે આવેલા નીતિન ઢાંકેચા, હરદેવસિંહ જાડેજા, પરષોતમ સાવલીયા અને વિજય સખીયાએ જણાવ્યું હતું કે, અમારી લડાઈ ચાલુ રહેશે. અમારી લડાઈ બેંકમાં ભરતીની પ્રક્રિયામાં ચાલતી ગેરરીતીઓ અને ગોલમાલ સામેની છે. એ મુદ્દા પર અમારી લડત ચાલુ હતી અને રહેશે. રાજકોટ જિલ્લા બેંકમાં સંચાલન કરનારાઓ ભરતીનાં મામલે બેફામ રીતે વર્તી રહ્યા છે અને મનમાની કરી રહ્યા છે. પટાવાળાઓને કોઈ લાયકાત વિના બઢતી આપી દેવામાં આવે છે. ફાવતા અને માનીતાની કોઈ લાયકાત જોયા વિના ભરતી કરીને ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. તેની સામે અમે અવાજ ઉઠાવ્યો છે. છેલ્લા લાંબા સમયથી ભરતી પ્રક્રિયાનાં કોઈ નીતિનિયમોને અનુસરવામાં આવતા નથી. સરકારી ધારાધોરણ મુજબ ભરતી કરવાની જે પ્રક્રિયા છે તેનો ખુલ્લે આમ ભંગ કરવામાં આવ્યો છે. કોઈપણ ખાલી જગ્યાની ભરતી થાય ત્યારે તેની પહેલા અગ્રણી અખબારોમાં જાહેરાત આપવાની હોય છે. પરંતુ કોઈપણ પ્રકારની જાહેરાતો આપ્યા વિના ભરતીમાં મનમાની કરવામાં આવે છે.

બેંકમાં ભરતી કૌભાંડ કઈ રીતે કરવામાં આવે છે. તેનો ખ્યાલ આપતા આગેવાનોએ જણાવ્યું હતું કે, સરકારમાંથી બેરોજગારોની યાદી મંગાવવામાં આવતી નથી. કોઈ પૂર્વ જાહેરાત કરાતી નથી કે ઉમેદવારની પ્રારંભિક કસોટી લેવાતી નથી પહેલા પટાવાળા તરીકે કામ ચલાઉ દૈનિક ભથ્થા પર ભરતી કરી લેવાય છે. ત્રણ મહિના બાદ કોઈ કાનૂની પ્રક્રિયા વિના પટાવાળા તરીકે ભરતી કરી દેવામાં આવે છે. એક વર્ષ બાદ તો કાયમી પણ કરી દેવામાં આવે છે. પાંચ વર્ષ બાદ એકાએક પટાવાળાને ભરતી આપી ક્લાર્ક બનાવી દેવામાં આવે છે. આવી રીતે ભરતી થયેલા લોકો મેનેજરનાં પદ સુધી પહોંચી ગયા છે અને નિવૃત પણ થઇ ગયા છે.

ઢાંકેચા જૂથે મુખ્યમંત્રીને પાઠવેલા આવેદનપત્રમાં રાજકોટ જિલ્લા બેંકનાં ભરતી પ્રક્રિયામાં ચાલતા ગોટાળા અને ગોલમાલની સિલસિલાબંધ વિગતો દર્શાવવામાં આવી છે. આવેદનમાં દર્શાવ્યું છે કે, રાજકોટ ડીસ્ટ્રીકટ સહકારી બેંકની 199 જેટલી શાખાઓ છે. 1100 જેટલો સ્ટાફ છે. બેંકનાં અધિકારી, મેનેજર, એકાઉટન્ટ કે ફાઈનાન્સ અધિકારીની નિમણૂંક માટે કોઈ ચોક્કસ નિયમો નથી. કોઈ પ્રાઈવેટ ભરતી એજન્સીની સેવાનું બહાનું આગળ ધરીને ભરતીઓ કરી દેવાઈ છે. હકીકતે એ એજન્સી બેંકનાં ચેરમેનની કૃપા પાત્ર એજન્સી છે. એજન્સીને ભરતીની સ્પર્ધાત્મક પરીક્ષાઓનો કોઈ અનુભવ નથી. જેની ભરતી કરવાની હોય તેના નામ અગાઉથી એજન્સીને મોકલી દેવાય છે એટલે એવા ઉમેદવારને પુરા માર્ક આપી દઈ પરીક્ષામાં પાસ થઇ ગયાનાં નાટક ભજવાય છે.

આવેદનમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે, બહુ ઓછો ફેલાવો ધરાવનારા અખબારોમાં જાહેરાત અપાય છે અને તેમાં પણ માત્ર પોસ્ટબોક્સ નંબર અપાય છે. તેમાં અરજી કરનારા લાયક ઉમેદવારોને કોઈ જવાબ મળતો નથી. એવું અમારી જાણમાં આવ્યું છે. સરકારનાં માર્ગદર્શન અને ગાઈડલાઈન મુજબ કોઈ ભરતી એજન્સીની સેવા લેવાતી નથી. બહોળો ફેલાવો ધરાવતા અખબારોમાં જાહેરાત અપાતી નથી. ભરતીમાં પણ ઉમેદવારો પાસેથી મોટાપાયે ઉઘરાણા થતા હોવાનો આવેદનમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.
આવેદનમાં ધ્યાન દોરવામાં આવ્યું છે કે, એક સમય બેંકનું સંચાલન સંભાળનાર પટેલ સમાજનાં દિગ્ગજ નેતાનાં પુત્ર હાલ બેંકનાં ચેરમેન છે પણ સ્ટાફની ભરતી માટે વૈદ્યનાથન કમિટીએ કરેલી ભલામણોનો બેંક અમલ કરતી નથી. આ અંગે અવારનવાર લાયક ઉમેદવારો તથા સામાજીક આગેવાનોએ રજૂઆત કરી છે પણ ગુજરાત સરકારે કોઈ પગલા લીધા નથી. રાદડિયા જૂથની રાજકીય વગને કારણે સરકારે હજુ સુધી કોઈ પગલા લીધા નથી.

બેંકની ભરતી પ્રક્રિયામાં ખૂબ અનિયમિતતાઓ અને ગંભીર પ્રકારની ગેરરીતિઓ જાહેર થતી હોવા છતાં કોઈ પગલા લેવાતા નથી. આવેદનપત્રમાં મુખ્યમંત્રીને અનુરોધ કરવામાં આવ્યો છે કે છેલ્લા 25 વર્ષ દરમ્યાન રાજકોટ ડીસ્ટ્રીકટ કો.ઓ. બેંકમાં થયેલી તમામ ભરતીઓ અને નિમણુંકોની તપાસ થવી જોઈએ. એ રીતે સૌરાષ્ટ્રનાં ઘણા લાયક ઉમેદવારોને અન્યાય થયો છે. ભરતીમાં નીતિનિયમોનું પાલન થયું છે કે કેમ તેની પણ તપાસ થવી જોઈએ. ગુજરાત સરકાર આ તમામ ભરતી પ્રક્રિયાની અને ઉમેદવારોને લાયકાતની યોગ્ય, તટસ્થ અને નિષ્પક્ષ તપાસ હાથ ધરે એવી આવેદનપત્રમાં માંગણી કરવામાં આવી છે. જો સરકાર દિવસ 15 માં તપાસ શરૂ ન કરે તો હાઈકોર્ટમાં જઈને દાદ માંગવાની આવેદનપત્રમાં ચીમકી આપવામાં આવી છે. ઢાંકેચા જૂથનાં આગેવાનોએ સ્પષ્ટ જણાવ્યું હતું કે, ડીસ્ટ્રીકટ બેંક સામે અમે પક્ષમાં રહીને લડાઈ ચાલુ રાખશું. ભરતી કૌભાંડની યોગ્ય ઊંડી અને પ્રામાણિક તપાસ થાય એ માટે અમે સરકાર સમક્ષ અને સંગઠનનાં મોવડીઓ સમક્ષ પણ અમારી રજુઆતો ચાલુ રાખશું.

Read About Weather here

રાજકોટ લોધિકા સંઘમાં જિલ્લા બેંકનાં પ્રતિનિધિ તરીકે પોતાના ઉમેદવારની પસંદગી કરાવવા બેંકનાં સંચાલકોને પક્ષનાં મેન્ડેટનો આશરો લેવો પડ્યો. એ સ્પષ્ટ દર્શાવે છે કે, એમની પાસે પૂરતું સંખ્યાબળ ન હતું એટલે વ્હીપ લાવવો પડ્યો છે. નહીતર બેંકને પોતાના પ્રતિનિધિ મુકવાની પૂરી સતા છે. છતાં બેંકને ભાજપમાં ટોચનાં નેતાઓ પાસેથી વ્હીપ લાવવો પડ્યો છે. એ રીતે રાદડિયા જૂથ સામે અમારો નૈતિક વિજય થયો જ છે. એવું ઢાંકેચા જુથે સ્પષ્ટ જણાવ્યું હતું. ચૂંટણીઓ નજીક આવી રહી છે. ત્યારે આ લડત ચાલુ રાખશો એવો પ્રશ્ન થતા ઢાંકેચા જૂથનાં અગ્રણીઓએ જણાવ્યું હતું કે, અમે પક્ષમાં રહીને બેંકનાં વહીવટ વિરુધ્ધ લડત ચાલુ રાખશું. આ લડાઈને પક્ષની વિરુધ્ધ કે પક્ષની સામેની લડાઈ તરીકે ખપાવી શકાય નહીં. પ્રતિષ્ઠા બચાવવા માટે સામેનાં જૂથને મેન્ડેટ લાવવો પડ્યો છે એ જ અમારો વિજય સૂચવે છે. સૌરાષ્ટ્ર ક્રાંતી કાર્યલયની મુલાકાત માટે આવેલા અગ્રણીઓ નીતિન ઢાંકેચા, હરદેવસિંહ જાડેજા, પરસોતમભાઈ સાવલીયા અને વિજય સખીયાએ એવી પણ જાહેરાત કરી હતી કે, જો યોગ્ય તપાસ કરવાની અમારી માંગણી સરકાર નહીં સ્વીકારે તો હાઈકોર્ટમાં ધા નાખવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here