દિપાવલી પર્વ એટલે માનવમુલ્યોની પરંપરાના ર્જીણોધ્ધારનો સંકલ્પ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

ચાલો માનવતાના અને અપરિચિતોની મદદે દોડી જવાના પરંપરાગત મુલ્યોના દીવડા પ્રગટાવીએ
દિપાવલી અને નવા પર્વ પર કેટલાક કઠીન સંકલ્પો કરવાનો સમય પાકી ગયો

કોરોના પ્રેરીત મહામારીએ ભલે આપણને મરણ તોલ ફટકા માર્યા અને બે વર્ષ સુધી જનજીવનને ઉપરતળે કરી નાખ્યું. પરંતુ એક મસહુર કાવ્યની પંકિત અત્રે યાદ કરીએ તો ખ્યાલ આવશે કે દયાળુ ઇશ્ર્વર અને ખુદાએ બે વર્ષના અતિષ્ય મુશ્કેલ સમય અને આકરી પરીક્ષામાંથી માનવ જાતને બહાર કાઢી છે.

Visit Saurashtra Kranti Homepage here

‘ઉંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઇ જા’ આ કાવ્ય પંકિતની જેમ બે વર્ષીય ભયાનક હલચલ પછી માનવ જીવનમાં સમતુલા આવી છે. કોરોના મહામારી સામેના અકલ્પનીય મહાસંઘર્ષમાં આપણને વિજય જરૂર મળ્યો છે.

કેટલાક ગણયા ગાંઠયા રાજયોને બાદ કરતા આપણા પોતાના વ્હાલા વતન ગુજરાત સહિત મોટા ભાગના રાજયોમાંથી કોરોના મહામારીનો રાસક્ષ ભસ્મીભૂત થઇ ચુકયો છે. પણ કોરોનાના એ દાનવ સામેની લડાઇ અને મહાજંગને પગલે આપણને કદી ન ભુલાય એવા બોધ્ધપાઠ મળ્યા છે.

કોરોનાએ આપણને ઇશ્ર્વરે આપેલા અત્યંત મુલ્યવાન જીવનનું મહત્વ સમજાવ્યું છે. સાથેસાથે વિસરાતા જતા એ આધુનિક જીવન શૈલીના ઠોકરે ચડી ગયેલા પરંપરાગત માનવ મુલ્યોની પણ આપણને મહત્તા સમજાવી છે. કોરોના ગયો છે પણ આપણને ઘણી કિંમતી શીખ આપતો ગયો છે.

આપણને વડિલો પ્રેરીત માનવ બંધુત્વ, એખલાસ, પરદુ:ખ ભંજન વૃતી તેમજ ભાઇચારો અને સુમેળના સદીઓની કસોટીની એરણમાં સફર થયેલા જીવન મુલ્યોની યાદી કરાવી છે.

આજે બે વર્ષ બાદ ઇશ્ર્વર અને ખુદાની અપાર કૃપાથી આપણને પવિત્ર દિપાવલી પર્વનો મનમોકળુ કરીને આનંદ માણવાનો અવસર પ્રાપ્ત થયો છે. એ બદલ કુદરતનો જેટલો આભાર માનીએ એટલો ઓછો રહેશે.

દિપાવલી પર આપણે આજે કેટલાક મહત્વના સંકલ્પો કરવાનો સમય પાકી ગયો છે. દિપાવલી એટલે સુખ, સમૃધ્ધિની, સ્વાસ્થની અને ભાઇચારાની જયોત અખંડ જલતી રાખવાનો પર્વ છે.

સુમેળ, એખલાસ અને માનવ-માનવ વચ્ચે સંબંધોના દોરને વધુને વધુ મજબુત બનાવવાનો અમુલ્ય અવસર છે અને તક છે. આવો ત્યારે આપણે સહુ સાથે મળીને આપણા વડીલોએ આપણને આપેલા

પરંપરાગત માનવ એખલાસના મુલ્યો અને જીવનને રોનકદાર બનાવતી પરંપરાઓનો ર્જીણોધ્ધાર કરવાનો દ્રઠ સંકલ્પ કરીએ. તો જ દિપાવલી અને નવા વર્ષની ઉજવણી સાર્થક થઇ ગણાશે.

આધુનિક યુગમાં આપણને સાધન-સરંજામની દ્રષ્ટિએ અગાઉની પેઢીઓ કરતા વધુ સારી રીતે એસ આરામથી જીવવાનો અને ઝડપી જીવનશૈલી સાથે આગળ વધવાનો મોકો મળ્યો છે.

જાતજાતના વિજાણું સાઘનો થકી દુનિયા સાવ નજીક આવી ગઇ, સ્માર્ટ ફોનના જગતમાં આપણે કહેવા લાગ્યા કે દુનિયા આપણી મુઠ્ઠીમાં આવી ગઇ છે પણ આપણે એ ભુલી ગયા કે, દુનિયા ભલે નજીક આવી ગઇ છે

પણ આધુનિક જીવન શૈલીની બેફામ રઝળપાટમાં આપણા આપણાથી જ દુર થઇ ગયા. આપણા પડોશીને ભુલી ગયા, સગા-સ્વજનો માટે સમય રહયો નહીં, આપણા પરિચીતો આપણા માટે માત્ર હાઇ-હેલ્લો અને સલામ કરવા પુરતા સીમિત થઇ ગયા.

ત્યારે આપણે આપણી જાતને એવો સવાલ કદી નથી કર્યો કે, આધુનિકતા આપણા માટે યાત્રોએ આપણા જીવનને પણ યંત્રવત બનાવી દીધુ છે. પરંપરાગત માનવ મુલ્યોમાં ગજબનાથ ધસારો થઇ ગયો છે.

રોજ સાંજ પડે અને ટીવી સામે ગોઠવાઇ જવાની પ્રક્રિયાએ અડોશ પડોશ તો ઠીક પરિવારોમાં પણ કલહનું સર્જન કરી દીધુ છે. ઓફિસેથી અને કામ-ધંધેથી થાકયા પાથીયા ઘરે આવીએ ત્યારે ટીવી પર પોતાની ફેવરીટ ચેનલ જોતી પત્નીના મોઢેથી કોયલના ગહેકાટ જેવો આવકારનો મીઠો ટહુકો પણ સાંભળવા મળતો નથી.

બાળકો મોબાઇલમાં વ્યસ્ત દેખાય છે. આપણને સંતાનો માટે સમય રહ્યો નથી, સંતાનોને સ્માર્ટ ફોનમાંથી ઉચુ જોવાનો સમય મળતો નથી, ઘરના સ્ત્રી વર્ગને ચોક્કસ સીરીયલ માટે સમય ફાળવવાનું ફરજીયાત બની જતું હોય છે.

એમની સાથે સાંજે બે મીઠી વાત કરવાનો સમય રહેતો નથી. આપણે આપણી જીવન શૈલીને આધુનિકતાના અને કહેવાતા વિકાસના નામે યંત્રોની ગુલામ બનાવી દીધી. જેના પરિણામો આપણા માટે ખુબ જ પ્રતિકુળ રહયા છે.

પણ મહાન કુદરત જયારે કોઇ કસોટીમાં નાખે છે ત્યારે તેનો અંત સહુ માટે હંમેશા થોડો શુભ હોય છે. ઉપરવાળો એક તક જરૂર આપતો હોય છે અને કોરોનાએ આપણને તક આપી છે એ આપણે સમજવું પડશે.

આપણી જીવનશૈલીમાં જે કાંઇ ખરાબીઓ આધુનિકતાએ સામેલ કરી દીધી છે. તેના શુધ્ધીકરણનો સંકલ્પ એ દિપાવલી પર્વનો મુખ્ય સંકલ્પ બની રહેવો જોઇએ. આપણે સાધનોની જરૂરીયાત અને મહતાનો અસ્વીકાર કરતા નથી.

પરંતુ સાધનોના ઓસીયાળા બની રહેવું તેના પરિણામો સમગ્ર સમાજ જીવન, પારિવારિક જીવન અને માનવ-માનવ વચ્ચેના સંબંધો માટે પ્રાણ ધાતક બની જાય છે તેનો આપણે કદી બે ઘડી અટકીને વિચાર કર્યો નથી.

આજે લત્તામાં જઇએ તો સાંજના સમયે જોવા મળતી અડોસી પડોસીની ઓટલા પરીષદો ગાયબ થઇ ગયેલી દેખાય છે. સીરીયલો પ્રાઇમ ટાઇમ હોય ત્યારે નજીકના સગા-સંબંધીને મળવા જઇ શકાતું નથી.

આપણે માનવ મુલ્યોને જાતે વિશારે પાડી દીધા અને અકારણ તનાવ ભરી જીંદગીને આમંત્રણ આપી દીધું છે. આપણે પોતાની જાતથી પણ દુર થઇ ગયા છીએ. એટલે સગા-સ્વજનો સાથેના સંબંધોમાં સ્વાર્થનું તત્વ ઉમેરાય ગયું છે.

પડોશી સાથેના ગાઢ સંપર્કોના મણકા વિખેરાઇ ગયા છે. પિતાને સંતાન માટે સમય નથી, માંને દિકરી માટે સમય નથી, સહુ એક સ્વાર્થના દોર સાથે બંધાયેલા છે. આજના યુગમાં લાગણીઓને કટાક્ષમાં લાગણીવેડા તરીકે ખપાવી દેવામાં આવે છે.

જે મુલ્યો, આદર્શો અને માનવ માત્ર આપણો ભાઇ એવા જે સુત્રો થકી આપણા વડીલોએ સમગ્ર માનવ જીવનને ઉજળુ કરી રાખ્યું હતું. એ મુલ્યો ધસાતા જતાં હોવાથી માનવ જીવન આધુનિકતાની રોશનીમાં પણ કંગાલ થઇ ગયું છે.

માનવતાની દ્રષ્ટિએ આપણો ઘોડો જીવનની રેશમાં હારી ગયો છે જેની કબુલાત કરવાની આપણી હિમ્મત થતી નથી. આવા કપરા સમયમાં એકાએક સમગ્ર માનવ જાતની આંખ ઉધાડી નાખે એવી વિશ્ર્વ વ્યાપી મહા આફતનો આપણે સામનો કરવાનો આવ્યો.

શબ્દોમાં વર્ણવી ન શકાય. એવા દુ:ખ, દર્દ અને યાતનાઓનું આકાશ આપણા માથા પર તુટી પડયું. એકાએક આપણી આંખ ખુલી ગઇ. કહેવાતી આધુનિકતા આપણને એકાએક અપ્રિય લાગવા લાગી.

આપણને સમજાયું કે, આપણે કેટલા બધા કંગાલ અને ખોખલા થઇ ગયા છીએ. દિપાવલી પર્વ પર આપણે મહાઆફતમાંથી એક મહાઅવસરની તલાસ કરવાની છે. સંકલ્પો કરવાના છે કે, આપણે આપણા સદીઓ જુના વડિલો પરજીત સંસ્કારો ભણી ઝડપથી પાછા ફરશું.

ભાઇચારો, પ્રેમ, એખલાસ અને અપરિચિતની પણ વ્હારે ચડી જવાના સદીઓ જુના સંસ્કારોનો પાલવ ફરીથી પકડી લેશું. લત્તાની એકમેકના ખબર-અંતર પુછવા માટે અને સુખ-દુ:ખમાં ભાગ લેવા માટેના મહત્વના પ્લેટફોર્મ એવી આપણા લત્તાની ઓટલા પરીષદોને સજીવન કરશું.

આપણા સગા-સ્વજનો અને પરિચિતો સાથેનો ટીવી અને ટેલીફોને તોડી નાખેલો સંપર્કનો સેતુ ફરીથી મજબુત રીતે નિર્માણ કરશું. આપણા માતા-પિતાની સેવા, પત્ની અને બાળકોની સાર-સંભાળ અને એમના માટે પુરતો સમય ફાળવવાની સદીઓથી ચાલી આવતી પરંપરાને ફરીથી અનુસરવા લાગશું.

અને એ જીવન શૈલીને પુન: બેઠી કરશું. મહામારીના બે વર્ષ ભલે ખુબ જ ધાતક અને કપરા રહ્યા પણ એક બહુ મહત્વનું કામ એ મહામારી એ કરતી ગઇ છે કે, આપણને જીવનનું મુલ્ય સમજાયું છે.

માનવી-માનવીને એક મેકથી નજીક લાવવામાં અને સમાજ, રાજય અને દેશના હિતમાં વ્યાપક પણે વિચારતા કરી દેવામાં મહામારીએ સિંહ ફાળો આપ્યો છે. માનવીય જીવન ત્યારે જ દિપી ઉઠે છે

જયારે આપણે આપણા મહામુલા સંસ્કારોનું જતન કરીએ છીએ. આપણા સંતાનોને પીઝા અને જયુશ આપવાની સાથેસાથે પરંપરાગત આદર્શો અને સીધ્ધાંતોનું સિંચન પણ કરીએ અને એ માટે લોખંડી સંકલ્પ લઇએ.

એ આજના સમયની માંગ છે. તો ચાલો દિપાવલી અને નવા વર્ષના પવિત્ર દિને આપણે આપણી જાતને વાયદો કરીએ, આપણે આપણા પરિવાર, આપણા અડોશ પડોશ, આપણા શહેર, આપણા સમાજ, રાજય અજે દેશની શકય તેટલી મદદ કરવા માટે દોડી જશું.

માનવી જયારે સંકટમાં આવે છે ત્યારે ઇશ્ર્વરને યાદ કરતો હોય છે એ સંકટના વાદળો વિખેરાઇ જાય એટલે તેને આવેલો શ્રધ્ધા અને આસ્થાનો ઉભરો પણ સમી જતો હોય છે. આપણે સંકલ્પ કરીએ કે હવે આવું નહીં બને.

આપણે ખરા અર્થમાં પારકી છઠ્ઠીના જાગતલ બનવાની પુરેપુરી જહેમત કરશું અને આપણા વડિલોના આત્માને પ્રશંન કરતા જીવન મુલ્યોને માટે આપણા જીવનના બંધ દ્વાર ઉધાડી દેશું. સહુ સગા-સંબંધી, મીત્રો, શુભેચ્છકો, પરિચિતો અને મદદગારો તથા અમારા હિતેચ્છુઓને દિપાવલી

Read About Weather here

તથા નવા વર્ષની ખુબ ખુબ શુભેચ્છાઓ… સૌરાષ્ટ્ર ક્રાંતી પરિવાર તરફથી વ્યકત કરીએ છીએ. આશા અને પ્રાર્થના એ જ છે કે, આગામી સમય સહુ માટે સુખદાયક, સમૃધ્ધિ દાયક અને સ્વસ્થ બની રહેશે. સહુના જીવનમાં આનંદ અને હર્ષના દિપક સદાકાળ પ્રગટતા રહે એવી જ અભ્યર્થના છે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here