પારિવારિક હૂંફ અને પ્રેમભર્યા વાતાવરણમાં જીવનને ઉત્સાહભેર માણતી 85 પ્રજ્ઞાચક્ષુ મહિલાઓ

પારિવારિક હૂંફ અને પ્રેમભર્યા વાતાવરણમાં જીવનને ઉત્સાહભેર માણતી 85 પ્રજ્ઞાચક્ષુ મહિલાઓ
પારિવારિક હૂંફ અને પ્રેમભર્યા વાતાવરણમાં જીવનને ઉત્સાહભેર માણતી 85 પ્રજ્ઞાચક્ષુ મહિલાઓ
(ગિરીશ ભરડવા દ્વારા)
જ્યારે એવું લાગે કે જીવનમાં અનેક સમસ્યાઓ છે ત્યારે રાજકોટના ઢેબરભાઈ રોડ પર આવેલ વી. ડી. પારેખ અંધ મહિલા વિકાસ ગૃહની મુલાકાતે જઈએ તો ખ્યાલ આવે કે આપણી મુશ્કેલીઓ તો રતિભાર છે.જન્મથી જ જોઈ ન શકતી બાળકીઓ પોતાની ઉણપને અવગણી બ્રેઈલ લિપિના માધ્યમથી આંગળીઓના સ્પર્શ વડે વાંચતા-લખતા શીખી રહી છે, એટલું જ નહીં સાથેસાથે તેઓમાં ભણાવાતી કવિતાઓ ગાવાનો અદમ્ય ઉત્સાહ જોવા મળે છે.

Visit Saurashtra Kranti Homepage here

પ્રજ્ઞાચક્ષુને ઉપયોગી બ્રેઈલ લિપિના શોધક લૂઈસ બ્રેઈલના જન્મદિવસ નિમિત્તે તા. 04 જાન્યુઆરીના રોજ વર્લ્ડ બ્રેઈલ ડે મનાવાય છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘની પેટા સંસ્થા યુનેસ્કો દ્વારા ઇન્ટરનેશનલ સ્ક્રીપ્ટ ફોર ધ બ્લાઇન્ડ તરીકે સ્વીકૃત થયેલી બ્રેઈલ લિપિમાં 6 ટપકાંનો ઉપયોગ કરી 63 પ્રતિકો બનાવાયા છે. જેમાં અંકો, વિરામ ચિન્હો, ગાણિતિક ચિન્હોનો સમાવેશ કરાયો છે. ઉચ્ચારણના આધારે તૈયાર થયેલી બ્રેઈલ લિપિ તમામ ભાષાઓને લખવા અને વાંચવા માટે ઉપયોગી છે.
વ્રજલાલ દુર્લભજીભાઈ પારેખ અંધ મહિલા વિકાસ ગૃહમાં નેત્રહીન બહેનોના ઉત્કર્ષ માટે ધો. 8 સુધીનું પ્રાથમિક શિક્ષણ, સંમિલિત શિક્ષણ યોજના અંતર્ગત ધો. 9થી સ્નાતક સુધીનું શિક્ષણ તથા પ્રારંભિકથી વિશારદ સુધી સંગીત શિક્ષણ તેમજ કોમ્પ્યુટર શિક્ષણ તાલીમ અને સેમિનાર, બ્રેઈલ લિપિમાં ગણિતની તાલીમ અપાય છે. સાંસ્કૃતિક કાર્યક્રમો, પર્યટન તેમજ વિવિધ સ્પર્ધાઓ વગેરે જેવી ઈત્તર પ્રવૃતિઓનું આયોજન સંસ્થા ખાતે કરવામાં આવે છે. ખાસ કરીને લાભાર્થી નેત્રહીન બહેનો માટે વિનામૂલ્યે આવાસ અને ભોજનની વ્યવસ્થા આપવામાં આવે છે. ઉપરાંત, સંસ્થા તરફથી અંધ મહિલાઓને ધિરાણ, સાધનો મુકવા માટે ઈકવીપમેન્ટ બેંક સહિત રૂ. 1500 થી 3500 ની શિષ્યવૃત્તિ, દિવ્યાંગ સાધનો આપવાની સહાય વગેરે પુરા પાડવામાં આવે છે. ગૃહમાં બ્રેઈલ પુસ્તકાલય પણ છે.

Visit Saurashtra Kranti Homepage here

તેમજ કોમ્પ્યુટરાઈઝડ બ્રેઈલ પ્રોડકશન સેન્ટરમાં નેત્રહીનો માટે ‘સંઘર્ષ’ બ્રેઈલ દ્વિમાસિક પત્રિકા સહિતના બ્રેઈલ સાહિત્યનું નિર્માણ કરવામાં આવે છે, જે 500 થી વધુ લોકોને સંસ્થા દ્વારા મોકલવામાં આવે છે. સંસ્થાના ટ્રસ્ટી ગીતાબેન મંકોડી દ્વારા બ્રેઈલ લિપિમાં તૈયાર કરાયેલ શ્રીમદ્ ભગવદ્ ગીતા પ્રજ્ઞાચક્ષુઓને નિ:શુલ્ક પહોંચાડવામાં આવે છે. યુનિવર્સિટી ઓફ ચિત્રકૂટ, ઉત્તરપ્રદેશ તરફથી ડોક્ટર ઓફ લિટરેચર ઇન ધ ફિલ્ડ ઓફ ડિસેબિલીટીની પદવી પ્રાપ્ત કરેલા ગુજરાતના એકમાત્ર વ્યક્તિ તથા જન્મજાત પ્રજ્ઞાચક્ષુ ધરાવતા સંસ્થાના માનદ મંત્રી ડો. પ્રકાશભાઈ મંકોડીએ જણાવ્યું હતું કે આ અંધ મહિલા વિકાસ ગૃહની સ્થાપના સ્વ. સંતોકબેન બેંગાલી દ્વારા પોરબંદરમાં થઈ હતી. પોરબંદર બાદ સોનગઢ અને ત્યારબાદ ઈ.સ. 1960 માં રાજકોટ ખાતે સંસ્થાને ખસેડવામાં આવી. તેઓ અંધ મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે ગામડે-ગામડે જતા. લોકોને અંધ મહિલાઓના શિક્ષણ માટે સમજાવતા અને જાગૃત કરતા. સમયની સાથે સરકાર અને શુભેચ્છકોના સહયોગથી સંસ્થા પર લોકોએ વિશ્ર્વાસ મૂક્યો. આથી, આ સંસ્થાએ સામાન્ય લોકો અને દિવ્યાંગો વચ્ચે ભેદભાવ રાખતાં સમાજને સર્વસમાવેશી બનવાનો દૃષ્ટિકોણ સમજાવી જન માનસ પરિવર્તન કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે.

રાજ્ય સરકાર દ્વારા દર મહિને લાભાર્થી દીઠ રૂ.2160ની ગ્રાન્ટ
રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા વી.ડી.પારેખ અંધ મહિલા વિકાસ ગૃહને દિવ્યાંગોની શૈક્ષણિક સંસ્થા તરીકે માન્યતા આપવામાં આવેલી છે.આ અંધ મહિલા વિકાસ ગૃહના લાભાર્થીઓના નિભાવ માટે રાજ્ય સરકાર દર મહિને લાભાર્થી દીઠ રૂ.2160 ની ગ્રાન્ટ આપે છે.તેમજ સરકાર માન્ય કર્મચારીઓ માટે સો ટકા પગાર ભથ્થાની ગ્રાન્ટ મળે છે.સરકાર દ્વારા દ્રષ્ટિની દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓના કલ્યાણ અને સર્વગ્રાહી વિકાસ માટે વિવિધ યોજનાઓ થકી હાથ ધરવામાં આવતા પ્રયાસો સરાહનીય છે.

સ્પેશ્યલી ટ્રેઈન્ડ ટીચર્સ દ્વારા દીકરીઓને અપાતું શિક્ષણ
અંધ મહિલા વિકાસ ગૃહમાં અંધજનોની તકલીફો સમજી ઉકેલ લાવવા સમર્થ હોય, અંધજનોને ઉપયોગી સાધનો ચલાવવાની આવડત હોય, તેવા સ્પેશ્યલી ટ્રેઈન્ડ ટીચર્સ દ્વારા દીકરીઓને ભણાવવામાં આવે છે.એ બાબતનું ખાસ ધ્યાન રખાય છે કે અંધ મહિલાઓને મદદ કરનારાઓ વાસ્તવદર્શી હોય કે જેઓ પરિસ્થિતિની સચોટ અને આબેહૂબ રજૂઆત કરી પ્રજ્ઞાચક્ષુ બહેનો-દીકરીઓના માનસપટલ ઉપર વાસ્તવિક ચિત્ર ઉપસાવી શકે.

મુખ્ય ઉદ્દેશ નેત્રહીન બહેનોને શિક્ષણ અને સંગીતની તાલીમ આપી સ્વાવલંબી બનાવવાનો
વી.ડી.પારેખ અંધ મહિલા વિકાસ ગૃહનો મુખ્ય ઉદ્દેશ નેત્રહીન બહેનોને શિક્ષણ અને સંગીતની તાલીમ આપી સ્વાવલંબી બનાવવાનો તેમજ વિવિધ પ્રવૃત્તિઓના માધ્યમથી સમાજની મુખ્યધારામાં સામેલ કરવાનો છે. સંસ્થામાં અંધ બાળકીઓને સૌ પ્રથમ શીખવવામાં આવે છે કે પ્રથમ તેઓ પોતાની શારીરિક તકલીફને સ્વીકારે કારણ કે પીડાને સ્વીકારી લેવાથી માનસિક રાહત મળે છે. ત્યારબાદ મુશ્કેલીને સ્વીકારીને સમાધાન લાવવા પ્રયત્ન કરે. ત્યારબાદ લક્ષ્યાંકોને હાંસલ કરીને જીવનમાં પ્રગતિ કરે અને જે કામ કરો, તે આત્મવિશ્વાસથી કરો.

અંધ મહિલાઓને સહાયરૂપ બનવા 21 લોકોનો સ્ટાફ ફરજ પર
આ અંધ મહિલા વિકાસ ગૃહના કેમ્પસ ઈનચાર્જ કલ્યાણીબેન જોષીએ જણાવ્યું હતું કે સંસ્થામાં 7 વર્ષથી 65 વર્ષની ઉંમર ધરાવતી દીકરીઓ-બહેનો સુખ, શાંતિ અને સલામતીથી હળીમળીને રહે છે. તેમજ તેઓને પારિવારિક હૂંફ અને પ્રેમભર્યું વાતાવરણ પૂરું પાડવામાં આવે છે. ગૃહ ખાતે હાલમાં 85 અંધ મહિલાઓ રહે છે, જ્યારે 13 દીકરીઓ માત્ર અભ્યાસ અર્થે આવે છે. અંધ મહિલાઓને સહાયરૂપ બનવા કુલ 21 લોકોનો સ્ટાફ ફરજ બજાવે છે. ઈનચાર્જ કલ્યાણીબેન જોષીએ કહ્યું હતું કે આ સંસ્થામાં રહીને, ભણીગણીને જીવનમાં પગભર બનનાર અંધ મહિલાઓ ‘સંસ્થાનું સંસ્થાને તર્પણ’ની ભાવના સાથે આર્થિક કે અન્ય રીતે યોગદાન આપતા હોય છે તો કોઈ સેવાભાવીઓ અમુક વર્ષ માટે અંધ બાળકીઓને દત્તક લઈ તેની આર્થિક જવાબદારી ઉપાડતા હોય છે.ખાસ કરીને અંધ બાળકીઓને પરીક્ષા સમયે રાઈટરની મદદ મળી જાય તો તેઓ પણ પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરી શકે તેમ છે. જે અંધ વિદ્યાર્થીનીઓ માટે રાઇટર તરીકે સેવા આપવા ઈચ્છુક હોય, તેઓને સંસ્થાનો સંપર્ક કરવા અનુરોધ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here