રાજકોટ શહેરમાં ફાયર સેફટી જેવા મહત્વના મુદ્દા પર જે પ્રકારે ગોરખધંધા ચાલી રહ્યાનું પ્રકાશમાં આવ્યું છે અને આ દિશામાં પ્રશાસનની જે પ્રકારની બેદરકારી જોવા મળી રહી છે. તેના પરથી એવું લાગી રહ્યું છે કે, રાજકોટવાસીઓ એક મોટા જોખમની લટકતી તલવાર હેઠળ જીવી રહ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
મહાનગર ચારેતરફથી વિકાસ પામતું હોવાથી અનેક નવી સોસાયટીઓ અને નવા કોમર્શિયલ વિસ્તારો વિકસી ગયા છે ત્યારે અગ્નિસુરક્ષાના મામલાની અવગણના કરવી એ રાજકોટના હજારો લોકોના જીવન સાથે ખેલ કરવા બરાબર ગણાય. જાણકારો એવી ચોંકાવનારી માહિતી આપી રહ્યા છે કે, રાજકોટ શહેરમાં લાંબા સમયથી અમાન્ય એજન્સીઓ ફાયર સેફટીની બોટલોના હાઈડ્રો ટેસ્ટ કરીને બનાવટી સર્ટિફિકેટ ધાબડવાના ગોરખધંધા ચલાવી રહી છે. આ વિષય ખુબ જ સંવેદનશીલ બની રહ્યો છે અને ઊંડી તથા તસ્થ ઈમરજન્સી તપાસનો વિષય બન્યો છે.
શહેરીજનોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે, ખોટા સર્ટિફિકેટના કૌભાંડમાં કોઈ એકાદી એજન્સી સામેલ હોય એવું માની શકાતું નથી. કેમકે મહાનગરનો ચારેતરફથી વિકાસ થઇ રહ્યો હોવાથી અગ્નિશમન સાધનોની ચકાસણી કરી આપતી અનેક એજન્સીઓ મહાનગરમાં ફૂટી નીકળી હોય એવી પૂરી શક્યતા છે. એ કારણે જ આ વિષય વધુને વધુ ગંભીર બન્યો છે કેમકે પેટ્રોલીયમ મંત્રાલય એટલે કે, ઙઊજઘ માન્યતા પ્રાપ્ત એજન્સી જ રાજકોટમાં નથી તો ફાયર સેફટીનો હાઈડ્રો ટેસ્ટ કોણ કરી રહ્યું છે.
માન્યતા વગર આવા સર્ટિફિકેટ કઈ અને કેટલી એજન્સી આપી રહી છે? કઈ- કઈ ઈમારતો, રહેણાંક બિલ્ડીંગો, શાળા-કોલેજો, કોમર્શિયલ વિસ્તારોમાં આવા જીવતા બોમ્બ લટકાવી દેવામાં આવ્યા છે તેની કોઈ સંખ્યા ખરી? કોઈને તેની જાણકારી છે ખરી? અત્યાર સુધીમાં જે પ્રકારે માહિતી બહાર આવી છે એ સ્પષ્ટ કહે છે કે, ફાયર સેફટી બોટલોના હાઈડ્રો ટેસ્ટની ઙઊજઘ માન્યતા એજન્સી માત્ર જામનગરમાં છે.
રાજકોટ મહાનગર માટે આ ખુબ જ મોકાણના સમાચાર કહેવાય. જો રાજકોટમાં કોઈ માન્ય એજન્સી જ નથી તો કોણે કેટલા સર્ટિફિકેટ આપ્યા તેની તાકીદની તપાસ જરૂરી બની રહે છે. કેમકે મહાનગરમાં સેંકડો શાળા-કોલેજોમાં, યુનિવર્સિટીમાં, નવી- નવી સોસાયટી અને એપાર્ટમેન્ટમાં, કારખાનાઓ અને એવા કોમર્શિયલ વિસ્તારોમાં ફાયર સેફટીના સાધનો રાખવામાં આવતા હોય છે. અગર એ સાધનોની નિયમિત ચકાસણી કરાવવામાં આવી હોય તો ક્યાં કરાવવામાં આવી, કોણે સર્ટિફિકેટ આપ્યા તેના મૂળ સુધી પહોંચવાની તસ્દી લેવી જરૂરી બને છે. શ્રીજી ફાયર સેફટીની જેમ જો પોલીસ આડું જોઈ જશે તો રાજકોટમાં ગમે ત્યારે કોઈ દુર્ઘટના સર્જાઈ જવાનો ભય રહે છે. તો શું આગ લાગ્યા પછી કુવો ખોદવા નીકળશો?
રાજકોટ શહેરમાં હજારો માનવીઓનો જાન જોખમમાં મુકાઈ ગયો છે તો તંત્ર કે અન્ય લાગતા-વળગતા તંત્રનું રૂવાડું પણ ફરકતું નથી એવી સ્થિતિ સૂચવે છે કે, રાજકોટવાસીઓને ફાયર સેફટીના મુદ્દે ઈશ્ર્વરના ભરોસે મૂકી દેવામાં આવ્યા છે. શું આવા ગોરખધંધાઓની તંત્રને જાણ નથી? જાણ હોય તો કેમ ગોરખધંધા ચાલવા દેવામાં આવે છે? મનપા તંત્ર માત્ર ફાયર સેફટીને નોટીસો આપીને સંતોષનો ઓડકાર ખાઈ લ્યે છે. પણ કદી એ જાણવાની કોશિષ કરી કે કેટલી બિલ્ડીંગોએ હાઈડ્રો ટેસ્ટ કરાવ્યા છે, ક્યાં કરાવ્યા છે, તેને મળેલા સર્ટિફિકેટ સાચા છે કે ખોટા છે, ના અત્યાર સુધી તો આવી કોઈ તપાસ થઇ નથી તે અત્યંત ગંભીર અને ગુનાહિત પ્રકારની બેદરકારીનું નિર્લજ પ્રદર્શન છે.
Read About Weather here
રાજકોટ મહાનગરમાં પ્રજાના રક્ષણની જવાબદારી તમામ સરકારી વિભાગોની રહે છે. જો હવે સ્થાનિક તંત્ર જેમકે પોલીસ અને મનપા ફાયર સેફટીના ગોરખધંધા બંધ ન કરાવે તો રાજ્ય સરકારે તાત્કાલીક દરમ્યાનગીરી કરવી જોઈએ તેવી જોરદાર લોક ચર્ચા સંભળાઈ રહી છે. શહેરીજનો બોલી રહ્યા છે કે, મતદારોનો ઋણ ચૂકવવાનો અવસર ઝડપી લેવાની આ ગોલ્ડન તક છે. શું આવી એજન્સીઓને અલીગઢી તાળા મરાવવાની પોલીસને ફુરસદ મળશે ખરી? હવે સવાલ માત્ર શ્રીજી ફાયર સેફટીનો નથી. આવી અનેક એજન્સીના હાથ ગોરખધંધામાં ખૂંપી ગયા છે એટલે આ કૌભાંડના મૂળમાં જઈને પોલીસ અને લાગતા-વળગતા તમામ સરકારી વિભાગોએ આ દુષણનો કાયમી અંત લાવવાનું જરૂરી બન્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here