સરકાર પણ એક્શન મોડમાં આવી : મુખ્યમંત્રીએ ખાતર,બિયારણ અને દવામાં ભેળસેળ પકડવા ટીમો દોડાવી : 711 નમુના લેબમાં મોકલાયા

સરકાર પણ એક્શન મોડમાં આવી : મુખ્યમંત્રીએ ખાતર,બિયારણ અને દવામાં ભેળસેળ પકડવા ટીમો દોડાવી : 711 નમુના લેબમાં મોકલાયા
સરકાર પણ એક્શન મોડમાં આવી : મુખ્યમંત્રીએ ખાતર,બિયારણ અને દવામાં ભેળસેળ પકડવા ટીમો દોડાવી : 711 નમુના લેબમાં મોકલાયા

19 સ્કવોડે જુદા-જુદા જિલ્લાઓમાંથી 6.15 કરોડનો જથ્થો અટકાવ્યો: ખામીઓના કારણે 483ને નોટીસ ફટકારાઇ

આચારસંહિતાની સમાપ્તિના પ્રથમ દિવસે જ સરકારે ખેડૂતો જે બિયારણ, ખાતર અને દવાઓ ખરીદી કરે છે તેમાં શંકાસ્પદ અને અનધિકૃત જથ્થાથી ખેડૂતો છેતરાય અને તેમને નુકસાન ભોગવવું પડે છે માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ખેતીવાડી ખાતાને રાજયવ્યાપી બે દિવસીય ખાસ ઝુંબેશ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.સ્ટેટ લેવલની 19 સ્કવોડે વિવિધ જિલ્લાઓમાં ચકાસણી કરી હતી.

આ ઝુંબેશમાં ખાતર,બિયારણ અને દવાના કુલ 711 નમુના લેવાયા હતા જેમાં કપાસના 324 નમુના સામેલ હતા. જેને પૃથ્થકરણ માટે રાજયની જુદી જુદી માન્ય લેબમાં એનાલિસીસ માટે મોકલાયા હતા. તેમાંથી 116 નમુના શંકાસ્પદ જિનેટિકલી મોડીફાઈડ અને અનઅધિકૃત કપાસ તરીકે લેવામાં આવ્યા હતા. તેમજ અત્યાર સુધીમાં 110 આવા નમુનાના પૃથ્થકરણમાં 101 પ્રમાણિત અને 9 બિનપ્રમાણિત જણાયા છે. 634 નમુનાનું પૃથ્થકરણ કાર્યરત છે.

ચકાસણી ઝુંબેશ દરમિયાન અંદાજે રૂા.6.15 કરોડનો જથ્થો અટકાવ્યો છે અને અલગ અલગ ખામીઓને કારણે 483 નોટિસ અપાઈ છે. મુખ્યમંત્રીના આદેશને પગલે સમગ્ર રાજયમાં ક્ષેત્રિય કક્ષાએ 39 ટીમો અને સ્ટેટ લેવલની 19 સ્કવોડ દ્વારા રાજયના વિવિધ જિલ્લાઓમાં બે દિવસ માટે સઘન ચકાસણી હાથ ધરાય હતી. રાજયના અલગ અલગ વિસ્તારોમાં વિવિધ ઈનપુટના 59 ઉત્પાદકો તેમજ બિયારણના 848, ખાતરના 547 અને દવાના 750 વિક્રેતાઓને ત્યાં ખેતીવાડી વિભાગની ટીમ દ્વારા તપાસણી કરાઈ હતી.મુલાકાત દરમિયાન બિયારણના 524, ખાતરના 105 અને દવાના 82 એમ કુલ 711 નમુના લેવામાં આવ્યા હતા અને પૃથ્થકરણ માટે રાજયની જુદી જુદી માન્ય લેબમાં એનાલિસીસ માટે મોકલાયા હતા.