જગન્નાથજીની શોભાયાત્રાની અમદાવાદમાં જોરશોરથી તૈયારીઓ શરૂ

ક્રાઈમ બ્રાંચની ટીમે મંદિરથી મોસાળ સુધી ફુટ પેટ્રોલીંગ અને ડ્રોન દ્વારા રૂટનું સર્વેલન્સ પણ શરૂ કરાયું

અમદાવાદ પોલીસ હવે રથયાત્રાના બંદોબસ્ત અને તેની વ્યવસ્થાની ભવ્ય તૈયારીઓમાં લાગી ગઈ છે. સ્થાનિક પોલીસ દ્વારા બુલેટ પર પેટ્રોલીંગ કરાયું હતું. તેમજ ક્રાઈમ બ્રાંચની ટીમે મંદિરથી મોસાળ સુધી ફુટ પેટ્રોલીંગ કર્યું હતું. ડ્રોન દ્વારા રૂટનું સર્વેલન્સ પણ શરૂ કરાયુ છે. જેને પગલે ધાબામાં કોઈ વાંધાજનક વસ્તુઓ પડી હોય તો તેની વિગતો પણ પોલીસને મળી શકે.

શહેરભરની પોલીસે તમામ રીઢા અને માથાભારે ગુનેગારોની પ્રવૃતિઓ પર વોચ વધારી દીધી છે.તેમજ બાતમીદારોને સક્રીય કરી દેવાયા છે. સાથે સાથે કોમ્યુનીટી પોલિસીંગ સંદર્ભે સર્વધર્મ સદભાવના થાય તેવા કાર્યક્રમોના આયોજન પણ કરવામાં આવી રહ્યાં છે.

પોલીસ કમિશ્ર્નર સહિત સીનીયર ઓફિસરોએ શહેર પોલીસને રથયાત્રાની તૈયારીમાં જવાની સૂચના આપી દીધી છે. જેને પગલે પોલીસ પણ રથયાત્રાના ચુસ્ત બંદોબસ્તના મૂડમાં આવી ગઈ છે. જગન્નાથ મંદિર પાસે પોલીસની ચહલપહલ વધી ગઈ છે. નિષ્ક્રીય રહેતી હવેલી પોલીસ એકટીવ થઈ ગઈ છે.રથયાત્રા જે રૂટ પરથી પસાર થાય છે. તે રૂટ પરના પોલીસ મથકોના કર્મચારીઓને ખાસ એલર્ટ રહેવા સૂચના અપાઈ છે.