16 વર્ષ પહેલા શરૂ થઈ હતી વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ

16 વર્ષ પહેલા શરૂ થઈ હતી વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ
16 વર્ષ પહેલા શરૂ થઈ હતી વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ

18 એપ્રિલ વિશ્વભરના ક્રિકેટ ફેન્સ અને તમામ લેવલના ક્રિકેટરો માટે ખૂબ જ ખાસ છે, કારણકે આજના દિવસે 16 વર્ષ પહેલા ક્રિકેટની સૌથી મોટી અને સૌથી સફળ લીગ ટુર્નામેન્ટ શરુ થઈ હતી અને આજે તે તમામ પ્રકારના સ્પોર્ટ્સમાં ક્રિકેટની ઓળખ બની ગઈ છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) દેશ-વિદેશના ખેલાડીઓને એક સ્ટેજ પર લાગવામાં અને દુનિયાભરના ફેન્સને ક્રિકેટથી કનેક્ટ કરવામાં સફળ રહ્યું છે.

આજથી 16 વર્ષ પહેલા ક્રિકેટની સૌથી મોટી લીગ IPLની શરૂઆત થઈ હતી. 18 એપ્રિલ 2008ના દિવસે IPLની સૌપ્રથમ મેચ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે રમાઈ હતી.

પહેલી સિઝનમાં કોલકાતાની કપ્તાની સૌરવ ગાંગુલીના હાથમાં હતી. જ્યારે રાહુલ દ્રવિડ RCBની કમાન સંભાળી રહ્યો હતો. પહેલી મેચમાં RCB સામે KKRએ 3 વિકેટે 222 રન બનાવ્યા હતા. જ્યારે RCB 15.1 ઓવરમાં માત્ર 82 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. KKRએ આ મેચ 140 રને જીતી હતી અને IPLની સૌપ્રથમ મેચ જીતનાર ટીમ બની હતી.

પહેલી જ મેચમાં KKRના ઓપનર બ્રેન્ડન મેક્કુલમે માત્ર 73 બોલમાં અણનમ 158 રનની શાનદાર ઈનિંગ રમી હતી. મેક્કુલમે 13 છગ્ગા અને 10 ચોગ્ગા ફટકાર્યા હતા અને તે IPLનો પ્રથમ ‘પ્લેયર ઓફ ધ મેચ’ બન્યો હતો.

IPLની પ્રથમ સિઝન રાજસ્થાન રોયલ્સે જીતી હતી.ઓસ્ટ્રેલિયાના મહાન સ્પિનર ​​શેન વોર્નની કપ્તાનીમાં રાજસ્થાન રોયલ્સ સૌપ્રથમ ચેમ્પિયન બન્યું હતું. રાજસ્થાન રોયલ્સે ફાઈનલમાં ચેન્નાઈ સુપર કિંગ્સને 3 વિકેટે હરાવ્યું હતું.

IPLની પ્રથમ સિઝનની જોરદાર સફળતા બાદથી BCCI સતત 17 વર્ષથી IPLનું આયોજન કરી રહી છે. વર્ષ 2024માં હાલ IPLની 17મી સિઝન ચાલી રહી છે. IPL બાદ ક્રિકેટ રમતના વિશ્વભરના અનેક દેશોમાં લીગ ટુર્નામેન્ટ શરૂ થઈ છે, જો કે આ બધામાં સૌથી સફળ T20 લીગ IPL જ રહી છે.