હવે નિષ્ફળતા પચાવવાના કોચિંગ ક્લાસની પણ જરૂર

હવે નિષ્ફળતા પચાવવાના કોચિંગ ક્લાસની પણ જરૂર
હવે નિષ્ફળતા પચાવવાના કોચિંગ ક્લાસની પણ જરૂર

આ ઠેક વર્ષની એક ખૂબ જ ટેલેન્ટેડ છોકરીના માતા પિતા તેમના પરિવારના ગુરુ સમાન આદરણીય વ્યક્તિને ત્યાં આશીર્વાદ અને પ્રેરણા મેળવવા ગયા. છોકરી તેની શાળામાં અને સમાજમાં તેની બહુમુખી પ્રતિભાથી બધાને અચંબામાં મૂકી દેતી. હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત ભાષામાં નિબંધ કે શ્લોક એક વાર સંભળાવો અને તેને યાદ રહી જાય. એક પાત્રિય અભિનય અને વકૃત્વ સ્પર્ધામાં પણ છવાઇ જાય. અભ્યાસમાં અવ્વલ રહે. તેને મળીને કોઈપણ કહી શકે કે પરિવારની તાલીમ અને સંસ્કારનો તો ઉદાહરણીય સાથ મળ્યો છે પણ આ છોકરીની રસ, રુચિ, કુતુહલ, ગ્રહણશક્તિ અને આત્મવિશ્વાસ જન્મજાત હશે. આ વયે આ હદે આટલી સિધ્ધહસ્ત છે તો આગળ જતા તો કઈ હદે તેના જીવન અને કારકિર્દીમાં ઝળકી ઉઠશે. 

માતા પિતાએ ગુરુ તુલ્ય સંબંધીને વિનંતી કરી કે

‘દીકરીને આશીર્વાદ આપો કે તે તેના જીવનમાં અવનવી સફળતાના શિખર સર કરીને પરિવારનું અને સમાજનું નામ રોશન કરે.મહાનુભાવ બનીને દેશનું ગૌરવ વધે તેવું પ્રદાન આપે.’

તે પછી માતા પિતાએ કહ્યું કે ‘ગુરુજી, વધુ સફળતા કેમ મળે તે માટે કઈ રીતે પુત્રીનો ઉછેર કરવો તે માર્ગદર્શન લેવા આવ્યા છીએ.અમને સફળતાના ડગ કે કેડી કંઈ રીતે કંડારવી અને તેના પર કઈ રીતે ચાલવું તે માટેનો બોધ કે રોડ મેપ આપો તો આભારી થઈશું.’

ગુરુજીએ કંઇક જુદો જ અને વિચારતા કરી મૂકે તેવો ઉત્તર આપ્યો કે ‘હું જોઈ શકું છું કે તેની યુવા વય સુધીમાં તમારી પુત્રીએ યશ અને કીર્તિ મેળવ્યા હશે. તમે બધા વાલીઓ સફળતા કઈ રીતે મળે તેની પ્રેરણા કે માર્ગદર્શન મેળવવા આવો છો પણ હું તમને એટલું કહીશ કે આવી હોનહાર પ્રતિભાને સફળતા તો મળતી જ રહેશે   તેનું જીવન બૌધ્ધિક સાથે માનસિક રીતે પણ સ્વાસ્થ્યપૂર્ણ બનાવવું હોય તો તેને નિષ્ફળતા કેમ પચાવવી અને તેમાંથી કઈ રીતે ફરી બેઠા થવું તે અંગે સજ્જ કરવાની તાલીમ આપવી વધુ જરૂરી છે.તેને કોઈ વખત ક્રમ પાછળ રહે કે તેની પસંદગી ન થાય તેમજ ધાર્યું પ્રાપ્ત ન થાય તો કેવી સ્વસ્થતાથી ટકી રહેવું તે પ્રેરણા આપવા પર ભાર મૂકવાની જરૂર છે. સફળતા માટેના કોચિંગ ક્લાસ હોય છે પણ નિષ્ફળતા વખતે હકારાત્મક અભિગમ કઈ રીતે કેળવાય તે માટેના ક્લાસ કોઈ જગ્યાએ નથી ચાલતા.’

વિદ્યાર્થી હોય કે વ્યવસાય, રમત  અને કલા જગત તેમજ નોકરી ધંધામાં પણ હવે નિષ્ણાતો પાસેથી  તાલીમ, ઉપલબ્ધ શૈક્ષણિક સંસ્થાઓ, દેશ વિદેશમાં પ્રતિભા દર્શન કરાવી શકાય તેવુ  વાતાવરણ જોવા મળતું હોઇ અગાઉની તુલનામાં જુદા જુદા ક્ષેત્રોમાં સફળતા મેળવનાર વિદ્યાર્થીઓ અને યુવાનો વધતા જાય છે પણ સાથે સાથે સમાજમાં એવા કિસ્સાઓ પણ ભયજનક રીતે વધી રહ્યા છે કે સફળ વ્યક્તિઓ  ડિપ્રેશન અને હતાશા જેવી મનોબીમારી ભોગવતા હોય છે. આપણે જેને સફળ માનીને આદર સાથે જોતા જોઈએ. તેનું ઉદાહરણ આપતા હોઈએ પણ તે વ્યક્તિ અંગત રીતે મનોબીમાર હોઇ શકે.તે એમ માને છે કે હજુ તેનામાં ઊંચા લેવલ પર જવાની ક્ષમતા છે પણ તે મુકામ પર તે પહોંચ્યો નથી. જેઓ ગામમાં ટોપ પર છે તેઓને શહેરમાં, શહેરમાં છે તેઓને રાજ્યમાં અને તેથી આગળ દેશ અને વિદેશમાં છવાઇ જવાની કામના છે. નવા માપદંડો કે લક્ષ્યાંકો માટેની મહત્ત્વકાંક્ષા સેવવી તો ઘણો જ સારો ગુણ કહેવાય પણ તે સિદ્ધ ન થાય તો વર્તમાનમાં જે છીએ તેની સાફલ્યના એહસાસ સાથે નોંધ જ ન લેવી અને હતાશા અને લઘુતા ગ્રંથિમાં સરકી જવું તે ભયજનક ટ્રેન્ડ છે.

સફળતા પછી કોઈ વખત નિષ્ફળતા મળે તો પણ તેને સ્વીકારી ફરી બેઠા થવાનો હોંસલો જાળવવાની તાલીમ કોઈએ નથી આપી હોતી.

આપણે અખબારમાં એવા આઘાતજનક કરુણ સમાચાર અવારનવાર વાંચતા હોઈએ છીએ કે નોકરી ગુમાવવાથી કે ધંધામાં ખોટ જવાથી વ્યક્તિએ તેની પત્ની અને સંતાનોને ઠાર કરીને પોતે પણ તેનું જીવન ટુંકાવી દીધું હોય. આવી ઘટનાનું કારણ નિષ્ફળતા કે આઘાત સહન કરીને કોઈપણ હિસાબે બેઠા થઈશું જેવા મિજાજ કેળવવાની પ્રેરણા બાળથી માંડી પુખ્ત વયે નથી મેળવી હોતી.

પ્રતિભાશાળી વ્યક્તિમાં બીજી ઉણપ એવી જોવા મળે છે કે તેમનો ક્રમ તો પ્રથમ જ હોવો જોઈએ. જો તેનો બીજો કે પાછળનો ક્રમ આવી જાય તો તે ઘેર આવીને પાગલ જેવી હરકત કરવા માંડે છે. ગ્લાસ, બોટલ જે હાથમાં આવે તે ફેંકે છે. તેના રૂમનું બારણું બંધ કરીને રડતી રહે છે. આવી વ્યક્તિ મદ્યપાન અને ડ્રગના રવાડે પણ સહેલાઈથી ચઢી જાય છે.

તેવી જ રીતે ઈર્ષા વૃત્તિ પણ પ્રબળ હોય તે નબળાઈ વધતી જાય છે. પોતાના કરતા બીજો આગળ આવી જાય , ભૌતિક રીતે કે યશ કીર્તિની રીતે સરસાઇ મેળવે તો પણ તે સાંખી ન શકે. પોતાની પાસે પણ આગવી યશ, કીર્તિ અને ભૌતિક સુખ સગવડ ઊંચા દરજ્જાની હોય જ છે પણ મારા જેવી કે મારા કરતાં બીજાંને વધારે માત્રામાં કેમ તે જ તેની ઊંઘ ઉડાડી દે છે. તે પોતાને નિષ્ફળ માને છે.દુનિયાની નજરે તો તે બહુ સુખી અને સફળ છે. દુનિયાને કદાચ તેની ઈર્ષા પણ આવતી હશે પણ આ વ્યક્તિ હતાશાથી ઘેરાઈ ગઈ છે. તેને પોતાના કરતા તેના સાથી કેમ વધુ લોકપ્રિયતા, સંપત્તિ કે પારિવારિક રીતે સુખી છે તે જોઈ નથી શકાતું હોતું અને ગુમસુમ અને નિસ્તેજ મનોસ્થિતિ સાથે જીવન વિતાવે છે અને તેના પરિવારજનો જોડે પણ તેવું વર્તન કરે છે.

એક બહોળો યુવા વર્ગ હવે એવી મનોબીમારી ભોગવે છે કે તેઓને જે જોઈતું હોય તે જ મળવું જોઈએ. આ માટે તે પોતે ગમે તે હદે જઈ શકે છે. કાયદો પણ હાથમાં લે અને કોઈની હત્યા પણ કરી શકે છે.

કોઈ મનગમતી છોકરી મિત્રતા માટે ઇનકાર કરે કે અન્ય પાત્ર જોડે તેને જુએ તો તે છોકરીના મોં પર એસિડ છાંટીને તેની ચહેરો આજીવન કદરૂપો બનાવી દેતી હરકતો બને જ છે ને. ગમતી છોકરી ન મળે તો તેને પકડીને જાહેરમાં તેની નસ કાપીને હત્યા કરવાની ચકચારી ઘટના બની જ હતી ને.

યુવતીઓ પણ આ જ રીતે તેનું ધાર્યું પ્રાપ્ત ન થાય કલ્પના ન કરી હોય તે હદે કૃત્ય કરતી હોય છે.

યાદ રહે આવી આત્મહત્યા સુધીનો અંજામ આપતી વ્યક્તિ સફળ અને સાધન સંપન્ન જ હોય છે પણ તેઓ જરા સરખી નિષ્ફળતા મળે, કોઈ આગળ વધી જાય કે ધાર્યું પ્રાપ્ત ન થાય તે સાથે જ પાગલ બની જાય છે.આનું એક જ કારણ હોય છે કે સફળતા મેળવવાના રાજ માર્ગ માટેની જ તેઓએ તાલીમ લીધી હોય છે નિષ્ફળતા વખતના કાંટાળા બે ડગલાં કેમ ચાલવા તેની પ્રેરણાનો ઘડતરના વર્ષોમાં સદંતર અભાવ રહ્યો હોય છે.

પોતે સફળ ન થયા તેનું દુઃખ હોય પણ બીજા કેમ થયા તે સતાવતું હોય તેવા મનોરોગી પણ મોટી સંખ્યામાં છે.

સફળતા સાથે જોડાયેલ બીજી વિકૃત સ્થિતિ એ હોય છે કે સફળતાને પચાવી ન શકવી.હજુ થોડી અમથી સફળતા ન મળી હોય ત્યાં તો પકડો તો ઝાલ્યા ન રહે તેવાનો તો તોટો નથી. જ્ઞાતિમાં કંઇક વિશેષ ઈનામ મેળવ્યું હોય તેમાં તો ઓસ્કાર કે નોબેલ પ્રાઇઝ મળ્યું હોય તેમ ફાંકમાં ફરે. વર્તન બદલી નાંખે.પોતે કંઇક વિશિ છે તેવી રાઈ ભરીને ફરે. તેના કરતાં વધુ સફળતાનું લેવલ હોય તે સાથે જ જમીની સંપર્ક છોડી દે. બીજા બધા તેને વામણા લાગવા માંડે. મોંઘી ગાડી, કાંડા પર અને ગળા પર સોનાના તગડા બેલ્ટ અને ચેઇન આવી જાય. 

પાર્ટી,નાઈટ લાઇફ, મદ્યપાન, ડ્રગ અને સેક્સની દુનિયામાં સરકી જય. જે ઝાડ પર બેઠા હોય તેની જ ડાળી તોડતા હોય તેવું વર્તન જોઈ શકાય. જે ક્ષેત્રએ તેને આ મુકામ આપ્યો હોય છે તે જ ક્ષેત્રની ધાર વધુ સજાવવાની જગ્યાએ તે ઝાડ પરત્વે જ ઉપેક્ષા કરે અને થોડા અરસા પછી ખૂબ જ પ્રતિભા હોવા છતાં ફેંકાઈ જવાતું હોય છે.બાકીની જિંદગી ભારે પશ્ચાતાપ સાથે ભીખ માંગીને કે મિત્રોની સહાયથી ગુજરતું હોય છે.

હવે પછીના સત્સંગમાં, મોટીવેટરોના વક્તવ્યમાં, વાલીઓના સંતાનો જોડેના સંવાદમાં, શાળાના અભ્યાસ અને કેળવણીમાં તેમજ સાહિત્યમાં સફળતા માટે ફોર્મ્યુલા અને પ્રેરણા સાથે જ સફળતા કે  નિષ્ફળતા મળે ત્યારે કઈ રીતે અનુક્રમે તેમાં સ્વસ્થ થઈને રહેવું અને ફરી જુસ્સા સાથે બેઠા થવું તેનું માર્ગદર્શન પણ અપવું જ રહ્યું કેમ કે સમાજ સફળ વ્યક્તિઓથી નહીં સ્વસ્થ આત્માઓથી ઉન્નત બનતો હોય છે.