સોનું ૫૩,૦૦૦ને પાર, ચાંદી બે દિવસમાં ૨૫૦૦ ઉછળી ૭૦,૦૦૦ની નજીક

કોરોના વાયરસના નવા સ્ટ્રેને સોના-ચાંદીની તેજીને વેગ આપ્યો છે તેમજ વૈશ્ર્વિક તેમજ ભારતીય બુલિયન બજારમાં બંને કિંમતી ધાતુઓના ભાવ નોંધપાત્ર ઉછળ્યા છે. જેમાં સોનાના ભાવ ૫૩,૦૦૦ રૂપિયાને વટાવી ગયા હતા અને ચાંદી ૭૦,૦૦૦ રૂપિયાની નજીક પહોંચી ગઇ છે. આમ ચાલુ સપ્તાહે સતત બીજા દિવસે સોના અને ચાંદીના ભાવમાં તેજી તરફી માહોલ જોવા મળ્યો છે.

આજે અમદૃાવાદૃ બુલિયન બજારમાં સોનાનો ૪૫૦ રૂપિયાના ઝડપી ઉછાળામાં ૫૩,૦૦૦ રૂપિયાની સપાટી વટાવીને ૫૩,૨૫૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ થયો હતો. તો સોના પાછળ ચાંદૃીના ભાવમાં ચમકારો આવ્યો છે. આજે ચાંદી ૧૦૦૦ રૂપિયા ઉછળીને ૬૯,૫૦૦ રૂપિયા પ્રતિ એક કિગ્રા થઇ હતી. ઉપરોક્ત સોના-ચાંદીના ભાવ હાલ ગત ૭ ઓગસ્ટના ઐતિહાસિક ઉંચા ભાવ પછીના સૌથી ઉંચા ભાવ છે. તે દિવસે સ્થાનિક બજારમાં સોનાનો ભાવ ૫૬,૦૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ અને ચાંદીનો ભાવ ૭૬,૦૦૦ રૂપિયા પ્રતિ ૧ કિગ્રા થયો હતો.

વૈશ્ર્વિક બજારની તેજીના હૂંફે ઘરઆંગણે સતત બીજા દિવસે સોના-ચાંદીના ભાવ નોંધપાત્ર વધ્યા છે. આમ બે દિવસમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ દીઠ ૧૨૫૦ રૂપિયા મોંઘુ થયુ છે. તો ચાંદી પણ ૨૫૦૦ રૂપિયા પ્રતિ ૧ કિગ્રા મોંઘી થઇ છે. જોવા જઇ તો સોના કરતા ચાંદીમાં વિતેલા બે દિવસમાં બમણો ઉછાળો આવ્યો છે.

વૈશ્ર્વિક બજારમાં આજે સોનાનો ભાવ ૪૪.૨૦ ડોલર ઉછળીને ૧૯૪૩ ડોલર પ્રતિ ટ્રોય ઔંસની ઉંચી સપાટીને સ્પર્શ્યો હતો. તો ચાંદી ૧ ડોલર જેટલી વધીને ૨૭.૩૧ ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થઇ હતી. ટકાવારીની રીતે સોનામાં આજે ૨.૩૩ ટકા અને ચાંદીમાં ૩.૨ ટકાની તેજી આવી હતી.