વ્યાજ વસુલવાની યોગ્ય પદ્ધતિ અપનાવવા બેન્કોને આરબીઆઇ નો આદેશ

વ્યાજ વસુલવાની યોગ્ય પદ્ધતિ અપનાવવા બેન્કોને આરબીઆઇ નો આદેશ
વ્યાજ વસુલવાની યોગ્ય પદ્ધતિ અપનાવવા બેન્કોને આરબીઆઇ નો આદેશ

દેશમાં રાષ્ટ્રીયકૃત સહિતની બેન્કો દ્વારા તેના ધિરાણ લેનાર પાસેથી વસુલાતા વ્યાજમાં એક નિશ્ર્ચિત મર્યાદાથી આગળ જઈને તથા ગેરવ્યાવહારીક રીતે વ્યાજ વસુલવાની પદ્ધતિ પર આખરે રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાએ લાલ આંખ કરી છે તથા આ રીતે જેઓ પાસેથી વધુ વ્યાજ વસુલાયુ છે તેઓને પરત આપવા સુધીના આદેશ આપ્યા છે.

બેન્ક ધિરાણમાં ભાગ્યે જ પારદર્શકતા છે અને બેન્કો પ્રોસેસીંગ સહિતના ચાર્જમાં પણ મનફાવે તે રીતે વસુલાત કરે છે. ધિરાણના ગાળા દરમ્યાન પણ અનેક પ્રકારના ચાર્જ વધારે પડતા વિમા પ્રીમીયમ અને અનેક બેન્કો ડોકયુમેન્ટ-જાળવણી ચાર્જ પણ વસુલે છે. રીઝર્વ બેન્ક પાસે આ અંગે જે વ્યાપક રીતે ફરિયાદો મળી છે તેમાં હવે રીઝર્વ બેન્કે પારદર્શક અને બેન્કીંગ નિયમોને અનુરૂપ જ વ્યાજ વસુલીના આદેશ આપ્યા છે.

રીઝર્વ બેન્કે તા.31 માર્ચ 2020 સુધીની પરીસ્થિતિ પર આ પ્રકારની સ્થિતિ હોવાનું જણાવ્યું હતું. આરબીઆઈ પાસે જે ફરિયાદો આવી છે તેમાં બેન્કો લોન મંજુરીની તારીખથી જ ગ્રાહકના ખાતામાં વ્યાજ ઉધારવાનું શરૂ કરે છે તો બીજા એક માર્ગમાં ગ્રાહકના ધિરાણ ખાતામાં કોઈ ઉપાડ થયો ના હોય પણ બેન્કે ખાતું ખોલી નાખ્યું હોય તે રીતે વ્યાજ વસુલે છે કે બેન્ક ગ્રાહકને તે જે તારીખે ચેક આપે છે તે જ તારીખથી વ્યાજની ગણતરી શરૂ કરે છે.

વાસ્તવમાં ચેક જે તે ગ્રાહકના ખાતામાં ક્રેડીટ થાય કે બેન્કના ખાતામાં ડેબીટ થાય તે દિવસથી વ્યાજ ગણતરી શરૂ કરવી જરૂરી છે. આ ઉપરાંત ધિરાણ માસની કોઈપણ તારીખે આપવામાં આવે પણ વ્યાજ પુરા માસ માટે વસુલાય છે. ઉપરાંત બેન્કો અનેક વખત ગ્રાહક પાસેથી ધિરાણના એક-બે હપ્તા અગાઉથી જ વસુલે છે છતાં પણ પુરી ધિરાણ રકમ પર વ્યાજ વસુલે છે.

રીઝર્વ બેન્કે તમામ બેન્કો તથા ધિરાણ આપતી નાણાકીય સંસ્થાઓને તેમની વ્યાજ વસુલાત અંગેની પુરી પદ્ધતિની પુન: સમીક્ષા કરીને જે ગેરવ્યાજબી પ્રકારે વ્યાજ વસુલાતું હોય તો બંધ કરવા પણ સૂચના આપી છે અને હવે આરબીઆઈ તેની ટીમ મારફત આ પ્રકારે બિન વ્યાવહારીક રીતે વ્યાજ વસુલાયું હોય ત્યાં તપાસ કરીને વધારે વસુલાયેલુ વ્યાજ જે તે ખાતેદારને પરત આપવા પણ જણાવશે અને આ પ્રકારના વ્યવહારો ડીજીટલી કરવાના રહેશે.