રવિવારે મેડીકલ પ્રવેશ માટે રાજકોટ સહિત દેશના 557 શહેરોમાં લેવાશે નીટ

રવિવારે મેડીકલ પ્રવેશ માટે રાજકોટ સહિત દેશના 557 શહેરોમાં લેવાશે નીટ
રવિવારે મેડીકલ પ્રવેશ માટે રાજકોટ સહિત દેશના 557 શહેરોમાં લેવાશે નીટ

ધો.12 પછી મેડીકલમાં પ્રવેશ માટે આગામી 5મી મેના રોજ લેવાનારી નીટ માટે સમગ્ર દેશમાંથી અંદાજે 24 લાખ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે. આમ, દેશના જુદા જુદા રાજયો એક લાખ બેઠકો પર પ્રવેશ માટે આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ નીટ આપશે. રાજકોટ સહિત રાજયમાંથી 75 હજારથી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

મેડીકલમાં પ્રવેશ માટે નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા નેશનલ એલીજીબીલીટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ આગામી પમી મેના રોજ લેવામાં આવનાર છે. આગામી રવિવારે બપોરે 2 થી 5.20 દરમિયાન લેવાનારી નીટ એકઝામ માટે એનટીએ દ્વારા હાલ શહેરોની જાહેરાત કરી દેવામાં આવી છે.

રાજકોટ સહિત દેશના કુલ 557 શહેરો અને વિદેશના 14 શહેરોમાં પરીક્ષા લેવામાં આવશે. વિદ્યાર્થીઓ પોતે કયા શહેરમાંથી પરીક્ષા આપવાની છે તેની જાણકારી આપી હોવાથી હાલમાં શહેરો ફાળવી આપવામાં આવ્યા છે. મહત્વની વાત એ કે, ચાલુ વર્ષે નીટ આપવા માટે સમગ્ર દેશમાંથી  અંદાજે 24 લાખ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. 

અગાઉ સૌથી વધુ 18 લાખ વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. મેડીકલના સુત્રો કહે છે કે, સામાન્ય રીતે દર વર્ષે મેડિકલ માટેની નીટમાં રેગ્યુલર વિદ્યાર્થીઓની સામે રીપીટર વિદ્યાર્થીઓ વધારે નીટ આપવા માટે રજિસ્ટ્રેશન કરતા હોય છે. જેના કારણે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ નીટ આપશે. મહત્વની વાત એ કે, હાલની સ્થિતિમાં સમગ્ર દેશના જુદા જુદા રાજયોમાં આવેલી મેડીકલ કોલેજોમાં અંદાજે 1 લાખ જેટલી બેઠકો ઉપલબ્ધ છે.  

ગુજરાતમાં મેડીકલની 7050 બેઠકો છે. ચાલુ વર્ષે ત્રણ નવી મેડીકલ કોલેજોને મંજુરી મળવાની હોવાથી 450 બેઠકોનો વધારો થશે. સુત્રો કહે છે કે, નીટમાં રાજયમાંથી 75 હજાર રેગ્યુલર વિદ્યાર્થીઓ નીટ આપતા હોય છે.

ચાલુ વર્ષે રેગ્યુલર ઉપરાંત રીપીટર વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં પરીક્ષા આપતા હોવાથી પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થશે.માત્ર મેડીકલ નહીં પોસ્ટ ગ્રેજયુએશન મેડીકલમાં પ્રવેશ માટે પણ બે લાખથી વધારે વિદ્યાર્થીઓે પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

પ્રોફેસર બનવા માટે NETના ફોર્મ તા. 18 જુન સુધી ભરી શકાશે

પ્રોફેસર બનવા માટે લેવામાં આવતી યુજીસી નેટ માટે ફોર્મ ભરવાની મુદ્દત 16મી જુન સુધી નકકી કરવામાં આવી હતી. જુદા જુદા રાજયોમાંથી આવેલી રજુઆતના આધારે હવે નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા આ પરીક્ષા ફોર્મ ભરવાની મુદતમાં બે દિવસનો વધારો કરીને 18મી જુન સુધી ફોર્મ સ્વીકારવાની જાહેરાત કરી છે. 

પ્રોફેસર બનવ માટેની નેટ કુલ 83 વિષયોમાં લેવામાં આવે છે. હવે પછી પીએચડી માટે પણ આ એકઝામને માન્ય કરવાની જાહેરાત કરવામાં આવે છે.