ઘરમાં જ હોસ્પિટલ-સર્જરી, દર્દીના જીવ સાથે રમત;હાઈકોર્ટ

ઘરમાં જ હોસ્પિટલ-સર્જરી, દર્દીના જીવ સાથે રમત;હાઈકોર્ટ
ઘરમાં જ હોસ્પિટલ-સર્જરી, દર્દીના જીવ સાથે રમત;હાઈકોર્ટ

માંડલની શ્રી રામાનંદ આંખની હોસ્પીટલમાં મોતીયાનાં ઓપરેશન બાદ 17 જેટલા દર્દીએ આંશીક અને સંપૂર્ણ રીતે આંખોની દ્રષ્ટિ ગુમાવતાં સર્જાયેલા અંધાપાકાંડ મુદે સુઓમોટો રીટમાં ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલ અને જસ્ટીસ અનિરૂદ્ધ પી.માઈની ખંડપીઠે સરકારને એવી માર્મિક ટકોર કરી હતી કે અનેક હોસ્પીટલો કે કિલનીક ડોકટરો તેમનાં ઘરમાં ચલાવે છે અને કાયદાથી વિરૂધ્ધ જઈ સર્જરીઓ પણ કરે છે.

આ તબીબો લોકોનાં જીવ સાથે રમત રમે છે જે અત્યંત જોખમી બાબત છે.રાજય સરકારે કહ્યુ હતું કે એકથી 50 પથારી ધરાવતી કિલનીક હોસ્પીટલો માટે પણ હવે નવા સુધારેલા નિયમો હેઠળ રજીસ્ટ્રેશન કરાવવુ ફરજીયાત કરવામાં આવ્યું છે.એટલું જ નહિં જો કોઈ કાયદા કે નિયમોનો ભંગ કરશે તો પહેલીવાર 10 હજાર અને બીજી વાર 30 હજાર દંડ કરાશે.

અમદાવાદ જીલ્લાનાં વિરમગામ તાલુકા પાસે આવેલા માંડલ ખાતેની શ્રી રામાનંદ આંખની હોસ્પીટલમાં સર્જાયેલા અંધાપાકાંડની સુઓમોટો રીટની સુનાવણીમાં રાજય સરકાર તરફથી કમલભાઈ ત્રીવેદીએ રજુઆત કરી હતી કે ગુજરાત કિલનીકલ એસ્ટાબ્લીસમેન્ટસ રૂલ્સ ઘડવામાં આવ્યા છે. અગાઉ 50 બેડથી ઓછી બેડની હોસ્પીટલ કાયદા હેઠળ કવર નહોતી પરંતુ હવે આ રૂલ્સમાં બધી જ હોસ્પીટલો કવર થઈ જાય છે જોકે હાલ સ્ટેટ કાઊન્સીલ સંપૂર્ણપણે કાર્યરત નથી પરંતુ એના માટેની કાર્યવાહી ચાલી રહી છે.

હાઈકોર્ટે ટકોર કરી હતી કે મિનિમમ સ્ટાર્ન્ડડ શું સેટ કરવામાં આવ્યા છે. રજીસ્ટ્રેશન પહેલા કોઈ ઈન્સ્પેકશનની પ્રક્રિયા છે કે કેમ સરકારે કહ્યું હતું કે ઈન્સ્પેકશનની પ્રક્રિયા છે અને જે પ્રકારની હોસ્પીટલ કે તબીબી સેવા હોય તે મુજબની તપાસ કરવામાં આવે છે.

રજીસ્ટ્રેશનની પ્રક્રિયા માત્ર ઔપચારીકતા ન બની રહે એવી ટકોર હાઈકોર્ટે કરી હતી. હાઈકોર્ટે કહ્યું હતું કે સ્ટેટ કાઉન્સીલ કાર્યરત નથી ત્યારે ઈન્સ્પેકશન કઈ રીતે થઈ શકે. રજીસ્ટ્રેશન પહેલાં જો ઈન્સ્પેકશન ન થાય તો રજીસ્ટ્રેશન માત્ર ઔપચારીકતા બની જશે.રજીસ્ટ્રેશન વિના અનેક લોકો ઘરમાં રજીસ્ટ્રેશન વિના અનેક લોકો કલીનીક ચલાવે છે. એલોપેથી તબીબો પણ સર્જરી કરે છે.

દરેકને કંઈને કઈ નાણાકીય લાભ પણ આવી પદ્ધતિથી ચાલતા કલીનીકને કારણે મળે છે. ડોકટરે ઘરમાં સર્જરી કરી હતી.અને ચોંકાવનારી ઘટનાઓ અમારી સામે આવી છે. જે ખૂબ ડરામણી છે. આવી અનેક ઘટના હોઈ શકે કે જેમાં લોકોની જીંદગી સાથે રમત રમવામાં આવે છે. તેથી આ મામલે મિનિમમ સ્ટાર્ન્ડડ તો હોવા જોઈએ.

સરકારે કહ્યું હતું કે રાજય સરકાર દ્વારા કિલનીકલ એસ્ટાબ્લીશમેન્ટ એકટ હેઠળનાં નિયમોમાં જરૂરી સુધારા વધારા કરાયા છે. ઈન્સ્પેકશનની જોગવાઈ તબીબી લાયસન્સ, ટેકનીકલ સ્ટાફ અને મશીનરીની ચકાસણીની જોગવાઈ કરાઈ છે.તે સિવાય નિયમ ભંગ કરનારને પહેલીવાર 10 હજાર અને બીજીવાર ભંગ કરનારને 50 હજાર દંડની જોગવાઈ કરવામાં આવી છે.

કોર્ટે કહ્યું હતું કે પરંતુ આવા લોકો પાસે પુરતા રૂપિયા છે અને તેઓ રૂપિયા આપીને છુટી જશે અને પોતાની રીતે ગમે તેમ કલીનીક કે તબીબી સેવાઓ ચાલુ રાખી લોકોના જીવ સાથે ચેડા કરશે. કાયદાકીય જોગવાઈઓનો દુરુપયોગ ન થાય એ પણ સુનિશ્ર્ચિત કરવુ જોઈએ. 

જોકે હવે આ મામલે હાઈકોર્ટનાં વિવિધ સવાલોનાં જવાબ આપવા માટે રાજય સરકાર તરફથી સમય માંગવામાં આવ્યો હોવાથી વધુ સુનાવણી 15 મી જુલાઈએ મુકરર કરવામાં આવી છે.

મેડીકલ ક્ષેત્રે લાભ થશે
હાઈકોર્ટે કહ્યું હતું કે રાજય સરકાર માટે આ ખુબ સારી પહેલ રહેશે. મેડીકલ સર્વીસ સારી છે. બહારના રાજયો અને વિદેશથી પણ દર્દીઓ ગુજરાતમાં આવે છે. આવા સંજોગોમાં જો મેડીકલ સર્વીસીસ રેગ્યુલેટીંગ થઈ જશે તો આ ક્ષેત્રને વધુ લાભ થશે.