મોદી સરકારે કોપરાના લઘુત્તમ ટેકાના ભાવને મંજૂરી આપી

એમએસપીમાં ૩૭૫નો વધારો કરી ૧૦૩૩૫ નક્કી કરાયો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં વર્ષ ૨૦૨૧ની મોસમ માટે કોપરાના લઘુતમ ટેકાના ભાવને મંજૂરી આપવામાં આવી છે. પીસવા માટેના કોપરાની વાજબી સરેરાશ ગુણવત્તા માટે ૨૦૨૧ની મોસમમાં કોપરાના એમએસપીમાં રૂ. ૩૭૫/-નો વધારો કરીને ક્વિન્ટલ દીઠ ભાવ રૂ. ૧૦૩૩૫/- નક્કી કરવામાં આવ્યો છે. વર્ષ ૨૦૨૦માં કોપરાનો ક્વિન્ટલ દીઠ એમએસપી રૂ. ૯૯૬૦/- હતો.

કોપરાના દડા (આખા કોપરા) માટે ૨૦૨૧માં એમએસપીમાં ક્વિન્ટલ દીઠ રૂ. ૩૦૦/-નો વધારો કરીને રૂ. ૧૦,૬૦૦/- ભાવ નક્કી કરવામાં આવ્યો છે જે ૨૦૨૦માં ક્વિન્ટલ દીઠ રૂ. ૧૦,૩૦૦/- હતો. જાહેર કરવામાં આવેલા એમએસપીના કારણે સમગ્ર ભારતમાં સરેરાશ કોપરાના ઉત્પાદન ખર્ચની સામે પીસવા માટેના કોપરામાં ૫૧.૮૭ ટકા જ્યારે આખા કોપરામાં ૫૫.૭૬ ટકા વળતર સુનિશ્ર્ચિત થશે. આ મંજૂરી કૃષિ ખર્ચ અને કિંમત આયોગ દ્વારા કરવામાં આવેલી ભલામણોના આધારે આપવામાં આવી છે.

કેબિનેટના પાકની જાણકારી આપતાં સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરએ જણાવ્યું હતું કે સુકા નાળિયેરની એમએસપી તેના ઉત્પાદન ખર્ચ કરતાં ૫૨ ટકા વધુ છે, જ્યારે કોપરાના દડા (આખા કોપરા) ની એમએસપી તેના ઉત્પાદૃન ખર્ચ કરતાં ૫૫ ટકા વધુ છે.

૨૦૨૧ની મોસમ માટે કોપરાના એમએસપીમાં જાહેર કરાયેલો વધારો, સરકાર દ્વારા ૨૦૧૮-૧૯માં રજૂ કરવામાં આવેલા અંદાજપત્રમાં સમગ્ર ભારતમાં સરેરાશ પડતર કિંમત કરતા ઓછામાં ઓછો દોઢ ગણો એમએસપી રાખવાની જાહેરાત કરવામાં આવી હતી તેને અનુરૂપ છે.